Western Times News

Gujarati News

CA ફાયનલમાં અમદાવાદના વિદ્યાર્થીએ દેશમાં પ્રથમ રેન્ક મેળવ્યો

મે, ૨૦૨૩માં લેવાયેલી CA ફાયનલ અને ઈન્ટરમિડીયેટ પરીક્ષાના પરિણામો જાહેર

સીએ ઈન્ટરમિડીયેટમાં અમદાવાદની વિદ્યાર્થીનીએ દેશમાં ૧૩મો રેન્ક મેળવ્યો

અમદાવાદ, ધ ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા મે 2023માં લેવાયેલી સીએ ફાયનલ અને સીએ ઈન્ટરમિડયેટ પરીક્ષાનાં પરિણામો વિક્રમજનક ટુંકા સમયગાળામાં આજે જાહેર કર્યા હતાં. સીએ ફાયનલમાં અમદાવાદનાં વિદ્યાર્થી અક્ષય રમેશ જૈનએ દેશમાં સર્વપ્રથમ ક્રમાંક મેળવ્યો છે.

જે શહેર માટે ગૌરવવંતી ઘટના છે. સીએ ઈનટરમિડીએટમાં અમદાવાદની વિદ્યાર્થીની કશિષ વિપુલ ખંધારએ ઓલ ઈન્ડિયા રેન્કીંગમાં 13મો ક્રમાંક મેળવ્યો છે.

આઈસીએઆઈનાં સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સીએ પુરૂષોત્તમ ખંડેલવાલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આઈસીએઆઈ દ્વારા મે 2023માં લેવાયેલી સીએ ફાયનલ અને સીએ ઈન્ટરમિડીયેટ પરીક્ષાનાં પરિણામો એક સાથે ખૂબ જ ટૂંકા સમયગાળમાં આજે જાહેર કરવામાં આવ્યા છે. જે ઐતિહાસિક બાબત છે. આ બાબતનો શ્રેય આઈસીએઆઈ દ્વારા અપનાવાયેલી સ્વયંસંચાલિત ટેકનોલોજી છે, જેમાં 100 ટકા કોપીનું ચેકીંગ અને ઈવેલ્યુએશન થાય તેની તકેદારી રાખવામાં આવે છે.

મે 202૩માં લેવાયેલી સીએ ફાયનલ કોર્સની પરીક્ષાનું સમગ્ર ભારતનું બંને ગ્રુપોનું પરિણામ 08.૩૩ ટકા, ગ્રુપ-1નું 11.91 ટકા અને ગ્રુપ-2નું પરિણામ 31.43 ટકાનું છે. અમદાવાદ સેન્ટરનું સીએ ફાયનલ પરીક્ષાનું બંને ગ્રુપોનું પરિણામ 09.83 ટકા, ગ્રુપ-1નું 11.35 ટકા અને ગ્રુપ-2નું 33.12 ટકાનું છે. મે 2023માં લેવાયેલી સીએ ફાયનલ પરિક્ષામાં દેશમાંથી કુલ 13,430 વિદ્યાર્થીઓ ઉત્તિણ થયા છે.

સીએ ઈન્ટરમિડીયેટ કોર્સની પરીક્ષાનું સમગ્ર ભારતનું પરિણામ બંને ગ્રુપોનું 10.24 ટકા, ગ્રુપ-1નું 18.95 ટકા અને ગ્રુપ-2નું 23.44 ટકાનું છે. સીએ ઈન્ટરમિડીયેટ કોર્સની પરીક્ષામાં અમદાવાદ કેન્દ્ર પરિણામમાં બંને ગ્રુપનું પરિણામ 10.75 ટકા, ગ્રુપ-1નું પરિણામ 15.62 ટકા અને ગ્રુપ-2નું પરિણામ 37.09 ટકા છે.

આઈસીએઆઈ દ્વારા મે 202૩માં લેવાયેલી સીએ ફાયનલ અને સીએ ઈન્ટરમિડીયેટ પરીક્ષાનાં પરિણામો અંગે પ્રતિભાવ આપતા અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન સીએ ડો. અંજલી ચોક્સીએ જણાવ્યું હતું કે, સીએ ફાયનલ અને સીએ ઈન્ટરમિડીયેટની મે 202૩માં લેવાયેલી પરીક્ષાનાં પરિણામોમાં સમગ્ર ભારતનાં પરિણામોની ટકાવારીની સરખામણીમાં અમદાવાદ કેન્દ્રનાં પરિણામો સારા રહ્યા છે.

વિદ્યાર્થીઓની અથાગ મહેનત, ઈન્સ્ટિટયુટનું માર્ગદર્શન અને કોચિંગ જેવા પરિબળોને કારણે અમદાવાદ કેન્દ્રનાં પરિણામો સારા રહ્યા છે. અમદાવાદના અક્ષય રમેશ જૈને સીએ ફાયનલમાં સમગ્ર ભારતમાં પ્રથમ રેન્ટ મેળવ્યો છે. જે આપણા સૌના માટે ગૌરવની બાબત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.