Western Times News

Gujarati News

આંધ્ર પ્રદેશ ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક વધીને ૧૪ થયો

નવી દિલ્હી, વિઝિયાનગરમ ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક વધીને ૧૪ પર પહોંચ્યો છે જ્યારે ૧૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે, સૂત્રોએ જણાવ્યું હતું. તેમાંના કેટલાકને ગંભીર ઈજાઓ થઈ હતી અને મૃત્યુઆંક વધવાની ધારણા છે. આ દુર્ઘટના રવિવારે રાત્રે ૭ વાગ્યે આંધ્ર પ્રદેશના વિઝિયાનગરમ જિલ્લાના કોઠાવલાસા મંડલના કંટકપલ્લી અને અલામંદા વચ્ચે થઈ હતી.

ઈસ્ટ કોસ્ટ રેલ્વે (ઈસીઓઆર) એ કહ્યું કે આંધ્રપ્રદેશના વિજિયાનગરમ જિલ્લામાં બે ટ્રેનોની ટક્કર માનવ ભૂલને કારણે થઈ શકે છે. મુખ્ય જનસંપર્ક અધિકારી વિશ્વજીત સાહુએ કહ્યું, વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર સ્પેશિયલ ટ્રેન દ્વારા સિગ્નલનું ‘ઓવરશૂટિંગ’ થયું હતું. ઓવરશૂટીંગ શબ્દને સમજાવતા, મુખ્ય જનસંપર્ક અધિકારીએ કહ્યું કે જ્યારે ટ્રેન લાલ સિગ્નલ પર રોકવાને બદલે આગળ વધે છે ત્યારે તે થાય છે.

અન્ય રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર, અકસ્માતને કારણે વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર ટ્રેન (ટ્રેન નંબર ૦૮૫૩૨)ના બે પાછળના કોચ અને વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર (ટ્રેન નંબર ૦૮૫૦૪)ના લોકો કોચ પાટા પરથી ઉતરી ગયા હતા.

મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીએ તાત્કાલિક રાહત પગલાં લેવા અને વિશાખાપટ્ટનમ અને વિઝિયાનગરમની નજીકના જિલ્લાઓમાંથી શક્ય તેટલી વધુ એમ્બ્યુલન્સ મોકલવાના આદેશો જારી કર્યા છે.

ઘાયલોને સારી સારવાર મળી રહે તે માટે નજીકની હોસ્પિટલોમાં તમામ પ્રકારની વ્યવસ્થા કરવા આદેશ આપવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાને રેલવે સત્તાવાળાઓને આરોગ્ય, પોલીસ અને મહેસૂલ સહિતના અન્ય સરકારી વિભાગો સાથે સંકલન કરીને તાત્કાલિક રાહત પગલાં લેવા અને ઘાયલોને તાત્કાલિક તબીબી સેવાઓ મળે તે સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો હતો. રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ઘાયલોને વિશાખાપટ્ટનમ અને વિઝિયાનગરમની હોસ્પિટલોમાં ખસેડવામાં આવી રહ્યા છે.

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ‘ઠ’ પર એક પોસ્ટમાં કહ્યું કે સરકારે પીડિતો માટે એક્સ-ગ્રેશિયા રકમની જાહેરાત કરી છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું, તમામ ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. એક્સ-ગ્રેટિયાની ચુકવણી શરૂ થઈ ગઈ છે – અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના નજીકના સંબંધીઓ માટે રૂ. ૧૦ લાખ, ગંભીર રીતે ઘાયલ થયેલા લોકો માટે રૂ. ૨ લાખ અને સાધારણ ઇજાગ્રસ્તોને રૂ. ૫૦,૦૦૦ની જાહેરાત કરવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.