Western Times News

Gujarati News

રોજના કૂતરું કરડવાના આશરે 200 જેટલા કેસો: 2022માં 60 હજાર જેટલા કેસો

પ્રતિકાત્મક

મ્યુનિ.કોર્પોની લાપરવાહીને કારણે અમદાવાદમાં શ્વાનનો વધતો ત્રાસ-અમદાવાદ શહેરમાં શ્વાનની સંખ્યા ૩,૭૫,૦૦૦ જેટલી જે 2019 ના સર્વે મુજબ 2.20 લાખ હતી

છેલ્લા ત્રણ વર્ષમાં સને ૨૦૨૧ માં ૫૧૮૧૨ કેસો ૨૦૨૨ માં ૫૯૫૧૩ કેસો મળી કુલ ૧,૬૩,૬૪૩ કેસો માત્ર મ્યુનિ. હોસ્પિટલોમાં નોંધાવા પામેલ છે.

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં દિન-પ્રતિદિન શ્વાનનો ત્રાસ વધતો જાય છે. જુન-૨૦૧૯માં હ્યુમન સોસાયટી દ્વારા કરાયેલ સર્વે મુજબ તે સમયે અમદાવાદ શહેરમાં આશરે શ્વાનની સંખ્યા ૨,૨૦,૦૦૦ હતી. અમદાવાદ શહેરમાં શ્વાનની સંખ્યા ૩,૭૫,૦૦૦ જેટલી થઇ જવા પામેલ છે.

મ્યુ.કોર્પો દ્વારા શ્વાનનું ખસીકરણ કરવા માટેનો આપેલ કોન્ટ્રાક્ટ મુજબ શ્વાનને પકડી તેનું ખસીકરણ કરી અન્ય જગ્યાએ છોડી મુકવાના હાલ પ્રતિ શ્વાન દીઠ રૂા.૯૭૬.૫૦ ચૂકવવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં શ્વાનનું ખસીકરણ કરવા સને ૨૦૨૦-૨૧ માં ૨.૩૦ કરોડ, સને ૨૦૨૧-૨૨ માં ૨.૫૬ કરોડ અને સને ૨૦૨૨-૨૩ માં ૪.૫૦ કરોડ મળી કુલ રૂા. ૯.૩૬ કરોડનો ખર્ચ કરેલ છે.

તેમ છતાં અમદાવાદ શહેરમાં શ્વાનના ત્રાસ બાબતે વિવિધ બનાવો સતત બનતા રહ્યાં છે. હાલ મ્યુનિ.કોર્પોની મુખ્ય કચેરીમાં જ્યાં મ્યુ. કમિશ્નર તથા મેયર બિરાજે છે તે સી વિંગ્સની નીચે પણ મોટા પ્રમાણમાં શ્વાનનો ત્રાસ છે.

થોડા વર્ષો પહેલાં બહેરામપુરા વોર્ડમાં આવેલ ખોડિયારનગર ચાર રસ્તાથી સુએજ ફાર્મ જતા રસ્તા ઉપર ૩૪ થી વધારે શ્વાનની લાશો રસ્તા ઉપર રઝળતી હતી. સરખેજ વોર્ડના ફતેહવાડી વિસ્તારમાં ૧૧ વર્ષની નાની ઉંમરના બાળકને એક સાથે અનેક શ્વાનોએ તેના શરીરે અનેક જગ્યાએ બચકા ભરીને લોહીલુહાણ કરેલ હતો.

આમ વિવિધ ગંભીર બનાવો શ્વાનના ત્રાસને કારણે અમદાવાદ શહેરમાં બનવા પામેલ હતાં. હાલની પરિસ્થિતિએ સત્તાધારી ભાજપના રાજમાં કમનસીબે લોકોને રોડ-૨સ્તા, વરસાદી પાણી, રોગચાળો જેવી બાબતોએ સાવચેત રહેવું જ પડે છે. જેમાં વધારો થતાં હવે શ્વાનના ત્રાસ બાબતે પણ નગરજનોને સાવચેત રહેવાની ફરજ પડેલ છે.

તેમ છતાં હાલ રોજના શ્વાન કરડવાના આશરે ૨૦૦ જેટલા કેસો બનવા પામે છે. કૂતરું કરડવાના સને ૨૦૨૦ માં ૫૨૩૧૮ કેસો, છેલ્લા ત્રણ વર્ષમાં સને ૨૦૨૧ માં ૫૧૮૧૨ કેસો સને ૨૦૨૨ માં ૫૯૫૧૩ કેસો મળી કુલ ૧,૬૩,૬૪૩ કેસો માત્ર મ્યુનિ. હોસ્પિટલોમાં નોંધાવા પામેલ છે. આ સાથે વાંદરા, બિલાડી તથા અન્ય પ્રાણી કરડવાના કેસો અલગ !

જેને કારણે રાત્રિના સમર્થ આવનજાવન કરતા નાગરિકો તેનો ભોગ બની રહ્યાં છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા તાકીદે કાર્યવાહી કરવી જાેઇએ અને નાગરિકો જલ્દીથી શ્વાનના ત્રાસમાંથી મુક્ત કરવા જે કંઇ પણ કામગીરી કરવી પડે તે તાકીદે કરવી જાેઇએ.

આ સમસ્યાના ઉકેલ માટે વિવિધ ઠરાવો કરવા છતાં તે બાબતે કોઇ ઠોસ નક્કર કામગીરી થવા પામેલ નથી. આમને આમ પરિસ્થિતિ રહી તો એક વર્ષમાં અમદાવાદ શહેરમાં શ્વાનની સંખ્યા ૪,૦૦,૦૦૦ જેટલી થઇ જવા પામે તો નવાઇ નહીં. ત્યારે સંપૂર્ણ પરિસ્થિતિ મ્યુ.કોર્પો.ના કાબુ બહાર હશે જેથી શ્વાનનો ત્રાસ! રાત્રીના સમયે કે સુમસામ રોડ પર બહાર નીકળતાં પ્રજા ગભરાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.