Western Times News

Gujarati News

સાણંદ GIDCમાં મજૂરો માટે ૫૫૦ બેડની અત્યાધુનિક હોસ્પિટલ તૈયાર થશે

પ્રતિકાત્મક

વિકાસનો સૌથી મોટો ફાયદો ગ્રામીણ વિસ્તારના ગરીબ લોકોને થવો જાેઈએ ઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતના પ્રવાસે: માણસા અને કલોલમાં વિકાસ કાર્યાેનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું

ગાંધીનગર, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. તેમણે અનેક વિકાસ પરિયોજનાનું લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યું હતું. તેમણે કલોલ ખાતે આવેલા ઈફ્કોના નૈનો પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ બાદ તેમણે પ્લાન્ટનું નિરીક્ષણ પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે નેનો યુરિયાનો છંટકાવ છોડ પર થાય છે જેથી જમીનને નુકસાન થતું નથી.

ગુજરાતનાં પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. તેઓ આજે સાણંદ જીઆઈડીસી ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એશોશીએશનના મિનિ આઈટીઆઈ અને ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત કર્યું હતું.

આ સાથે તેમણે ગ્રીન્ઝો એનર્જી ઈન્ડિયા લિમિટેડના ગ્રીન હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝર મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીનો પણ શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આ મિનિ આઈટીઆઈ ૬ મહિનામાં તૈયાર થઈ જશે. જેનો સૌથી વધુ લાભ અમદાવાદ જિલ્લાના લોકોને થશે. તેમણે ઉમેર્યું હતું કે સાણંદ જીઆઇડીસીમાં મજૂરો માટે ૫૫૦ બેડની અત્યાધુનિક હોસ્પિટલ તૈયાર થશે. તેમણે કહ્યું હતું કે દેશ અને રાજ્યના વિકાસનો સૌથી મોટો ફાયદો ગ્રામીણ વિસ્તારના ગરીબ લોકોને થવો જાેઈએ.

વિજયા દશમીના પાવન પર્વ નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે માણસા ખાતે અદ્યતન સ્પોર્ટ્‌સ સંકુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ સ્પોર્ટ્‌સ સંકુલ રૂ. ૧૩ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ પોતાના વતન માણસા ખાતે નગરજનોને વિજયાદશમીની હાર્દિક શુભકામનાઓ પાઠવી તેમનું અભિનંદન ઝીલ્યું હતું.

માણસા ખાતે સર્વોદય હાયર એજ્યુકેશન સોસાયટી, માણસાના સહયોગથી અને રાજ્યના રમતગમત વિભાગ દ્વારા અર્બન સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રકચર યોજના હેઠળ સ્પોર્ટસની પ્રવૃત્તિઓને વેગવાન બનાવવા માટે રૂ. ૧૩૦૫ લાખના ખર્ચે આ અદ્યતન રમતગતમ સંકુલનું નિર્માણ કરવામાં આવશે.

આ સંકુલમાં રમતગમતને લગતા ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ ઉપરાંત ૪૦૦ મી. એથ્લેટિક ટ્રેક સાથે ગ્રાસી ફૂટબોલ ગ્રાઉન્ડ, બે ટેનિસ કોર્ટ, બે વોલીબોલ કોર્ટ, બે બાસ્કેટ બોલ કોર્ટ, બે કબડ્ડી ગ્રાઉન્ડ સાથે ખો-ખો ગ્રાઉન્ડ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે.

આ સ્પોર્ટ્‌સ સંકુલનો સર્વોદય હાયર એજ્યુકેશન સોસાયટી કેમ્પસમાં અભ્યાસ કરતા વિઘાર્થીઓ અને આસપાસ યુવાનો પોતાની રૂચિ મુજબની રમતમાં સરળતાથી ભાગ લઇ શકશે. આ સંકુલમાં ઇન્ડોર રમતો ઉપરાંત અન્ય રમતોના મેદાન બનાવવા માટે કુલ-૧૫,૨૨૬ ચો.મીટર જગ્યા છે.

ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલનો કુલ બિલ્ટઅપ વિસ્તાર ૨૯૦૦ ચો.મીટર છે. તેની સાથે આ સંકુલમાં ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલમાં વિવિધ સુવિઘાઓ જેવી કે, ૪ બેડમિન્ટન કોર્ટ, ૮ ટેબલ ટેનિસ કોર્ટ, બાસ્કેટ બોલ તથા વોલીબોલનાં કોર્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ પ્રસંગે મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ, માણસાના ધારાસભ્ય જે.એસ.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, માણસા તાલુકા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન પટેલ, સર્વોદય હાયર એજ્યુકેશન સોસાયટીનાં પ્રમુખ શેઠશ્રી ધીરેન્દ્ર શાહ અને મંત્રી ડો. વી.એન.શાહ,

ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલ, પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી શ્રી રજનીકાંત પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી અમિત ચૌધરી, માણસાના સ્થાનિક અગ્રણીઓ, ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટીઓ, કોલેજ પરિવાર, નેશનલ કક્ષાએ રમતગમતમાં મેડલ મેળવનાર ખેલાડીઓ, પદાધિકારીઓ સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.