Western Times News

Gujarati News

તમામ વ્યવસ્થાઓ સંપૂર્ણ રીતે કામ કરી રહી છે અને કોઇ આકસ્મિક ઘટનાની અપેક્ષા નથી: ISRO

ઈસરોના અધ્યક્ષે મંત્રી ડો.જિતેન્દ્ર સિંહને બુધવારે ચંદ્ર પર ઉતરાણ માટે ચંદ્રયાન-3ની સ્થિતિ અને તૈયારી વિશે અપડેટ કર્યા

ઇસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ISRO)ના ચેરમેન અને અવકાશ વિભાગના સચિવ ડો. એસ. સોમનાથે કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) પ્રધાનમંત્રી કાર્યાલય(PMO), કાર્મિક, જન ફરિયાદ, પેન્શન, પરમાણુ ઊર્જા અને અંતરિક્ષ રાજ્યમંત્રી વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહની આજે નવી દિલ્હીમાં મુલાકાત લીધી હતી અને તેમને 23 ઓગસ્ટ 2023નાં રોજ સાંજે નિર્ધારિત ચંદ્ર ઉતરાણ માટે ચંદ્રયાન-3ની સ્થિતિ અને તૈયારી વિશે જાણકારી આપી હતી.

અધ્યક્ષ ઇસરોએ ચંદ્રયાન-3ની સ્વાસ્થ્ય સ્થિતિ અંગે મંત્રીને જાણકારી આપી હતી અને કહ્યું હતું કે, તમામ વ્યવસ્થાઓ સંપૂર્ણ રીતે કામ કરી રહી છે અને બુધવારે કોઇ આકસ્મિક ઘટનાની અપેક્ષા નથી. આગામી બે દિવસમાં ચંદ્રયાન-3ના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવશે. લેન્ડિંગનો અંતિમ ક્રમ બે દિવસ પહેલા લોડ કરવામાં આવશે અને તેનું પરીક્ષણ કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

ડૉ. જિતેન્દ્ર સિંહે આ વખતે ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ કરાવવા પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે, તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગ્રહોના સંશોધનનો નવો ઇતિહાસ લખશે.

ઇસરોએ જણાવ્યું હતું કે ચંદ્રયાન-3 23 ઓગસ્ટ, 2023ના રોજ લગભગ 18:04 કલાક ભારતીય સમયાનુસાર ચંદ્ર પર ઉતરવાનું છે. ચંદ્રયાન-2 મિશન માત્ર આંશિક રીતે જ સફળ રહ્યું હતું કારણ કે લેન્ડરનો સંપર્ક હાર્ડ લેન્ડિંગ બાદ તૂટી ગયો હતો,

પરંતુ ઇસરોએ ચંદ્રયાન-3 લેન્ડર મોડ્યુલ અને હજુ પણ ચંદ્રયાન-2 ઓર્બિટરની પરિક્રમા કરી રહેલા ચંદ્રયાન-2 ઓર્બિટર વચ્ચે દ્વિમાર્ગીય સંચાર સફળતાપૂર્વક સ્થાપિત કર્યો હતો. આ પહેલા આજે ઈસરોએ ચંદ્રયાન-3 દ્વારા કેપ્ચર કરવામાં આવેલા ચંદ્રના દૂરના વિસ્તારની નવી તસવીરો શેર કરી હતી.

અમેરિકા, રશિયા અને ચીન બાદ આ સિદ્ધિ મેળવનાર ભારત વિશ્વનો ચોથો દેશ હશે, પરંતુ ભારત દુનિયાનો એકમાત્ર એવો દેશ હશે જે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે.

ચંદ્રયાન-3 મિશનનો મુખ્ય ઉદ્દેશ ત્રણ સ્તરમાં છે, (એ) ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને સોફ્ટ લેન્ડિંગનું પ્રદર્શન કરવાનો છે. (બી) રોવરને ચંદ્ર પર ફરતા દર્શાવવા માટે, અને (સી) ઇન-સીટુ વૈજ્ઞાનિક પ્રયોગો કરવા માટે.

ડૉ. જિતેન્દ્ર સિંહે યાદ કર્યું હતું કે ચંદ્રયાન-1 નામની શ્રેણીમાં પ્રથમ ચંદ્રયાન-1ને ચંદ્રની સપાટી પર પાણીની હાજરીની શોધ કરવાનો શ્રેય આપવામાં આવે છે, જે વિશ્વ માટે એક નવો ઘટસ્ફોટ હતો અને અમેરિકાની નાસા (નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન) જેવી સૌથી અગ્રણી અવકાશ એજન્સીઓ પણ આ શોધથી મોહિત થઈ ગઈ હતી અને તેમણે તેમના આગળના પ્રયોગો માટે ઇનપુટ્સનો ઉપયોગ કર્યો હતો.

ચંદ્રયાન-3 મિશનને 14 જુલાઈ 2023ના રોજ જીએસએલવી માર્ક 3 (એલવીએમ 3) હેવી-લિફ્ટ લોન્ચ વ્હીકલ દ્વારા આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બપોરે 2:35 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.