Western Times News

Gujarati News

અરવલ્લી, વડોદરામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન

અમદાવાદ, રાજ્યમાં લાંબા સમય બાદ ફરી ચોમાસું સક્રિય થયું છે. અરવલ્લી અને વડોદરામાં વરસાદનું આગમન થયું છે, જેને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. અરવલ્લી જિલ્લામાં એક માસના લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ પડ્યો છે. મેઘરજના જીતપુર, ખાખરીયા, ઇસરી, રેલ્લાવાડા સહિત પંથકમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો.

જેને લઈ મકાઈ,સોયાબીન,તુવેર સહિત મુર્જાતા પાકને જીવતદાન મળ્યું છે. વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
ડભોઇ પંથકમાં પણ આગાહી મુજબ વરસાદી ઝાપટા પડ્યા છે. લાંબા વિરામ બાદ ડભોઇ પંથકમાં વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અસહ્ય ગરમી અને બફારાથી લોકો પરેશાન હતા. એસ.ટી.ડેપો, શિનોર રોડ, નાંદોદી ભાગોળ વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું.

વાઘોડિયામા બપોરે વરસાદી ઝાપટું પડ્યું હતું. વરસાદની ચાતક નજરે વાટ જાેતા ખેડૂતોને આંશિક રાહત મળી હતી. આકાશમાંથી કાચું સોનું વરસ્યું હોય તેવો ખેડૂતોમાં આનંદ છવાયો હતો. જાેકે માત્ર ઝાપટું વરસી બંધ થતા ખેડૂતોની આશા નિરાશામા ફેરવાઈ હતી. ઝાપટું આવ્યા બાદ વાતાવરણમાં અસહ્ય ઉકળાટ જાેવા મળી રહ્યો છે.

રાજ્યમાં આવતીકાલથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને લીધે વરસાદ વરસશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. તેમાં પણ દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામશે હવામાન વિભાગના મતે કાલથી વરસાદનું જાેર વધશે

અને સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસશે. તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા જિલ્લા અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસશે.. અમદાવાદમાં આગામી ૩ દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. ૮ સપ્ટેમ્બરે અમદાવાદમાં વરસાદની આગાહી કરાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.