Western Times News

Gujarati News

માણસા શહેર કોંગ્રેસ પ્રમુખ દારૂ-બીયરના જથ્થા સાથે ઝડપાયા

પ્રતિકાત્મક

વિદેશી દારૂની ૪૦ બોટલો અને બીયરનાં પ ટીન મળી આવતાં કાર્યવાહી કરાઈ

ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના માણસા શહેર કોંગ્રેસ પ્રમુખ દારૂ-બીયરના જથ્થા સાથે ઝડપાયા હોવાનો બનાવ સામે આવ્યો છે. બાતમીના આધારે પોલીસે હરિકૃપા કોમ્પલેક્ષની દુકાનમાં દરોડો પાડયો હતો ત્યારે રૂ.૧૩,૩પ૦ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવતા કબજે કરી તેમની સામે ગુનો દાખલ કર્યો હતો.

માણસા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં નીકળ્યો હતો ત્યારે કોન્સ્ટેબલ ચેતનસિંહને બાતમી મળી હતી કે, માણસા ગાંધીનગર હાઈવે ઉપર આવેલા હરિકૃપા કોમ્પલેક્ષની દુકાનમાં મહીપાલસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલા (રહે. માણસા) એ દારૂનો જથ્થો છુપાવ્યો છે. તેના આધારે પોલીસે દરોડો પાડયો ત્યારે મહીપાલસિંહ હાજર મળી આવ્યા હતા.

તેમને સાથે રાખી હોટલની બાજુની દુકાનમાં તપાસ કરતાં કાગળના પુઠાના ખોખામાં ભારતીય બનાવટની વિદેશીદારૂની કાચની બોટલો અને બીયરના ટીન મળી આવ્યા હતા તેની ગણતરી કરતા દારૂની ૪૦ બોટલો અને બિયરના પ ટીન મળી કુલ રૂ.૧૩,૩૩૦નો દારૂ મળ્યો હતો. આ અંગે માણસા પોલીસે કહ્યું હતું કે, મહિપાલસિંહ વાઘેલા માણસા શહેર કોંગ્રેસ પ્રમુખ છે તેમણે ત્રણ દિવસ પહેલા અશ્વિન ડામોર (રહે. ખેરવાડા રાજસ્થાન) નામના ઈસમ પાસેથી દારૂ-બિયરનો જથ્થો મગાવ્યો હતો. જેથી મહિપાલસિંહની દારૂના ગુનામાં ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.