Western Times News

Gujarati News

સાબરમતીના પ્રદુષણ મામલે હાઈકોર્ટના હુકમની અવગણના કરતા મ્યુનિ. શાસકો

પ્રતિકાત્મક

હાઈકોર્ટે જીરો લીક્વીડ ડીસ્ચાર્જ માટે હુકમ કર્યો ઃ શાસકોએ ૩૦ એમએલડી સીઈટીપીનું ઉતાવળે ઉદ્‌ઘાટન કર્યુ

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરની ધરોહર સમાન સાબરમતી નદીમાં દિનપ્રતિદિન પ્રદુષણનું પ્રમાણ વધી રહયું છે. દેશની સૌથી વધુ પ્રદુષિત નદીઓમાં પણ સાબરમતીનો સમાવેશ થાય છે જેના માટે મ્યુનિ. કોર્પોરેશને ખાસ કરીને શાસકો જ જવાબદાર હોવાનું માનવામાં આવે છે.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઓગસ્ટ મહિનામાં નદીને પ્રદુષિત થતી રોકવા માટે જે હુકમ કરવામાં આવ્યો હતો તેને સમજ્યા વાંચ્યા વગર જ સત્તાધારી પાર્ટી દ્વારા દાણીલીમડા સીઈટીપીનું ઉદ્‌ઘાટન કર્યું છે. આ ઉપરાંત નારોલ-નરોડા મેગા લાઈનનુંં કેમીકલયુકત પ્રદુષિત પાણી પણ બારોબાર નદીમાં છોડવામાં આવી રહયું છે જેના કારણે નદીમાં પ્રદુષણનું સ્તર વધી ગયું છે.

સાબરમતી નદીમાં છોડવામાં આવતા કેમીકલયુક્ત પ્રદુષિત પાણીને રોકવા તેમજ નદીનું પ્રદુષણ ઘટાડવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઓગસ્ટ મહિનામાં ખાસ હુકમ કરવામાં આવ્યો છે જેમાં હાઈકોર્ટે જીરો લીકવીડ ડીસ્ચાર્જ પર ભાર મુકયો છે તથા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન, ગુજરાત પ્રદુષણ બોર્ડ અને અમદાવાદ મેગા ક્લીન એસોસીએશને ખાસ તાકીદ કરીને જણાવ્યું છે કે

નદીમાં જીરો વેસ્ટ વોટર ડીસ્ચાર્જનો એકશન પ્લાન તૈયાર કરવો અને તેનો અમલ કરવો ફરજીયાત છે જેની સામે મ્યુનિ. કોર્પોરેશને તેના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અપડેટ કરવા માટે એફીડેવીટ કરી છે. વિશ્વ બેંક તરફથી મળનાર રૂા.૩૦૦ કરોડના ભરોસે આ પ્રકારની એફીડેવીટ કરવામાં આવી હતી

પરંતુ લોન આવે તેવી શક્યતા ઓછી હોવાથી તંત્રે સ્વખર્ચે નવા પ્લાન્ટ બનાવવા કે પ્લાન્ટ અપગ્રેડ કરવા માટે કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાત હાઈકોર્ટે મ્યુનિ. કોર્પોરેશન, જીપીસીબી, અને એએમસીને ખાસ તાકીદ કરી છે કે સાબરમતીમાં જીરો વેસ્ટ વોટર ડીસ્ચાર્જ કરવા માટે તમારા વિઝન, પ્લાનીંગ અને ક્રોંકીટ એકશન અંગેનું આયોજન કરવાનું રહેશે.

મ્યુનિ. અધિકારી વર્ગ આ બાબત સારી રીતે સમજે છે પરંતુ મ્યુનિ. શાસકો દ્વારા હાઈકોર્ટના જજમેન્ટની સદંતર અવગણના કરવામાં આવી હોય તેમ લાગી રહયું છે. હાઈકોર્ટ દ્વારા જીરો વેસ્ટ વોટરની વાત કરવામાં આવી હતી જેમાં જીરો લીકવીડ ડીસ્ચાર્જનો અમલ કરવાનો રહે છે જેના માટે ઝેડએલડી ટેકનોલોજીના પ્લાન્ટ તૈયાર કરવાના રહે છે.

જેમાં મોટાભાગનું પાણી રી યુઝ થાય અને જે વેસ્ટ વોટર છે તેને બાળી નાંખવામાં આવે. મ્યુનિ. શાસકો આ બાબતને ભુલી ગયા હોય તેમ દાણીલીમડા સીઈટીપીનું ઉદ્‌ઘાટન કર્યું હતું જે હાલ ત્રણ મહિનાના ટ્રાયલ પીરીયડ પર ચાલી રહયો છે. પરંતુ સીઈટીપીનું પાણી ડાયરેક નદીમાં ડીસ્ચાર્જ થાય તેમ ન હોવાથી તેનું જાેડાણ ૧૮૦ એમએલડી (પીરાણા) પ્લાન્ટના આઉટલેટમાં આપવામાં આવ્યું છે.

જેના કારણે એસટીપી અને સીઈટીપીના પાણી મીક્ષ થઈ જાય છે તથા તેમના પેરામીટર નકકી થતાં નથી. સદર સીઈટીમાં કાયદેસર ૭૪૦ જાેડાણ આપવામાં આવ્યા છે પરંતુ મ્યુનિ. ભવનમાં થતી ચર્ચાને સાચી માનીએ તો ખૂબજ મોટાપાયે પેટા કનેકશન પણ થઈ ગયા છે. હાલ આ સીઈટીપીમાં બે થી પાંચ એમએલડી પાણી દૈનિક ધોરણે લેવામાં આવે છે જયારે જે નાના યુનિટો જેમણે પેટા જાેડાણ લીધા છે તે ફરીથી શરૂ થઈ ગયા છે અને તેનું પાણી યેનકેન પ્રકારે નદીમાં ડીસ્ચાર્જ કરવામાં આવી રહયું હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.

શહેરની નરોડા, ઓઢવ, વટવા, નારોલ સહિતની ઔદ્યોગિક વસાહતોના કેમીકલ યુકત પાણીના નિકાલ માટે નરોડા-નારોલ મેગા લાઈન બનાવવામાં આવી છે. જેની ક્ષમતા દૈનિક ર૦ એમએલડીની છે જે પાણી બારોબાર નદીમાં છોડવામાં આવી રહયું છે. આ તમામ ઔદ્યોગિક વસાહતો દ્વારા પોતાના અલગ સીઈટીપી બનાવવામાં આવ્યા છે

જેમાંથી ટ્રીટ કરી પાણી મેગા લાઈનમાં ડીસ્ચાર્જ કરવાનું રહે છે પરંતુ જે પરિણામો સામે આવ્યા છે તે અત્યંત ચોંકાવનારા છે. સીઈટીપીના ડીસ્ચાર્જ સ્ટાન્ડર્ડ મુજબ બીઓડીની માત્રા વધુમાં વધુ ૩૦ હોવી જરૂરી છે પરંતુ મેગા પાઈપ લાઈનમાં તેની માત્રા ૧પ૬ સુધી જાેવા મળી હતી. તેવી જ રીતે સીઓડીની માત્રા વધુમાં વધુ રપ૦ હોય તેના બદલે ૬૩૬ સુધી જાય છે. જયારે કલોરાઈડ ૧૦૦૦ના બદલે ૩૬૭પ અને સલ્ફેટ ૧૦૦૦ હોવા જાેઈએ તેના બદલે સલ્ફેટની માત્રા ૧૪૧૦ હોવાના પરિણામ મળ્યા છે.

ગુજરાત વહેપારી મહામંડળની લાઈનમાં બીઓડીનું પ્રમાણ ર૧૦ અને પ૦૪, નારોલ ડાઈસ્ટફ એન્વાયરો સોસાયટીમાં બીઓડીનું પ્રમાણ ર૭પ અને સીઓડીનું પ્રમાણ પ૦૪, જયારે નરોડા એન્વાર્ય પ્રોજેકટમાં બીઓડી રર૧ અને સીઓડી ૩૧૮ તેમજ ગ્રીન એન્વાર્યરો સોસાયટી વટવામાં કલોરાઈડનું પ્રમાણ પ૦૦૦ અને સલ્ફેટનું પ્રમાણ ૧૬રપ જયારે નરોડા એનવાયરો પ્રોજેકટમાં સીઓડીનું પ્રમાણ ૭૮૪ અને કલોરાઈડનું ૮૦પ૦ હોવાના પરિણામ પણ મળ્યા છે.

આ પરિણામો જાેતા એ બાબત સ્પષ્ટ થાય છે કે મેગા લાઈન બાબતે જે પાણી નદીમાં છોડવામાં આવે છે તે અત્યંત પ્રદુષિત છે અને જેના કારણે જ નદીમાં પ્રદુષણની માત્રા વધી રહી છે. ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટ બાદ તત્કાલીન ડેપ્યુટી કમિશ્નરે અમદાવાદ મેગા કલીન એસોસીએશનને રર ઓગસ્ટે એક પત્ર લખેલ હતો

જેમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે ર૮જાન્યુઆરી ર૦રરની સિવિલ એપ્લીકેશન અંતર્ગત હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે મેગા પાઈપલાઈનમાં અનેક ગેરકાયદેસર જાેડાણો થઈ ગયા છે અને લાઈન મારફતે પ્રદુષિત પાણી છોડવામાં આવી રહયું છે તેથી આ પ્રકારના જાેડાણોને શોધી તેને દુર કરવામાં આવે તે જરૂરી છે.

ગુજરાત પ્રદુષણ બોર્ડ દ્વારા જે પેરા મીટર નકકી કરવામાં આવ્યા તેનું સીઈટીપી દ્વારા પાલન કરવામાં આવતું નથી અને મેગા લાઈનમાં ખૂબજ મોટા પ્રમાણમાં ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટ છોડવામાં આવી રહયો છે. જેના કારણે સાબરમતી નદીને અને પર્યાવરણને ખૂબ જ નુકશાન થઈ રહયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.