Western Times News

Gujarati News

રામલલા દેશની અસ્મિતા, કોઈની ખાનગી માલિકી નથીઃ સંજય રાઉત

મુંબઈ, શિવસેના સાંસદ સંજય રાઉતે રામમંદિર અને જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા અંગે કેન્દ્ર સરકાર સામે નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું કે ભાજપ રામલલાના નામે વારંવાર વોટ માગી રહી છે. રામલલા દેશની અસ્મિતા છે, ભાજપ તેમને કિડનેપ કરવા માગે છે. રાઉતે દાવો કર્યો કે શિવસેના પહેલી એવી પાર્ટી છે જેણે ટ્રસ્ટની સ્થાપના બાદ સૌથી પહેલાં ૧ કરોડ રૂપિયા દાન આપ્યું હતું.

તેમણે કહ્યું કે રામલલા કોઈની પર્સનલ પ્રોપર્ટી નથી. અયોધ્યાની જમીન ભાજપના નામે નથી. તે રામલલાના નામે છે. એટલા માટે તેના વિશે સાચવીને રાજનીતિ કરે. સંજય રાઉતે જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા વિશે પણ કેન્દ્રને આડેહાથ લેતાં કહ્યું કે ભાજપ સરકાર વિપક્ષમુક્ત સંસદ બનાવવા માગે છે.

પીએમ મોદી આ કામમાં જ વ્યસ્ત છે. ચૂંટણીમાં જાય છે, સીએમ બનાવે છે, શપથગ્રહણમાં જાય છે, ઉત્સવ મનાવે છે. એ જ સમયે આપણો શત્રુ, દેશના શત્રુ કાશ્મીરમાં આપણા જવાનો પર હુમલાનું કાવતરું ઘડી કાઢે છે. આ અતિગંભીર મામલો છે.

સંસદમાં લોકો ઘૂસી જાય છે, ત્યાં કાશ્મીરમાં આતંકી ઘૂસે છે. આપણા જવાનો પર હુમલા કરે છે પણ પીએમ મોદી આ વાતથી અજાણ રહે છે. તે ફક્ત મોટી મોટી વાતો કરે છે.

રાઉતે કહ્યું કે પૂંછમાં જે હુમલો થયો છે તે એક રીતે પુલવામા જેવો જ હુમલો છે. આ જ રીતે પુલવામાં થયું હતું. સરકાર ઊંઘી રહી હતી અને આજે પણ સરકાર ઊંઘી રહી છે. સરકાર ૩૭૦ હટાવવાની ઉજવણી કરી રહી છે.

જ્યારે કલમ ૩૭૦ હટાવી હતી તો અમે સમર્થન આપ્યું હતું પરંતુ જવાનોની સુરક્ષાનું શું? લડ્યા વિના જ જવાનો શહીદ થઈ રહ્યા છે. આ શું ચાલી રહ્યું છે. શું તમે ફરી એકવાર રાજનીતિ કરવા માગો છો? તો શું તમે ફરી એકવાર પુલવામાની જેમ ૨૦૨૪માં આ મુદ્દે વોટ ઈચ્છો છો? SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.