Western Times News

Gujarati News

અમદાવાદ રેલવે મંડળ પર ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો 75 મો ગણતંત્ર દિવસ

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં 75 મો ગણતંત્ર દિવસ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો. મંડળ રેલવે મેનેજર શ્રી સુધીર શર્માએ અમદાવાદ ખાતે રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ સાબરમતીમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો અને ત્રિરંગાને સલામી આપી.

રેલવે સુરક્ષા બળ, સ્કાઉટ & ગાઈડ અને સિવિલ ડિફેન્સ દ્વારા શાનદાર પરેડ કરવામાં આવી તથા મંડળ રેલવે મેનેજરને ગાર્ડ ઓફ ઑનર આપવામાં આવ્યું. આના પછી શ્રી શર્માએ તમામ રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનોને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ આપી તથા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્રના સંદેશનું વાંચન કર્યું અને વર્ષ 2023 દરમિયાન પશ્ચિમ રેલવેની ઉપલબ્ધિઓ વિશે વિગતવાર માહિતી પણ આપી.

આ અવસર પર આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગવાયેલા દેશભક્તિના ગીતો અને નૃત્યોએ બધાના મનને રાષ્ટ્રીય એકતાની ભાવનાથી ઓતપ્રોત કરી દીધા. મંડળ રેલવે મેનેજરે આ દરમિયાન વિવિધ વિભાગોના 51 રેલવે કર્મચારીઓને ઉત્કૃષ્ટ કામ માટે પ્રમાણપત્ર અને મેડલ આપીને સન્માનિત કર્યા.

75મા ગણતંત્ર દિવસના અવસર પર પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન અમદાવાદ દ્વારા વિવિધ પ્રતિયોગતિઓમાં વિજેતા 63 બાળકોને પુરસ્કૃત કર્યા સાથે જ ગંભીર બીમારીઓથી ત્રસ્ત 2 રેલવે કર્મચારીઓના પરિવારજનોને આર્થિક સહાયતા આપી સાથે જ ડિવિઝનલ રેલવે હોસ્પિટલ સાબરમતીમાં એક ટેલિવિઝન અને 5 વોટર પ્યુરિફાયર ઉપલબ્ધ કરાવ્યા.

સાબરમતીમાં સંગઠન દ્વારા સંચાલિત સુર સંગમ સંગીત કેન્દ્રમાં મુખ્ય મહેમાન મંડળ રેલવે મેનેજર શ્રી સુધીર શર્મા અને મહિલા કલ્યાણ સંગઠનની અધ્યક્ષા શ્રીમતી સંગીતા શર્માએ તમામ સંગીત શિક્ષક અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી. સુર સંગમ સંગીત કેન્દ્રમાં અભ્યાસરત વિદ્યાર્થીઓએ મનમોહક દેશભક્તિ ગીતો રજૂ કર્યા. વિદ્યાર્થીઓએ પોતાની શાનદાર સાંસ્કૃતિક પ્રતિભાનું પ્રદર્શન કરતાં તમામને મંત્રમુગ્ધ કર્યા. મંડળ રેલવે મેનેજર શ્રી શર્માએ રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનોને પણ સંગીત કેન્દ્રની સુવિધાઓનો લાભ લેવાનો આગ્રહ કર્યો.

આ કાર્યક્રમમાં પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન અમદાવાદ મંડળની અધ્યક્ષા શ્રીમતી સંગીતા શર્મા અને તેમની ટીમ, અપર મંડળ રેલવે મેનેજર શ્રી દયાનંદ સાહૂ, અપર મંડળ રેલવે મેનેજર શ્રી લોકેશ કુમાર, મુખ્ય પ્રોજેક્ટ મેનેજર ગતિશક્તિ, ઉપ મુખ્ય પ્રોજેક્ટ મેનેજર, તમામ વિભાગના શાખા અધિકારીઓ સહિત રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.