Western Times News

Gujarati News

વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત 15 લાખની લોન આપવામાં આવે છે

વિદેશ અભ્યાસ લોન યોજનાએ મારી દિકરીના સપનાને સાકાર કર્યું – રાજેશભાઈ રાવ

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત રૂપિયા ૧૫ લાખની લોન આપવામાં આવે છે

આણંદ, રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે વાર્ષિક માત્ર ૪ % ના સાદા વ્યાજદરે રૂપિયા ૧૫ લાખની વિદેશ અભ્યાસ લોન આપવામાં આવે છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર બે વર્ષના કોર્ષ માટે વિદેશ ઉચ્ચ અભ્યાસ માટે રૂપિયા ૧૫ લાખની લોન આપવામાં આવે છે.

આ યોજનાનો લાભ મેળવવા માટે ઉમેદવારનો જાતિનો દાખલો, કુટુંબની આવકનો દાખલો, અભ્યાસની માર્કશીટ, ડિગ્રી સર્ટીફીકેટ, વિદેશના અભ્યાસનો ઓફર લેટર, વિદ્યાર્થીના પાસપોર્ટની નકલ, વિદ્યાર્થીના જે તે દેશના વિઝાની નકલ, એર ટિકિટની નકલ, વિદ્યાર્થીના પિતા અથવા વાલીની મિલકતના આધારો અને વેલ્યુએશન રિપોર્ટ તેમજ એક સધ્ધર જામીનદાર રજૂ કરવાથી

ટકાવારીના આધારે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા રૂપિયા ૧૫ લાખની લોન મંજુર કરવામાં આવે છે. આ લોન વિદ્યાર્થીના અભ્યાસ પૂર્ણ થયાના એક વર્ષ બાદ માસિક-ત્રિમાસિક હપ્તાઓમાં ભરપાઈ કરવાની હોય છે, જેમાં લોનની રકમ રૂપિયા ૧૫ લાખ વધુમાં વધુ ૧૦ વર્ષમાં ભરપાઈ કરવાની રહે છે અને વ્યાજની રકમ મહત્તમ બે વર્ષમાં ભરવાની રહે છે.

આણંદ જિલ્લાના વિદેશ અભ્યાસ લોન મેળવવા ઇચ્છતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો બોરસદ ચોકડી પાસે આવેલ જુના જિલ્લા સેવા સદનના ચોથો માળે રૂમ નંબર ૪૧૧ માં આવેલ સમાજ કલ્યાણ વિભાગ, વિકસતી જાતિની કચેરી ખાતેથી રૂપિયા ૧૫ લાખની વિદેશ અભ્યાસ લોન મેળવી શકે છે.

સમાજ કલ્યાણ કચેરી, આણંદ દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન પાંચ વિદ્યાર્થીઓની વિદેશ અભ્યાસ લોન મંજૂર કરવામાં આવી, તેવી જ રીતે વર્ષ ૨૦૨૩-૨૪માં જૂન ૨૦૨૩ સુધીમાં વધુ છ વિદ્યાર્થીઓની વિદેશ અભ્યાસ લોન મંજુર કરવામાં આવી છે. આ લાભાર્થીઓ પૈકીની એક એટલે આણંદના રાજેશભાઈ રાવની દીકરી કશિશ.

આણંદ ખાતે રહેતા રાજેશભાઈ રાવ નિવૃત્ત કર્મચારી છે. તેમની દીકરી કશિશે ચારૂસેટ યુનિવર્સિટી ખાતેથી કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો ત્યારબાદ તેને બે વર્ષના અભ્યાસક્રમ માટે કેનેડા જવાની ઇચ્છા હતી, પરંતુ કેનેડા જવા માટે ભરવાપાત્ર રકમ તેમની પાસે ન હોવાથી તેમણે બેંકનો સંપર્ક સાધ્યો હતો.

તેમને બેંક દ્વારા સમયસર રકમ મળે તેમ ન લાગતા તેમણે જિલ્લા સેવા સદન ખાતે આવેલ સમાજ કલ્યાણ વિકસતી જાતિ કચેરીનો સંપર્ક સાધ્યો હતો. તેમણે કચેરીના સ્ટાફ સાથે વાત કરતા જણવા મળ્યું કે, તેમને વિદેશ અભ્યાસ માટે રૂપિયા ૧૫ લાખની લોન મળવા પાત્ર છે. કચેરીના હકારત્મક વલણ અને સરળ માર્ગદર્શનથી તેમને હાંશકારો થયો કે, હવે તેમની દીકરીનું વિદેશ અભ્યાસનું સપનું સાકાર થશે.

કશિશના પિતા રાજેશભાઈએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, હું નિવૃત કર્મચારી હોઈ આટલી બધી રકમ કાઢવી મારા માટે શક્ય નહોતી, પરંતુ મારી દીકરીની ઇચ્છા કેનેડામાં અભ્યાસ કરવાની હતી. આથી અમે બેંકમાંથી લોન લેવાનું નક્કી કર્યુ, પરંતુ બેંકમાંથી સમયસર લોન મળે તેમ ન લાગતા અમે હતાશ થઇ ગયા હતા.

આવા સમયે અમને રાજ્ય સરકારની વિદેશ અભ્યાસ લોન અંગે જાણકારી મળતા સમાજ કલ્યાણ વિભાગની કચેરીનો સંપર્ક કર્યો. સમાજ કલ્યાણ વિભાગની કચેરીના સ્ટાફ દ્વારા અમને અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ સહિતની વિગતવાર સમજણ આપવામાં આવી હતી. સમાજ કલ્યાણ વિભાગની કચેરીમાંથી ખુબ જ સારો રિસ્પોન્સ મળતા મને લાગ્યું કે હવે વહેલામાં વહેલી તકે લોન મળી જશે, જેના થકી મારી દીકરીનું વિદેશમાં અભ્યાસ કરવાનું સપનું સાકાર શકશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીમાં પોઝિટિવ એટીટ્યુડ ધરાવતો સ્ટાફ હોવાના કારણે મને ખૂબ જ સરળ ભાષામાં ગાઈડન્સ મળવાથી આજે મારી દીકરી કેનેડા છે. તેની ઈચ્છા પૂરી થઈ છે તેથી હું રાજ્ય સરકારની વિદેશ અભ્યાસ માટેની લોનની યોજનાનો આભારી છું કે,

આ યોજનાના કારણે જ અમારા જેવા મધ્યમ વર્ગીય પરિવારના સંતાનોના વિદેશમાં અભ્યાસ કરવા માટેના સ્વપ્ન સાકાર થયા છે. ફરીથી હું સમાજ કલ્યાણ વિભાગના કર્મીઓ અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.