Western Times News

Gujarati News

કરોના વાયરસઃ ગુજરાતીની મદદ માટે સરકાર સજ્જ છે

ગુજરાતમાં પરત ફરવા ઇચ્છુક વિદ્યાર્થીને પરત લાવવાની જરૂરી વ્યવસ્થા થશે – ગાંધીનગરમાં કન્ટ્રોલરૂમ સ્થાપિત
અમદાવાદ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચાઇનામાં કોરોના વાયરસના કારણે સર્જાયેલી સ્થિતીમાં ગુજરાતના જે યુવાનો ત્યાં ફસાયેલા છે તેની સંપૂર્ણ વિગતો મેળવી જરૂરી તમામ સહાયતાના પ્રબંધ માટે મુખ્ય સચિવ અનિલ મુકિમને સૂચનાઓ આપી છે. તદ્દઅનુસાર, આવા વિદ્યાર્થીઓના વાલી-પરિવારો જે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વસેલા છે

તેમનો રાજ્ય સરકારનું રિલીફ કમિશનર તંત્ર સંપર્ક કરીને સંબંધિત વિદ્યાર્થીઓની વિગતો મેળવશે. ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે આ માટે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જે વાલી-પરિવારોના બાળકો ચાઇનામાં અભ્યાસ માટે ગયેલા છે તે વાલી-પરિવારો પોતાના બાળકોની ત્યાંની વિગતો તથા તેમને ગુજરાત પરત લાવવાની વ્યવસ્થાઓ માટે ગુજરાત રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરનો સંપર્ક કરી શકશે.

આ હેતુસર જે સંપર્ક નંબરો જાહેર કરવામાં આવ્યા છે તે મુજબ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના કંટ્રોલરૂમ ૦૭૯-૨૩૨૫૧૯૦૦ તેમજ નાયબ કલેકટર ૯૯૭૮૪૦૫૭૪૧, ૯૦૯૯૦૧૬૨૧૩ અને મામલતદાર ૯૯૭૮૪૦૫૭૪૩નો સંપર્ક કરી વિગતો આપી શકાશે. કોરોના વાયરસને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં જો ચાઇનાથી આ વિદ્યાર્થીઓ ગુજરાત પરત આવવા ઇચ્છતા હોય તો તેમને મદદ અને જરૂરી વ્યવસ્થાઓ તથા સ્વાસ્થ્ય સુરક્ષાની વ્યવસ્થા પણ રાજ્ય સરકાર વિદેશ મંત્રાલય અને ભારત સરકારના પરામર્શમાં રહીને હાથ ધરે તેવી સૂચના વિજય રૂપાણીએ મુખ્ય સચિવને આપી છે.

આ હેતુસર, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને પ્રાપ્ત થતી વિગતો ભારત સરકાર અને વિદેશ મંત્રાલયને મોકલીને ચાઇનાથી ગુજરાતના યુવાનોને પરત લાવવાની જરૂરી વ્યવસ્થાઓનું સંકલન હાથ ધરવામાં આવશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, આવા વિદ્યાર્થીઓને ગુજરાત-ભારત પરત આવ્યા બાદ જરૂર જણાયે જરૂરી આરોગ્ય સારવાર અને પરિક્ષણ માટે આરોગ્ય વિભાગમાં ડા. ઉમંગ મિશ્રા ૯૮૭૯૫૪૯૫૧૬ તથા ૦૭૯-૨૩૨૫૦૮૧૮ ટેલિફોન નંબર ઉપર સંપર્ક કરવાથી આરોગ્ય સેવાઓ મળશે.

ચીનમાં ખતરનાક બનેલા વાયરસથી સર્જાયેલી Âસ્થતિમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓની મદદ અને સહાય માટે ગુજરાત સરકાર સજ્જ બની ચુકી છે. જે વાલી પરિવારોના બાળકો ચીનમાં અભ્યાસ માટે ગયેલા છે તે વાલી પરિવારો બાળકોની વિગતો તથા તેમને ગુજરાત પરત લાવવાની વ્યવસ્થા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનો સંપર્ક કરી શકશે. સંપર્ક નંબર નીચે મુજબ છે.
સ્ટેટ ઇમરજન્સી સેન્ટર
સ્ટેટ ઓપરેશન સેન્ટર ૦૭૯-૨૩૨૫૧૯૦૦
નાયબ કલેક્ટર ૯૯૭૯૪૦૫૭૪૧, ૯૦૯૯૦૧૬૨૧૩
મામલતદાર ૯૯૭૮૪૦૫૭૪૩
આરોગ્ય સારવાર પરીક્ષણ
ઉમંગ મિશ્રા ૯૮૭૯૫૪૯૫૧૬


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.