Western Times News

Gujarati News

આ કારણસર 9 હોસ્પિટલને સસ્પેન્ડ અને 1 હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરવામાં આવી

“એ.બી.- પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત -નાગરિકોને ગુણવત્તા સભર સારવાર મળે અને લાભાર્થીઓ સાથે ગેરરીતિ ન થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ

પોલીસી વર્ષ-૭ અને ૮ દરમિયાન સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ દ્વારા ૮૩૨ હોસ્પિટલોની તપાસ કરાઇ-અંદાજિત રૂા.૨ કરોડથી વધુનો દંડ કરાયો  

એ.બી.- પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત નાગરિકોને ગુણવત્તા સભર સારવાર મળે અને લાભાર્થીઓ સાથે ગેરરીતિ ન થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ  છે. સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ દ્વારા પોલીસી વર્ષ-૭ અને ૮ દરમિયાન ૮૩૨ જેટલી હોસ્પિટલોની તપાસ કરવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન ૯ હોસ્પિટલોને સસ્પેન્ડ, ૧ હોસ્પિટલને ડિ-એમ્પેનલ અને ૧ હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે તથા અંદાજિત રૂા.૨ કરોડથી વધુનો દંડ કરાયો છે તેમ, “પી.એમ.જે.એ.વાય.-મા- PMJAY-MAA”ના મદદનીશ નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર “એ.બી.-પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત નિયત માપદંડો ધરાવતા પરિવારોને નિયત ઓપરેશનો માટે રૂપિયા ૧૦ લાખનું વિનામૂલ્યે આરોગ્યકવચ આપવામાં આવે છે.  આ યોજના અંતર્ગત કુટુંબના દરેક સભ્યને વ્યક્તિગત “આયુષ્માન કાર્ડ” આપવામાં આવે છે.

જેની મદદથી યોજનાના લાભાર્થીઓ જરૂરિયાતના સમયે સામાન્ય બિમારીથી લઇને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, હૃદયની સારવાર, કેન્સર જેવી અતિગંભીર બિમારીઓ માટે પોતાના રહેઠાણની આસપાસ પસંદગીની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર મેળવી શકે છે.

આ યોજના અંતર્ગત વર્તમાન સ્થિતિએ સરકારી-૧,૭૧૧, ખાનગી- ૭૮૯, GOI-૧૮ એમ કુલ ૨,૫૧૮  હોસ્પિટલ સંલગ્ન છે. જેમાં અંદાજીત દૈનિક ૪,૦૩૯ પ્રિ-ઓથ કેસ સારવાર માટે મુકવામાં આવે છે. આ યોજનાની અમલવારીમાં કોઇ પણ ગેરરીતી ન થાય તે માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (SAFU)ની રચના કરવામાં આવી છે. આ યુનિટ દ્વારા હોસ્પિટલોનું સતત મોનીટરીંગ કરવામાં આવે છે.

લાભાર્થીઓને આ યોજના અંગે કોઇ માહિતી મેળવવી હોય કે ફરિયાદ કરવી હોય તો તેઓ ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૧૦૨૨ પર સંપર્ક કરી શકે છે. આ ટોલ ફ્રી નંબર ૨૪x૭ કાર્યરત હોય છે. જેના પર દૈનિક અંદાજિત ૯૦૦ થી ૧૦૦૦ કોલ્સ આવે છે. આ સિવાય પણ યોજનાના કોલ સેન્ટર દ્વારા જે લાભાર્થીઓએ સારવાર લીધેલ હોય તેમનો પ્રતિભાવ લેવા માટે દૈનિક અંદાજીત ૩૦૦૦થી વધુ કોલ પણ કરવામાં આવે છે તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.