Western Times News

Gujarati News

એક ચા વાળો અને એક ગુજરાતી દાળભાત ખાવાવાળો શું કરી શકે તે તમે દેખાડ્યું છે: PM મોદી

કોંગ્રેસ નકલી વીડિયો બનાવવાની ફેક્ટરીઃ PM મોદી

ડીસા અને હિંમતનગરમાં વિશાળ જનસભાને સંબોધતા વડાપ્રધાન-કાળઝાળ ગરમીમાં પણ રેકોર્ડબ્રેક મતદાન કરવા નાગરિકોને મોદીની અપીલ

ડીસા, હિંમતનગર , વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે આજે ગુજરાત આવેલા છે. આજે ડીસા અને હિંમતનગરમાં વિશાળ જનમેદનીને સંબોધી હતી. ડીસા ખાતે તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસની મહોબ્બતની દુકાનમાં બધું જ ફેક છે

અને તેમની પાસે કોઈ જ મુદ્દો નહીં હોવાથી હવે નકલી વીડિયો બનાવવાની ફેક્ટરી બની ગઈ છે. હિંમતનગરમાં તેમણે જણાવ્યું હતું કે, નાગરિકોના લાઈટ અને વીજળીના બિલો ઝીરો કરી દેવાની યોજના તેમની પાસે ેછે. અને તેઓ આ દેશના પ્રત્યેક નાગરિકોની સેવા કરવાના નિર્ણય સાથે કામ કરી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના ડીસામાં ચૂંટણી સભાને સંબોધિત કરી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને સંબોધનની શરૂઆતમાં કહ્યું હતું કે મા અંબાના ચરણોમાં આવીને ગુજરાતની પહેલી સભા છે. ગુજરાતે આપેલા સંસ્કાર આજે દિલ્હીમાં લેખે લાગ્યા છે. પીએમ તો દિલ્હીમા હોય ગુજરાતમાં નરેન્દ્રભાઈ જ હોય છે.

તેમણે ગુજરાતના સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યુ કે આજનો દિવસ નવા સંકલ્પ સાથેનો દિવસ છે. ૨૦૧૪માં દિલ્હીમાં મોકલીને દેશની સેવા કરવાનો અવસર આપ્યો હતો. ૨૦૧૪ પહેલા દેશમાં આતંકવાદના સમાચાર જ મળતા હતા. ૨૦૧૪ પહેલા દેશમાં ભ્રષ્ટાચારના સમાચાર જ મળતા હતા. ૨૦૧૪ પહેલા દેશ નિરાશામાં ડૂબેલો હતો. ૨૦૧૪ પહેલા દેશના યુવાનને ભવિષ્યની ચિંતા હતી. વડાપ્રધાને ફેક વીડિયોને લઇને કોંગ્રેસને પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું કે હિંમત હોય તો સામેથી વાર કરો.

કોંગ્રેસના આરોપ પર વડાપ્રધાન મોદીએ દેશને ગેરન્ટી આપી હતી. તેમણે કહ્યું કે અનામતમાં કોઇ ફેરફાર થશે નહીં. જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી અનામતની રક્ષા થશે. જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી અનામતની રક્ષા થશે. કર્ણાટકમાં કોંગ્રેસે મુસ્લિમોનો ઓબીસીમાં સમાવેશ કર્યો છે. કોંગ્રેસ દલિત, એસસી-એસટીનો હક છીનવવા માંગે છે. મોદી છે ત્યા સુધી ધર્મના આધારે અનામતનો ખેલ નહીં થાય. બંધારણના આધારે મળેલા અનામતમાં છેડછાડ થશે નહીં. અમારા સિવાય એકપણ પક્ષ ૨૭૨ ઉમેદવારને લડાવી રહ્યો નથી.

ગાંધી પરિવાર પર વડાપ્રધાન મોદીએ નિશાન સાધતા કહ્યુ કે દિલ્હીમાં ગાંધી પરિવાર કોંગ્રેસને મત નહીં આપી શકે. દિલ્હીમાં કોંગ્રેસ આપ સાથે ગઠબંધ કર્યું છે. અહમદ પટેલનો પરિવાર કોંગ્રેસને મત નહીં આપી શકે. ભરુચમાં કોંગ્રેસે આપ સાથે ગઠબંધન કર્યુ છે. કોંગ્રેસના લોકો પર વિશ્વાસ કરી શકાય નહીં. કોંગ્રેસના લોકો ઘોષણા કરે, અનામતને હાથ નહીં લગાવીએ. કોંગ્રેસ પાસે મુદ્દા અને વિઝન નથી. કોંગ્રેસની હરકતોને મતદારોએ જવાબ આપ્યો છે.

વધુમાં તેમણે કહ્યું કે ૨૦૧૯માં કોંગ્રેસે ચોકીદાર ચોરનો નારો આપ્યો હતો. કોંગ્રેસે રાફેલની મજાક ઉડાવી હતી. ૨૦૧૯ બાદ કોંગ્રેસે સતત મોદીનું અપમાન કર્યું છે. કોંગ્રેસના શેહજાદાએ મોદી, ઓબીસી સમાજને ચોર કહ્યા હતા. ૨૦૨૪માં કોંગ્રેસ, ગઠબંધન જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે. અનામત ખતમ કરવાની કોંગ્રેસ અફવા ફેલાવી રહી છે. વિપક્ષના લોકો નકલી વીડિયો ફેલાવી રહ્યા છે. અનામત ખતમ કરવાની કોંગ્રેસ અફવા ફેલાવે છે.

ગુજરાતમાં ૭ મેએ લોકસભાની ૨૫ સીટો પર મતદાન થવાનું છે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી સભા માટે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. પીએમ મોદીએ બનાસકાંઠામાં ચૂંટણી સભા સંબોધી હતી. પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું કે મા અંબાના ચરણોમાં આવીને ગુજરાતની પહેલી ચૂંટણી સભાનું સૌભાગ્ય મળ્યું છે. તેમણે કહ્યું કે સાથીઓ ગુજરાતની ધરતીએ મને જે સંસ્કાર આપ્યા જે શિક્ષણ આપ્યું અને ખુબ લાંબા ગાળા સુધી મને મુખ્યમંત્રી રાખીને તમે જે અનુભવની તક આપી તે આજે દિલ્હીમાં કામ લાગે છે.

પીએમ મોદીએ પૂર્વની સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ૨૦૨૪ પહેલા દેશમાં એવી સરકાર હતી જ્યાં ચારે તરફ આતંકવાદ અને ભ્રષ્ટાચાર હતો. દેશમાં નિરાશાનો માહોલ હતો. તમે ગુજરાતના ભાઈ-બહેનોએ મને ૨૫ વર્ષથી સરકારમાં કામ કરતો જોયો છે. તેમણે કહ્યું કે દેશના સામર્થ્યનો હું એક પૂજારી બન્યો છું. ત્રીજી ટર્મમાં દેશને વિકસિત ભારત બનાવીશું. ત્રીજા ટર્મની સરકાર બને તે પહેલા ૧૦૦ દિવસના કામનો એક્શન પ્લાન બનાવી લીધો છે. ત્રીજા કાર્યકાળમાં ગરીબના કલ્યાણ અને ખેતીના કલ્યાણ માટે કામ કરીશું.

પીએમ મોદીએ કહ્યું કે ગુજરાતની બધી સીટ જીતીને મને સંતોષ નથી, આપણે બધા પોલીંગ બુથ જીતવાના છે. તમારો એક મત ઉમેદવારને નહીં પરંતુ મને મળશે. ગુજરાતમાં કોંગ્રેસને એકવાર હરાવ્યા બાદ પરત ફરવા દીધી નથી.

એક ચા વાળો અને એક ગુજરાતી દાળભાત ખાવાવાળો શું કરી શકે તે તમે દેખાડ્યું છે. બીજી ચૂંટણી આવી તો ૨૦૧૯માં ચોકીદાર ચોર અને મોદી ખૂનના સોદાગર કહેતા હતા. ૨૦૧૯ની ચૂંટણી પછી આ લોકોએ મોદીનું અપમાન કરવાનું શરૂ કર્યું હતું.

પીએમ મોદીએ કહ્યું કે આજે ગુજરાતનો સ્થાપના દિવસ આપણા બધા માટે નવા સંકલ્પનો દિવસ, નવી ઊર્જા માટેનો દિવસ અને એ નિમિતે આ વખતે આપણે સંકલ્પ લઈએ વિકસિત ભારત બનાવવા માટે વિકસિત ગુજરાત બનાવવામાં અમે કોઈ કમી નહિ રહેવા દઈએ. પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે આ ચૂંટણીમાં હજુ ઓછી સીટો જીતશે.

પ્રથમ બે તબક્કાના મતદાન પર કહ્યું કે રાજસ્થાનમાં કોંગ્રેસને એકપણ સીટ મળશે નહીં. આ લોકોની મહોબ્બતની દુકાન એ ફેક ફેક્ટરી છે. આ લોકોએ ફેક વીડિયોની દુકાન ખોલી છે. અનામત પર બોલતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ ધર્મના આધારે અનામત આપે છે. એસટી, એસસી અને ઓબીસીને જે અનામત કાયદામાં મળ્યું છે તે કોઈ છીનવી શકે નહીં.

પીએમ મોદીએ કહ્યું કે મને ગુજરાતીએ મોટો કર્યો છે તો તમે ચિંતા ન કરો. તેમણે કહ્યું કે દેશના લોકોએ કાળી મજૂરી કરીને જે ટેક્સ આપ્યો છે તેને હું લૂંટાવા દઈશ નહીં. ગાંધી પરિવાર પર હુમલો કરતા કહ્યું કે આ ચૂંટણી એવી છે જેમાં ગાંધી પરિવાર કોંગ્રેસને જ મત આપી શકશે નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.