Western Times News

Gujarati News

હિમાચલમાં મૃતકોના પરિવારજનો માટે મોરારીબાપુએ કરી સહાયની જાહેરાત

પ્રત્યેક મૃતકના પરિજનોને ૧૫,૦૦૦ પ્રમાણે કુલ મળીને ૯ લાખ રૂપિયાની સહાયતા રાશિ પણ અર્પણ કરી છે

અમદાવાદ,  હિમાચલમાં વરસાદે છેલ્લા કેટલાય દિવસોથી તબાહી મચાવી છે. ઉત્તર ભારતમાં અને ખાસ કરીને હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદને કારણે જાનમાલનું બહુ મોટા પાયાનું નુકસાન થયું છે. ભારે વરસાદ અને તેના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ સતત બની રહી છે, પરંતુ આ વખતે ૧૩ થી ૧૬ ઓગસ્ટ વચ્ચે આવી ઘટનાઓ વધુ જાેવા મળી છે.

હિમાચલમાં ભૂસ્ખલનને કારણે અનેક લોકોના મોત થયા છે. રાજ્યમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઘણું નુકસાન થયું છે. ત્યારે પૂજ્ય મોરારીબાપુએ લોકો માટે સહાયની જાહેરાત કરી છે. તાજેતરના અહેવાલો અનુસાર એકલા હિમાચલ પ્રદેશમાં જ ૭૦૦૦ કરોડ થી વધુ રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે.

સીમલા અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોમાં ભારે વરસાદને કારણે જમીન અને મકાનોનું મોટે પાયે ધોવાણ થયું છે. અને એને લીધે ૬૦ થી વધુ લોકોના મૃત્યુ પણ થયા છે. મૃત્યુનો કુલ આંકડો ઘણો વધે તેવી આશંકા પણ સેવાઈ રહી છે. પૂજ્ય મોરારીબાપુએ આ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ સમર્પિત કરી છે.

અને પ્રત્યેક મૃતકના પરિજનોને ૧૫,૦૦૦ પ્રમાણે કુલ મળીને ૯ લાખ રૂપિયાની સહાયતા રાશિ પણ અર્પણ કરી છે. હિમાચલ પ્રદેશના સ્થાનિક અધિકારીઓ પાસેથી મૃતક લોકોની અને તેમનાં નજીકના સ્વજનોની વિગતો મેળવવામાં આવી રહી છે. અને રામકથાના હિમાચલ પ્રદેશના શ્રોતાઓ દ્વારા આ સહાયતારા રાશિ પહોંચતી કરવામાં આવી રહી છે.

પૂજ્ય બાપુએ આ તમામ મૃતકોના નિર્વાણ માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના પણ કરી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, ૨૪ જૂને ચોમાસાની શરૂઆતથી હિમાચલ પ્રદેશમાં વરસાદ સંબંધિત ઘટનાઓ અને માર્ગ અકસ્માતોમાં ૩૩૮ લોકોના મોત થયા છે અને ૩૮ લોકો ગુમ છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે ૩૩૮ મૃતકોમાંથી ૨૨૧ લોકો વરસાદ સંબંધિત ઘટનાઓમાં મૃત્યુ પામ્યા હતા. ઈમરજન્સી સેન્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ૧૧,૬૦૦ ઘરોને સંપૂર્ણ અથવા આંશિક રીતે નુકસાન થયું છે અને લગભગ ૫૬૦ રસ્તાઓ હજુ પણ અવરોધિત છે. તે જ સમયે, ૨૫૩ ટ્રાન્સફોર્મર અને ૧૦૭ પાણી પુરવઠા યોજનાઓ અવરોધિત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.