Western Times News

Gujarati News

ગુજરાતમાં એક દિવસમાં હાર્ટ એટેકથી વધુ સાત લોકોનાં મોત

રાજકોટમાં જ એક શિક્ષક સહિત ત્રણ લોકોના હૃદય થંભી જવાથી મોત થયાં

અમદાવાદ, ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો છે. યુવાનોમાં આ પ્રકારના કિસ્સાઓ વધારે પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં હાર્ટ એટેકના કારણે રાજ્યમાં ૭થી વધુ લોકોના મોત થયાં છે. રાજકોટમાં જ છેલ્લા ૧૨ કલાકમાં એક શિક્ષક સહિત ત્રણ લોકોના હૃદય થંભી જવાથી મોત થયાં હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

આ પ્રકારના મોતની ઘટનાઓને લઈને તબીબોમાં પણ ચિંતાઓ વધી છે. રાજકોટ, અમદાવાદ, સુરત અને મહેસાણામાં હાર્ટ એટેકના કારણે થયેલા મોતના કિસ્સા સામે આવ્યાં છે. છેલ્લા ૧૦ દિવસમાં ૨૦થી વધુ લોકોના હાર્ટ એટેકથી મોત થયાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટમાં છેલ્લા ૧૨ કલાકમાં ૨૪ વર્ષના રણજીત યાદવ, ૪૦ વર્ષીય આશિષ અકબરી અને ૪૩ વર્ષના દિપક વેકરિયાનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે સુરતમાં મુકેશ ગામીત નામનો યુવક ગઈકાલે રાત્ર ગરબા રમી રહ્યો હતો આ દરમિયાન તેને અચાનક છાતીમાં દુખાવો થતાં તે ઢળી પડ્યો હતો.

જેતપુરમાં ખજુરી ગુંદાળામાં રહેતા ૨૨ વર્ષીય કિશન મકવાણા નામના યુવકને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. અમદાવાદ શહેર કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગના મંત્રી ૩૬ વર્ષીય વિશાલ સોલંકીનું હાર્ટ એટેકથી અવસાન થયું છે.

મહેસાણાના વિજાપુરના ખરોડ ગામે હાર્ટ એટેકથી ૬૫ વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ વર્ષે નવરાત્રી દરમિયાન ગત વર્ષ કરતા વધુ ઇમરજન્સી કેસ નોંધાયા હતા. ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા જે દર વર્ષે એનાલિસિસ કરવામાં આવે છે. તે પ્રમાણે આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં ૧૦ ટકા થી વધારે કેસ નોંધવામાં આવ્યા છે.જ્યારે અમદાવાદમાં ૧૮% થી વધુ કેસ નોંધાયા છે.

ઈમરજન્સી કેસમાં શ્વાસ રોગ, હૃદય રોગ અને અકસ્માતના કેસ સૌથી વધુ નોંધાયા હતા છે. તેમાં પણ રાજ્યમાં હૃદયને લગતા કેસમાં ગત વર્ષની સરખામણીએ ૪૬ ટકા કેસમાં વધારો નોધાયો છે. ૨૨ ઓક્ટોમ્બર એટલે રવિવારના રોજ ૨૪ કલાકમાં હાર્ટ એટેકના કારણે ૧૩થી ૬૨ વર્ષની વય ધરાવતા ૧૨ લોકોથી વધુના મોત નીપજ્યાં હતા.

જેમાં વડોદરામાં ૧૩ વર્ષના બાળક સહિત ૨, જામનગરમાં ત્રણ, રાજકોટમાં ત્રણ, અમદાવાદમાં એક, સુરતમાં બે તો કપડવંજમાં એક સગીરનું હાર્ટ એટેકના કારણે મોત થયા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.