Western Times News

Gujarati News

માંડ પાક ઉગે તે પહેલાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી

રવિ પાકની વાવણીમાં જ વરસાદ વિલન બન્યો એક લાખ હેક્ટરમાં કપાસને પાકને ૪૦ કરોડથી વધુના નુકસાનની ભીતિ, સર્વે બાદ નુકસાનનો ખરો આંકડો આવશે બહાર

અમદાવાદ, ગુજરાતના ૫૦ ટકા ખેડૂતો ૨ રૂપિયાની સહાય માટે ધક્કા ખાઈ રહ્યાં છે ત્યારે ગઈકાલે વરસેલા વરસાદને પગલે ખેડૂતોના પાકનો સોથ વળી ગયો છે. સરકાર હવે એસડીઆરએફના નિયમોનુસાર પાક નુક્સાનીની સહાય જાહેર કરશે અને ખેડૂતોને આશ્વાસન આપવાનો પ્રયાસ કરશે પણ ગ્લોબલ વોર્મિગની અસર તળે બદલાયેલી સિઝનને પગલે ખેડૂતોની માઠી દશા બેસી ગઈ છે.Unseasonal rains in Gujarat

રાજ્યમાં ૨૦થી ૨૫ લાખ હેક્ટરમાં વાવેતર કરાતા શિયાળુ પાકને આ વરસાદ ભારે નુક્સાન કરે તો પણ નવાઈ નહીં. જે પાકોમાં પિયતની જરૂરિયાત હતી એ પાકો માટે આ વરસાદ કાચા સોનાની માફક વરસ્યો છે પણ શિયાળામાં મોટાપાકના પાકો એવા વાવતેર કરાતા હોય છે જેમને ઝાકળ પણ નુક્સાન કરતી હોય છે ત્યારે રીતસર ચોમાસાની જેમ વરસેલા વરસાદે ગુજરાતના ખેડૂતોની હાલત ખરાબ કરી દીધી છે.

સરકાર હવે પાક નુક્સાનીની સહાયની આજ કાલમાં જ જાહેરાત કરશે પણ ફરી ખેડૂતોએ સહાય માટે લાઈનોમાં બેસવું પડશે. ૬ મહિના પહેલાં ડુંગળીના ભાવ ગગડ્યા ત્યારે પ્રતિ કિલો ૨ કિલોની સહાય લેવા માટે હજુ ૫૦ ટકા ખેડૂતો ધક્કા ખાઈ રહ્યાં છે. સરકાર દાવો કરે છે કે અત્યાર સુધીમાં ૧૫.૭૬ કરોડ રૂપિયાની સહાય ચૂકવાઈ છે પણ તો કયા ખેડૂતો બુમરાણ કરી રહ્યાં છે અને કયા ખેડૂતોને મળી એ સૌથી મોટો સવાલ છે.

ગુજરાતમાં ભર શિયાળામાં ચોમાસું બેઠું હોય તેવો વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદે ખેતીને વ્યાપકપણે નુકશાન પહોંચાડયું. ખાસ કરીને જીરૂ, વરિયાળી, રાયડો, ઘઉં, ધાણાં અને લીલા શાકભાજી સહિતના પાકોને સૌથી વધારે નુકશાન થયું છે જેથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. શિયાળુ સિઝનમાં હાલ માંડ ૬૦ ટકા વાવેતર થયું છે. રાજ્યમાં ૨૫ લાખ હેક્ટરની આસપાસ રવી સિઝનની વાવણી થાય છે.

જેમાં સૌથી વધારે ઘઉંની વાવણી થાય છે. આ સિઝનમાં ધાણાં, જીરૂ. વરિયાળી, ઘઉં, રાયડો ઉપરાંત લીલા શાકભાજીની વધુ વાવણી થઇ છે. હજુ તો વરિયાળી અને જીરાના પાકને માંડ બીજી વખત પાણી અપાયુ છે ત્યાં કમોસમી વરસાદની એન્ટ્રી થઇ છે. હજુ તો માંડ ધાણાંના છોડવા માંડ જમીન બહાર આવ્યા છે અને જીરૂના છોડ તો હજુ ઉગ્યા પણ નથી. આ સંજાેગો વચ્ચે કમોસમી વરસાદ ખાબકતા ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે.

જેને પગલે આ પાક ઉગશે કે નહીં એ સૌથી મોટો સવાલ છે. ગુજરાતમાં જીરૂ-વરિયાળીના પાકને નુકશાન થયું તો ભાવમાં વધારો થશે એમાં કોઈ મત નથી. ખેતી હવે સૌંઘી રહી નથી દિવસે ને દિવસે ખેતી મોંઘી થતી જાય છે. ખેડૂતો બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ ઉપરાંત ખેતમજૂરીનો હજારો રૂપિયા ખર્ચો કરે છે.

ખર્ચ પછી માંડ પાક ઉંગે તે પહેલાં કમોસમી વરસાદે ખેડૂતોને કમર ભાંગી નાંખી છે. ગુજરાતમાં ખેડૂતોને એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતી સર્જાઇ છે. હવે કૃષિ વિભાગ પાક નુક્સાનીન જાહેરાત કરશે પણ જ્યાં વાવણી થઈ છે અને પાક હજુ બે પાંદડે માંડ થયો છે ત્યાં કેવી રીતે નુક્સાની ચૂકવશે એ સૌથી મોટો સવાલ છે.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.