Western Times News

Gujarati News

અમદાવાદમાં ટ્રાફિકની ચિંતા કર્યા વિના દિવસે રોડના કામ કરાવવા કમિશ્નરની જીદ

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન ધોવાણ થયેલ રોડ-રસ્તાના કામ દિવાળી પહેલા પૂર્ણ કરવામાં આવે તેમજ રોડના કામ રાત્રિના બદલે દિવસના સમયે કરવામાં આવે તેવી સુચના સાપ્તાહિક રીવ્યુ બેઠકમાં કમિશ્નરે આપી છે. આ ઉપરાંત દરેક વિભાગમાંથી વર્ગીકરણ કરી નિકાલ કરવામાં આવેલ રેકોર્ડની જવાબદારી કોના શીરે રહેશે તે અંગે બે ડેપ્યુટી કમિશ્નરો વચ્ચે તું તું મેં મેંં થતાં કમિશ્નર અકળાયા હતા.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સ્વચ્છતાના ૬૦ દિવસ ઝુંબેશ અંતર્ગત સમગ્ર શહેરની સાથે સાથે મ્યુનિ.કોર્પોરેશનના જુદા જુદા વિભાગોમાં સફાઈ શરૂ કરવામાં આવી છે જેમાં વર્ષોથી સાચવી રાખવામાં આવેલ ફાઈલોનો અભ્યાસ કરી જે બીનજરૂરી હોય તેનો નિકાલ કરવામાં આવ્યો છે. તમામ વિભાગોમાંથી નિકાલ કરવામાં આવેલ આવી ફાઈલોનો મોટો ખડકલો થયો છે

પરંતુ તેની જવાબદારી કોની રહેશે તે અંગે રીવ્યુ બેઠકમાં કમિશ્નરે સવાલ કરતા બે ડેપ્યુટી કમિશ્નરે એકબીજાની કોર્ટમાં બોલ ફેંકયા હતાં તેથી કમિશ્નર અકળાયા હતા તથા જવાબદારી લેવા કોઈ તૈયાર નથી તેવો મર્મ કટાક્ષ પણ કર્યો છે. શહેરમાં વરસાદની સીઝન દરમિયાન રોડ-રસ્તા પર જે ખાડા પડયા છે તે રીપેર કરવા માટે તમામ ઈજનેર અધિકારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યા છે અને દિવાળી સુધી આ ટાર્ગેટ પૂર્ણ કરવા સુચના પણ આપી છે.

રીવ્યુ બેઠકમાં કમિશ્નરે આ મામલે કેટલા કામ પૂર્ણ થયા તેની સમીક્ષા કરી હતી તદઉપરાંત સુરતની જેમ અમદાવાદમાં પણ દિવસના સમય દરમિયાન રોડ બનાવવા માટે સુચના આપી હતી પરંતુ અમદાવાદમાં જાે દિવસ દરમિયાન રોડ બનાવવામાં આવે તો ટ્રાફિક સમસ્યા રહે છે આ ઉપરાંત માલ-સામાનની અવરજવરમાં પણ ઘણી જ તકલીફ થાય તેમ છે પરંતુ કમિશ્નર ટ્રાફિક કે અન્ય કોઈ બાબતની દરકાર કર્યા વિના રોડના કામ દિવસના સમય દરમિયાન જ કરવા જીદ પકડી હોય તેમ મીટીંગમાં હાજર અધિકારીઓને લાગી રહયું છે.

મ્યુનિ.બગીચાઓમાં આવેલા અમૂલ પાર્લર દ્વારા યોગ્ય દેખરેખ રાખવામાં આવે અને તેની જાળવણી કરવામાં આવે તે માટે ગાર્ડન વિભાગને આદેશ આપવામાં આવ્યા હતા તે ઉપરાંત શહેરમાં પ્રદુષણસ્તરને નિયંત્રિત કરવા માટે ચોકકસ દિશામાં કામગીરી કરવા માટે સુચના આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.