Western Times News

Gujarati News

અત્યાર સુધી 2,09,885 શહેરી શેરી ફેરિયાઓને અપાયા ‘સર્ટિફિકેટ ઑફ વેંડિંગ’ :

પ્રતિકાત્મક

ગુજરાત શહેરી આજીવિકા મિશન -શહેરી શેરી ફેરિયાઓને યોગ્ય તાલીમ આપી આત્મનિર્ભર બનાવવા માટે ગુજરાત શહેરી આજીવિકા મિશન આશીર્વાદરૂપ બની રહ્યું છે

ફેરિયાઓને અપાયા ‘સર્ટિફિકેટ ઑફ વેંડિંગ’ : જેના પરિણામે કોઈ પણ જાતની કનડગત વિના સરળતાપૂર્વર્ક વેપાર કરી શકશે

દીનદયાલ અંત્યોદય યોજના- રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (DAY-NULM), શહેરી શેરી ફેરિયાઓ માટે વરદાનરૂપ સાબિત થયું છે. આ યોજનાના એક મહત્વપૂર્ણ ઘટક શેહરી શેરી ફેરીયાઓને સહાય (Support to Urban Street Vendors) અંતર્ગત અત્યારસુધીમાં ૨,૦૯,૮૮૫ શહેરી શેરી ફેરિયાઓને કૌશલ્ય તાલીમ આપી સર્ટિફિકેટ ઓફ વેન્ડિંગ આપવામાં આવ્યા છે. આ ઘટક હેઠળ શહેરી અને ગ્રામીણ શેરી ફેરીયાઓને તાલીમ આપી ઓળખકાર્ડ તેમજ સર્ટિફિકેટ ઑફ વેંડિંગ (CoV) આપવામાં આવે છે.

દીનદયાલ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (DAY- NULM)નાં શહેરી શેરી ફેરીયાઓને સહાય (SUSV) ઘટક અંતર્ગત ઓળખાયેલ શહેરી શેરી ફેરીયાઓને કૌશલો શીખવવા, લઘુ સાહસો ઉભા કરવા અને ધિરાણ મેળવવા માટે સક્ષમ બનાવવા તથા પાયાની બેન્કિંગ સેવાઓ મેળવવા માટે પ્રોત્સાહિત કરવા માટેની જોગવાઈ કરવામાં આવેલ છે.

યોજનાના આ ઘટક અંતર્ગત મહાનગરપાલિકા વિસ્તારનાં શહેરી શેરી ફેરિયાઓ માટે તાલીમ કાર્યક્રમ અને ફાઈનાન્શિયલ લિટરસી કૅમ્પનું આયોજન કરવામાં આવે છે કે જે અન્વયે શહેરી શેરી ફેરિયાઓને ફૂડ સેફટી, આરોગ્ય સંબંધી સ્વચ્છતાની જાળવણી , કચરાનો યોગ્ય નિકાલ વગેરે વિષય સંદર્ભમાં તાલિમ કાર્યક્રમનાં આયોજન થકી જાગૃત કરવામાં આવે છે.

રાજ્ય સરકાર તથા સંબંધિત નગરપાલિકાઓ તેમજ મહાનગરપાલિકાઓએ કોરોનાકાળ દરમિયાન એસયૂએસવી હેઠળ શહેરી શેરી ફેરીયાઓની સહાય માટે એક પછી એક પગલા ભર્યાં હતા. કોરોના કાળ દરમિયાન જ રાજ્યના 62,000 શહેરી શેરી ફેરીયાઓની ઓળખ કરી એસયૂએસવી હેઠળ તેમને વિવિધ તાલીમ આપવામાં આવી અને ત્યાર બાદ તેમને સર્ટિફિકેટ ઑફ વેંડિંગ પણ આપવામાં આવ્યા.

એટલું જ નહીં, કોરોના બાદ જનજીવન સામાન્ય થયા પછી પણ એસયૂએસવી હેઠળ રાજ્યના શહેરી શેરી ફેરીયાઓની સહાયની કામગીરી ચાલુ રાખવામાં આવી અને અત્યાર સુધી આ ઘટક હેઠળ રાજ્યના 8 મહાનગરો સહિત તમામ શહેરોમાં કુલ 2 લાખ 9 હજાર 885 શહેરી શેરી ફેરીયાઓનો સર્વે કરવામાં આવ્યો. ત્યારબાદ આ તમામ શહેરી શેરી ફેરીયાઓને ઓળખકાર્ડ તેમજ સર્ટિફિકેટ ઑફ વેંડિંગ (CoV) આપવામાં આવેલ છે.

શહેરોમાં મોટાભાગે નાના ધંધા-રોજગાર કરનારાઓ માટે સ્થાનિક સત્તામંડળ તરફથી દબાણ હટાઓ કામગીરી મોટો પડકાર હોય છે. તેમાં સૌથી વધુ ભોગવવાનો વારો શેરી ફેરીયાઓનો આવે છે, કારણ કે આ વર્ગના લોકો મોટાભાગે જાહેર માર્ગો પર ફરીને ધંધો કરતા હોય છે. તેવામાં આવા શેરી ફેરીયાઓને અધિકૃત ઓળખકાર્ડ તથા સીઓવી(CoV)  મળતા તેઓ કોઈ પણ જાતની કનડગત વિના સરળતાપૂર્વક પોતાનો ધંધો કરી શકે છે.

આમ, આ સમગ્ર યોજના એટલે કે દીનદયાલ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (DAY-NULM) હેઠળના ગુજરાત શહેરી આજીવિકા મિશન (જીયૂએલએમ)ના ઘટક એસયૂએસવી શહેરી ફેરીયાઓ માટે વરદાન સાબિત થઈ રહ્યું છે. -પલ્લવ પટેલ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.