Western Times News

Gujarati News

ગુજરાતમાં કામના ભારણને લીધે જીવન ટૂંકાવનારાઓની સંખ્યા વધી

અમદાવાદ, આપઘાત એ કોઈ સમસ્યાનું નિવારણ નથી તેમ છતાં કેટલાય લોકો જીવન ટૂંકાવતા હોય છે. હાલમાં જ જીવન ટૂંકાવવાને લગતાં અમદાવાદ અને ગુજરાતના કેટલાક ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. નોકરિયાત વર્ગના લોકોનું જીવન ટૂંકાવવાનું પ્રમાણ વધારે છે. કામના ભારણ અને સ્ટ્રેસને લીધે અમદાવાદ અને ગુજરાતમાં કેટલાય લોકોએ જીવન ટૂંકાવ્યું છે.

અમદાવાદમાં કામના ભારણ કે કરિયરની સમસ્યાઓને લીધે ૭૧ લોકોએ જિંદગી ટૂંકાવી છે. આ કારણે મોતને વહાલું કરનારા લોકોની યાદીમાં ભારતમાં અમદાવાદ ત્રીજા ક્રમે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્‌સ બ્યૂરોના રિપોર્ટ ‘એક્સિડેન્ટલ ડેથ્સ એન્ડ સ્યૂસાઈડ્‌સ ઈન ઈન્ડિયા ૨૦૨૨’ મુજબ બેંગાલુરુમાં આ કેટેગરી હેઠળ મોતને વહાલું કરનારા ૧૨૧ લોકો હતા જ્યારે દિલ્હીમાં આંકડો ૭૭ હતો.

કરિયર સંબંધિત સમસ્યાઓને લીધે જીવન ટૂંકાવનારા રાજ્યોની યાદીમાં ૩૪૧ મૃત્યુ સાથે ગુજરાત બીજા ક્રમે હતું. જ્યારે ૬૪૦ લોકોના અપમૃત્યુ સાથે મહારાષ્ટ્ર પહેલા ક્રમે છે. રિપોર્ટમાં ‘નિવૃત્ત’ના મથાળા હેઠળ પણ લોકોના મૃત્યુ નોંધાયા છે અને તેમાં પણ ગુજરાતનું નામ ઉપર છે. રિપોર્ટ પ્રમાણે, ભારતમાં નિવૃત્તિ બાદ મોતને વહાલું કરનારા લોકોની કુલ સંખ્યા ૧૨૮૮ છે, જેમાંથી ૩૩૪ લોકો સાથે ગુજરાતનો ફાળો ૨૬ ટકા છે.

જ્યારે આ કેટેગરીમાં મહારાષ્ટ્રમાંથી ૨૭૩ મૃતકો નોંધાયા છે. નિવૃત્ત લોકોના વયજૂથમાં એકલતા, બીમારી અને ડિપ્રેશન સંભવિત કારણો છે જેના લીધે તેઓ મોતને વહાલું કરે છે. દરેક કેસ અલગ હોય છે અને જીવનની ઢળતી ઉંમરે વૃદ્ધોને સહારા અને હૂંફની સૌથી વધુ જરૂર હોય છે.

નિવૃત્ત થયા પછી વૃદ્ધોને લાગતું હોય છે કે તેમના જીવવાનો કોઈ આશ્રય રહ્યો નથી પરંતુ તેમને આ લાગણીમાંથી મુક્ત કરાવવા કેટલાય ઈનિશિયેટિવ શરૂ કરવામાં આવ્યા છે, તેમ શહેરના એક નિષ્ણાતે જણાવ્યું. બેરોજગારીના લીધે મોતને વહાલું કરનારા લોકોની યાદીમાં મહારાષ્ટ્ર ૬૪૨ મોત સાથે પહેલા ક્રમે છે. જે બાદ ૬૦૫ મૃત્યુ સાથે કર્ણાટક બીજા નંબરે જ્યારે ૨૮૯ મૃત્યુ સાથે ગુજરાત ત્રીજા ક્રમે છે.

જાેકે, એકંદરે ૨૦૨૨માં ગુજરાતના ત્રણ મોટા શહેરો અમદાવાદ, સુરત અને વડોદરામાં જીવન ટૂંકાવનારા લોકોની સંખ્યામાં નજીવો ઘટાડો થયો છે. ૨૦૨૧ની સરખામણીએ ત્રણેય શહેરોમાં ૫થી૬.૬ ટકાનો ઘટાડો જાેવા મળ્યો છે.

ગુજરાતમાં પારિવારિક કારણોસર જીવન ટૂંકાવનારાઓની સંખ્યા ૨૫ ટકા છે. જ્યારે બીમારીના લીધે ૧૯ ટકા, અગમ્ય કારણોસર ૨૩.૫ ટકા, પ્રેમ પ્રકરણના લીધે ૭ ટકા અને લગ્નજીવનની સમસ્યાઓને લીધે ૪ ટકા લોકોએ મોત વહાલું કર્યું છે.

જીવન ટૂંકાવનારાઓમાં ૩૫ ટકા રોજમદાર મજૂરો, ૧૯.૫ ટકા ગૃહિણીઓ, ૧૪ ટકા સેલ્ફ એમ્પ્લોઈડ, ૧૦ ટકા પગારદાર અને ૮ ટકા વિદ્યાર્થીઓ છે. ગુજરાતમાં જીવન ટૂંકાવનારાઓમાં ૬૯.૫ ટકા પુરુષો છે, ૬૬ ટકા પરિણીતો અને ૨૮ ટકા કુંવારા છે. ૨ ટકા પ્રોફેશનલ ડિગ્રીધારકો, ૭૧ ટકા વાર્ષિક ૧ લાખથી વધુ આવક ધરાવતા અને ૨૬ ટકા પાંચમા ધોરણ સુધી અભ્યાસ કરનારા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.