Western Times News

Gujarati News

ગોંડલ હાઈવે પર ટ્રેકટરમાંથી ડુંગળી વેરાતાં લોકોએ રીતસરની લૂંટ મચાવી

રાજકોટ, રાજકોટ-ગોંડલ હાઇવે પર ડુંગળી ભરીને પસાર થઈ રહેલા એક ટ્રેકટરમાંથી કેટલીક બોરીઓ નીચે પડી જતાં રસ્તા પરથી પસાર થતા લોકોએ ડુંગળી માટે રીતસરની લૂંટ મચાવી હતી. નેશનલ હાઈવે પર પૂરઝડપે પસાર થઈ રહેલા વાહનોની વચ્ચે લોકોએ જીવની પરવા કર્યા વગર મોંઘેરી ડુંગળીને મફતમાં લઈ લેવા માટે તુટી પડ્‌યા હતા.

ઉલ્લેખનીય છે કે, હાલ દેશમાં ડુંગળીની ભારે અછત છે અને દેશભરમાં ડુંગળી અત્યારે રૂ.૮૦થી રૂ.૧૦૦ની એક કિલોના ભાવે વેચાઈ રહી છે. દેશના કટેલાક રાજ્યોમાં ડુંગળીનો પાક નિષ્ફળ જવાના કારણે ડુંગળીની તંગી સર્જાયેલી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળી વેચવા જઈ રહેલા ખેડૂતના ટ્રેક્ટરમાંથી બોરી તૂટી જતાં રાજકોટ નેશનલ હાઈવે પર ભોજપરા ગામના પાટીયા પાસે ડુંગળી વેરાઈ ગઈ હતી. ટ્રેકટરમાંથી ડુંગળી નીચે પડતાં જાણે કે પૈસાનો વરસાદ થયો હોય તેમ લોકો મોંઘાએ મોલની ડુંગળી લઈ લેવા રીતસરની લૂંટ મચાવી હતી.

હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો પણ બે ઘડી માટે તો અવાચક રહી ગયા હતા અને સડક પર ડુંગળીની લૂંટ મચાવી રહેલા લોકો સાથે વાહન ન અથડાઈ જાય તે માટે તેમને બ્રેક મારવી પડી હતી. યુવાનોની સાથે-સાથે વડીલો પણ ડુંગળી લૂંટવા માટે મચી પડ્‌યા હતા અને પોતાની પાસે જે સાધન મળ્યું તેમાં જેટલી ડુંગળી ભરાય તેટલી ભરી લીધી હતી.
એ યાદ રહે કે ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે ગુજરાત સહિત અનેક રાજયોમાં ડુંગળીને હાયતોબા મચી છે અને કેટલાક રાજયોમાં તો ડુંગળીને ચોરી લુંટ સહિતની ધટનાઓ સામે આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.