Western Times News

Gujarati News

ગુજરાત વન વિભાગે કોનોકાર્પસ વૃક્ષો વાવવા પર પ્રતિબંધ મૂક્યો

શું છે આ કોનોકાર્પસ અને તેની પર્યાવરણ અને માનવજીવન પર થતી અસરો-દેશી કૂળના વૃક્ષો વાવીને પર્યાવરણ બચાવીએ.

ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા કોનોકાપર્સ રોપા ન ઉછેરવાના નિર્ણયને આવકારતા પ્રકૃતિ પ્રેમી દિનેશ પટેલ

દેશીકુળના ફળ, ફુલ અને ઔષધીય વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તો માનવ જીવનને અને પર્યાવરણને ખૂબ મોટો ફાયદો થશે – પ્રકૃતિ પ્રેમી દિનેશ પટેલ

ગુજરાત સરકારના વન વિભાગ દ્વ્રારા હાલમાં જ પર્યાવરણ ખૂબ મોટું નુકશાન પહોંચાડનાર કોનોકાપર્સ વૃક્ષોનો ઉછેર ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેને પ્રકૃતિ પ્રેમી દિનેશ પટેલ દ્વારા આવકારવામાં આવ્યો છે. સ૨કા૨ જેવી રીતે ગાંજાના છોડના ઉછેર ન કરવા માટે કટીબધ્ધ છે.

વન વિસ્તાર અને વન વિભાગની નર્સરીઓમાં કોનોકાર્પસના રોપાના ઉછેર અને તેના વાવેતર કરવા પર પ્રતિબંધ મુકાયો છે. વન વિભાગની નર્સરીઓમાં અને વન વિભાગના વિસ્તારમાં નુકશાનકારક કોનોકાર્પસના રોપા ઉછેર ન કરવા વન વિભાગ દ્વારા આદેશ કરાયો છે.

સમગ્ર ગુજરાતમાં ખાનગી ધોરણે પણ કોનોકાર્પસના વાવેતર ઉછેર પર પણ પ્રતિબંધ લગાવવા માટે પણ વન વિભાગે દરખાસ્ત તૈયાર કરી છે. જેથી આગામી દિવસોમાં પુરા રાજ્યમાં ખાનગી ધોરણે પણ કોનોકાર્પસના વાવેતર ઉછેર પર પ્રતિબંધ લાગી શકે છે.

વિદેશી પ્રજાતિ કોનોકાર્પસ થી પર્યાવરણ અને માનવજીવન ઉપર નકરાત્મક અસરો ગેરફાયદાઓ હોવાને કારણે આ નિર્ણય લેવાયો છે. કોનોકાર્પસના મૂળ જમીનમાં ઊંડે સુધી જાય છે. તેનાથી ઘણા સંદેશાવ્યવહાર કેબલ, ઘણી ડ્રેનેજ લાઇન અને તાજા પાણીની વ્યવસ્થાને નુકશાન પહોંચાડે છે. તેમજ કોનોકાર્પસના પરાગરજકોના કારણે નાગરીકોમાં શરદી, ઉધરસ, અસ્થમા, એલર્જી રોગો થવાની શકયતા છે.

તેવી જ જો કાયમી ધોરણે કોનોકાપર્સ વૃક્ષનો ઉછેર ન થાય તે દિશામાં ચોકકસ પગલાં લ્યે તો પર્યાવરણને ખૂબ જ મોટો ફાયદો થશે દિનેશ પટેલે જણાવેલ હતું કે, જો દેશીકુળના ફળ, ફુલ અને ઔષધીય વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તો પર્યાવરણનું રક્ષણ થવાથી પશુ-પક્ષી અને જીવ જંતુનું ખૂબ મોટું રક્ષણ થશે અને માનવ જીવનને ખુબ મોટો ફાયદો થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત દેશમાં શહેરીકરણ અને ઉદ્યોગીકરણનાં કારણે લીલા જંગલો કપાતા જાઈ છે. અને તેના સ્થાને કોન્ક્રીટ કે સિમેન્ટના જંગલો ઉભા થયા છે. જેમ કોઈપણ ક્રિયાની પ્રતિક્રિયા હોય તેમ આપણા સમાજમાં વૃક્ષ છેદન કરનારની સામે વૃક્ષોનું વાવેતર અને પર્યાવરણનું જતન કરનારો જાગૃત વર્ગ પણ જોવા મળે છે.

પરંતુ ઘણી ખરી વાર પૂરતા જ્ઞાનનાં અભાવને કારણે અજાણતા જ પર્યાવરણનું રક્ષણ કરવાના હેતુથી કરેલું કાર્ય જ પર્યાવરણને નુકશાન પહોંચાડી શકે છે.

ભારતમાં હાલમાં જ કોનોકાર્પસ નામનું વૃક્ષ ખૂબ જ ચર્ચામાં છે. સુશોભન માટે વપરાતું આ વૃક્ષ મૂળ પશ્ચિમી એશિયામાં જોવા મળે છે. ઝડપથી વૃદ્ધિ કરતું આ વૃક્ષ શોભામાં ચોકકસપણે વધારો કરે છે. પરંતુ તે સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંને માટે હાનિકારક છે તેવું પર્યાવરણવિદોનું કહેવું છે.

કોનોકાર્પસ લેન્સિફોલિઅસ (Conocarpus lancifolius) સુશોભન માટેનું વૃક્ષ છે, જે ખાસકરીને સુંદર હે જ બનાવવામાં વપરાય છે. તે કોમ્બેટેસી (Combretaceae) કુળની વનસ્પતિ છે. લેન્સલીફ બટનવુડ (Lanceleaf Buttonwood), દમાસ ટ્રી (Damas Tree), વગેરે જેવા સામાન્ય નામોથી ઓળખવામાં આવે છે.

તે પશ્ચિમી એશિયા (યમન)નું મૂળ વતની છે. તે સદાહરીત છે. જે ૨૦ મીટર ઉંચું વધે છે. વાવેતર કરેલ વૃક્ષ મોટાભાગે એક જ પ્રકાંડવાળુ પરંતુ જયાં કુદરતી રીતે ઉગે છે તેવા વૃક્ષોમાં ઘણી બધી શાખાઓ હોય છે. પાંદડા સરળ અને ચળકતા, ૧૦ સે.મી. લાંબા, લેન્સ આકારના, આધાર પાસે સાંકડા અને ગાઢ સર્પાકારમાં ગોઠવાયેલ હોય છે. ફૂલો પીળાશ પડતાં લીલા, શાખાઓ પર ગોળકાર હેડ આકારના અને થોડા સુગંધીદાર. ફળ શુષ્ક, ગોળાકાર લીલા રંગના, કોન જેવા જે ભીંગડા જેવા નાના ઘણા સખત બીજ ધરાવે છે.

સુશોભન માટે ઉપયોગી એવું આ વૃક્ષ માત્ર દેખાવમાં જ સારુ છે. ખરેખર આ વૃક્ષ પર્યાવરણની સાથે સાથે વ્યકિતના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ હાનિકારક છે. આ વૃક્ષ મોટે ભાગે દરિયાકિનારે વાવવામાં આવતું હતુ પરંતુ આજ શહેરની શોભા વધારવા શહેરી વિસ્તારમાં આ વૃક્ષ વવાઈ રહયાં છે.

આ વૃક્ષ જમીનમાંથી બહોળા પ્રમાણમાં પાણી ખેંચી લે છે જેથી ભવિષ્યમાં જમીનનાં પાણીની સપાટી ખુબ જ નીચી જવાની શકયતાઓ ખૂબ જ વધારે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજયના અમુક શહેરોમાં આ પરિસ્થિતિ ઉભી પણ થઈ છે. આ ઉપરાંત આ વૃક્ષના કારણે હવાનું પ્રમાણ પણ ખરાબ થયાનું પર્યાવરણવિદો જણાવે છે.

સંશોધન દ્વારા જાણવા મળે છે કે કોનોકાર્પસ વૃક્ષથી દરેક વ્યકિતનાં સ્વાસ્થ્યને અલગ–અલગ અસર જોવા મળે છે. તેની રજથી વ્યકિતના ફેફસા પર વિપરીત અસર પડી શકે છે. કેટલાક વ્યકિતઓને આ વૃક્ષના કારણે ચામડીની એલર્જી અને શ્વશન પ્રક્રિયા પર આડઅસરો તેમજ કફ, ખાંસી જેવી તકલીફો જોવા મળે છે.

તબીબી ભાષામાં જેને એલર્જીક બ્રોન્કાઈટીસ કહે છે. આ વૃક્ષ કોઈપણ ઋતુમાં ખૂબ જ ઝડપથી વિકાસ પામતું હોય છે, ઉપરાંત તે છાંયડો આપે છે માટે લોકો તેની નીચે બેસવાનું પસંદ કરે છે. પરંતુ આ વૃક્ષના પરાગરજો હાનીકારક હોવાથી વ્યકિતના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે.

પૂણે શહેરમાં સાર્વજનિક બાગ બગીચાઓમાં ઉગાડવામાં આવતા કોનોકાર્પસ વૃક્ષો પર રોક લગાડવા નગરપાલિકા દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર રાજયમાં આ અંગે પર્યાવરણવિદો દ્વ્રારા વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી. તેલંગણા રાજયમાં આ વૃક્ષોનું વાવેતર બહોળા પ્રમાણમાં કરવામાં આવ્યું છે.

પરંતુ આ વૃક્ષ પર્યાવરણ અને વ્યકિતનાં સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય, મુદ્દાને ગંભીરતાથી લેતા હવે આ વૃક્ષોનું વાવેતર ન કરવા જિલ્લા ગ્રામ ઈકાસ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે. જો કે ઘણા બધા એવા રાજયો છે જેમાં ચોમાસાની ઋતુનાં શરૂઆત માં જ આ વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું, જે હવે ઝડપી ગતિથી વધી રહયાં છે જે ચિંતાનો વિષય ગણાવી શકાય.

ઈરાક–ઈરાન અને આરબનાં દેશોમાં હરિયાળીમાં વધારો થાય અને રણપ્રદેશની ધૂળને આગળ વધતી અટકાવવા માટે આ વૃક્ષો વાવવામાં આવ્યા હતા પરંતુ આ વૃક્ષોના મૂળ ખુબ જ મજબૂત હોવાથી જમીનમાં રહેલી પાઈપલાઈનને નુકશાન પહોંચાડે છે આ ઉપરાંત દીવાલો અને બાંધકામને પણ આ વૃક્ષો દ્નારા નુકશાન પહોંચે છે.

આથી આ વૃક્ષોાનું વાવેતર અટકાવી અન્ય વૃક્ષો લાવવા સૂચનો કરાયા હતાં. પાકિસ્તાનના કરાંચીમાં કરવામાં આવેલા એક સંશોધન મુજબ, કરાંચીમાં અસ્થમાંના દર્દીઓ વધારે છે જેનું કારણ આ વૃક્ષો છે. સ્થાનિક પર્યાવરણવિદો દ્વ્રારા દેશી વૃક્ષો વાવવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો.

આ વૃક્ષો ખૂબ વધારે માત્રામાં જમીનમાં રહેલું પાણી ખૂબ જ ઝડપટથી શોષી લે છે. આ વૃક્ષોમાં કોઈ જ ફુલ કે ફળ ઉગતા નથી અને પક્ષીઓ પણ આ વૃક્ષોમાં માળો બનાવતા નથી. ઉપરાંત આ વૃક્ષો પર્યાવરણ અને માનવીના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરે છે. આમ, આ વૃક્ષનાં ફાયદા કરતાં નુકશાન ખુબ જ વધુ છે. જેથી પર્યાવરણવિદો અને વનસ્પતિશાસ્ત્રો દ્રારા દેશી વૃક્ષોનું વાવેતર કરવા આગ્રહ કર્યો છે. – પ્રકૃતિ પ્રેમી દિનેશ પટેલ (મો.૯૮૨૪૨ ૩૮૭૮૫)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.