Western Times News

Gujarati News

મ્યુનિ. ભાજપે પ્રથમ વખત જ્ઞાતિ સમીકરણ બદલ્યા

મેયર અને સ્ટેન્ડીગ ચેરમેન પદ વણિક સમાજના ફાળે-દંડકની જગ્યા માટે હજી કોઈ જાહેરાત થઈ નથી.

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાધારી ભાજપ દ્વારા સોમવારે વિધિવત રીતે શહેરના નવા મેયર, સ્ટેન્ડીગ ચેરમેન, ડેપ્યુટી મેયર અને પક્ષ નેતાના નામની જાહેરાત કરવામાં આવી હતી. જયારે દંડકની જગ્યા માટે હજી કોઈ જાહેરાત થઈ નથી.

ભારતીય જનતા પાર્ટી દ્વારા જે નામોની જાહેરાત કરવામાં આવી છે તે જાેતા સ્પષ્ટ લાગી રહયું છે કે પ્રથમ વખત જ્ઞાતિ સમીકરણ બદલાયા છે અને મ્યુનિ. કોર્પોરેશનના બે મોટા હોદ્દા વણિક સમાજને ફાળે ગયા છે જયારે લગભગ બે દાયકા બાદ પટેલ સમાજની રીતસર બાદબાકી કરવામાં આવી છે.

મ્યુનિ. ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના નવા મેયર તરીકે પ્રતિભાબેન જૈન અને સ્ટેન્ડીગ ચેરમેન તરીકે દેવાંગભાઈ દાણીની પસંદગી કરવામાં આવી છે. પ્રતિભાબેન જૈન વણિક સમાજમાંથી આવે છે જયારે દેવાંગ દાણી વૈષ્ણવ સમાજના પ્રતિનિધિ છે

આમ મ્યુનિ. કોર્પોરેશનના ઈતિહાસમાં લગભગ પ્રથમ વખત ભાજપના શાસનકાળ દરમિયાન બંને મોટા હોદ્દા વણિક સમાજને આપવામાં આવ્યા છે. આ અગાઉ શહેરના મેયર પદે ૧૯૯ર-૯૩માં ડો. મુકુલ શાહ અને ર૦૦પ થી ર૦૦૮ની ટર્મ દરમિયાન અમિતભાઈ શાહ જયારે ર૦૧પ થી ર૦૧૮ દરમિયાન ગૌતમ શાહની નિમણુંક કરવામાં આવી હતી

જયારે સ્ટેન્ડીગ કમિટિમાં ભાજપ દ્વારા ૧૯૯૮ થી ર૦૦૦ દરમિયાન ધર્મેન્દ્રભાઈ શાહની પસંદગી કરવામાં આવી હતી આમ ભાજપના શાસન દરમિયાન માત્ર બીજી વખત જ સ્ટેન્ડીગ ચેરમેન પદ વૈષ્ણવ વણિક સમાજને સોંપવામાં આવ્યું છે. આ અગાઉ જાેઈએ તો જાેઈતારામ પટેલ,

મધુબેન પટેલ, ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રવિણભાઈ પટેલ ભાજપ તરફથી સ્ટેન્ડીગ ચેરમેન તરીકે રહી ચુકયા છે. મ્યુનિ. ભાજપના સુત્રોનું માનીએ તો નવા ચાર હોદ્દેદારોની નિમણુંક માટે સ્થાનિક કક્ષાએ ભલે સેન્સ લેવામાં આવી હોય પરંતુ તેની સીધી પસંદગી દિલ્હીથી થઈ હોય તેમ લાગી રહયું છે. ર૦૧૩ થી ર૦૧પના સમયગાાળ દરમિયાન મીનાક્ષીબેન પટેલ મેયર પદે હતાં તે સમયે ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રવિણભાઈ પટેલ સ્ટેન્ડીગ ચેરમેન પદે હતાં

આમ એક જ સમયે બંને મહત્વના હોદ્દા પર પટેલ સમાજને પ્રતિનિધિત્વ સોંપવામાં આવ્યું હતું તેનાથી વિપરીત આ વખતે બંને હોદ્દા વણિક સમાજને આપવામાં આવ્યા છે જે ઘણા સુચક માનવામાં આવી રહયા છે. મ્યુનિ. કોર્પોરેશનમાં ભાજપના શાસનકાળ દરમિયાન ર૦ર૧ થી ર૦ર૬ની ટર્મમાં પ્રથમ વખત જ પટેલ સમાજની બાદબાકી કરવામાં આવી હોય તેમ માનવામાં આવે છે.

કારણ કે પ્રથમ અઢી વર્ષ દરમિયાન ડેપ્યુટી મેયર પદે ગીતાબેન પટેલ અને તેમની મુદત પૂર્ણ થતાં નવા ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલની નિમણુંક કરવામાં આવી છે આમ મેયર તથા સ્ટેન્ડીગ ચેરમેન પદેથી પટેલ સમાજના કોર્પોરેટરની બાદબાકી કરવાનો છેલ્લા ર૦ વર્ષમાં આ ત્રીજાે પ્રસંગ છે

આ અગાઉ ર૦૦૮થી ર૦૧૦ દરમિયાન મેયર તરીકે કાનાજી ઠાકોર અને સ્ટેન્ડીગ કમિટી ચેરમેન તરીકે અસિતભાઈ વોરા તથા ર૦ર૧થી ર૦ર૩ દરમિયાન મેયર તરીકે કિરીટભાઈ પરમાર અને સ્ટેન્ડીગ ચેરમેન તરીકે હિતેશભાઈ બારોટની પસંદગી થઈ હતી જયારે ર૦ર૩ થી ર૦ર૬ની ટર્મ માટે પ્રતિભા જૈન અને દેવાંગ દાણીની પસંદગી કરવામાં આવી છે.

આ અગાઉ ૧૯૮૬થી ર૦ર૪ સુધીના ભાજપના શાસનમાં એક માત્ર સ્વર્ગસ્થ જાેઈતારામભાઈ પટેલ જ ૧૯૯૧ થી ૧૯૯૩ દરમિયાન અને ૧૯૯૭-૯૮ દરમિયાન ડો. સુરેન્દ્ર પટેલ ડેપ્યુટી મેયર તરીકે ફરજ બજાવી ચુકયા છે.

પ્રતિભા જૈન શહેરના છઠ્ઠા મહિલા મેયર છે આ અગાઉ ભાજપ તરફથી ભાવનાબેન દવે, માલિનીબેન અતીત, મીનાક્ષીબેન પટેલ અને બીજલબેન પટેલ મેયર પદે રહી ચુકયા છે. જયારે કોંગ્રેસ તરફથી અનીશાબેગ મીરઝા પણ મેયર તરીકે રહયા હતા.
જયારે પ્રતિભા જૈન વણિક સમાજનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા મેયર છે તેમની પસંદગીનો સીધો લાભ ભાજપને રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચુંટણીમાં મળશે તેમ માનવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.