ભારતીય ઓટીટી પર હાર્ટલૅન્ડ કથાઓ વધુ સફળ થઈ
મુંબઈ, ભારતમાં ઓટીટી પ્લેટફોર્મ્સ પર વિવિધ પ્રકારનું ભારતીય અને વિદેશી કન્ટેન્ટ આવતું હોય છે, પરંતુ તેમાં નાના શહેરોની વાર્તાઓ જ સૌથી વધુ લોકપ્રિય થઈ છે.
હાર્ટલૅન્ડ સાગા સૌથી વધુ ટ્રેન્ડમાં રહેતું જોનર બની ગયું છે. પંજાબના ધુમ્મસભર્યા ખેતરો હોય કે બિહારની ધૂળભરી ગલીઓ, માટીની સુગંધ ધરાવતી કથાઓ સ્ટ્રીમિંગ ચાટ્ર્સ પર ટોચ પર રહી છે. તાજેતરમાં નેટફ્લિક્સની પંજાબી ક્રાઇમ ડ્રામા કોહરા (સીઝન ૨) તેનું ઉત્તમ ઉદાહરણ છે – નાનાં શહેરોનાં રહસ્યો અને ઉંડી તપાસને જોડતી આ સિરીઝ મોટા ટ્રેન્ડનો ભાગ છે.
લાંબા સમય સુધી ઓટીટી પર મેટ્રો શહેરોની ગ્લેમરસ કથાઓ છવાયેલી હતી – સ્ટાર્ટઅપ કલ્ચર, ગ્લાસી એપાર્ટમેન્ટ્સ અને શહેરી રોમાન્સ. પરંતુ સર્જકોને સમજાયું છે કે ખરેખરનો ડ્રામા, કાચી લાગણીઓ અને જટિલ પાત્રો તો શહેરોની બહાર, ગામડાં અને નાનાં શહેરોમાં વસે છે.બદલાવ કેમ આવ્યો? જવાબ સરળ છે – ‘મૂળ’. શહેરોમાં વસતા મોટા ભાગના લોકો મૂળ નાનાં શહેરો કે ગામડાંમાંથી આવે છે.
જ્યારે તેઓ સ્ક્રીન પર પોતાની માટીની વાર્તા જુએ છે, ત્યારે તરત જોડાણ અનુભવે છે. આ ફેરફાર પછી આપણને મળી મિર્ઝાપુર – જ્યાં ઉત્તર પ્રદેશના નાનાં શહેરમાં સત્તા, રાજકારણ અને ગુનાખોરીની ટક્કર અને સંઘર્ષકથા છે. તે ફક્ત ગન અને ગેંગવાર વિશે નહોતી; તે મહત્ત્વાકાંક્ષા, વારસો અને જાતિ સમીકરણોની વાત કરતી હતી.
આ સિરીઝના એક્ટર પંકજ ત્રિપાઠી, જે પોતે બિહારના ગોપાલગંજમાંથી આવે છે, તેઓ એક ઇન્ટરવ્યુમાં કહે છેઃ “૯૫ ટકા લોકો ગામડાં કે નાનાં શહેરોમાંથી આવે છે. આ તો આપણી પોતાની વાર્તાઓ છે – હિંદુસ્તાનની વાર્તાઓ.”પછી આવી પાતાલ લોક, જેણે ક્રાઇમ અને મીડિયાના રાજકારણ અને ગ્રામ્ય-અર્ધશહેરી ભારતની સામાજિક જટિલતાઓ દર્શાવી. આશ્રમે અંધશ્રદ્ધા, રાજકારણ અને સત્તાનાં કૌભાંડોને ઉજાગર કર્યા, જ્યારે મહારાનીએ બિહારના રાજકારણથી પ્રેરિત કથામાં એક ગૃહિણીએ સત્તાની દુનિયામાં પ્રવેશ કર્યાે તે બતાવ્યું.
ખાકીઃ ધ બિહારમાં ચૅપ્ટરે પોલીસ અને ગુનેગારની ક્લાસિક લડતને બિહારની સામાજિક-રાજકીય હકીકત સાથે રજૂ કરાઈ હતી અને જામતારાઃ સબકા નંબર આયેગાએ ઝારખંડના નાનાં શહેરને ફિશિંગ સ્કેમ્સના કેન્દ્ર તરીકે બતાવી યુવાનોની મહત્ત્વાકાંક્ષા અને નૈતિક દ્વંદ્વ રજૂ કર્યું.એવું નથી કે હાર્ટલેન્ડની કથાઓ માત્ર ક્રાઇમ સ્ટોરી જ છે.
પંચાયત – ફુલેરા નામના કલ્પિત યુપીનાં ગામની સાદગીમાં સુંદરતાની વાત કરે છે. અહીં મોટી ગોળીબારી કે ગુનાખોરી નથી; રોજિંદી સમસ્યાઓ, નટખટ ગામલોકો અને એક શહેરથી આવેલો સચિવ છે. લેખક ચંદન કુમાર કહે છે કે ગામડાનું કેન્વાસ જ વાર્તાનો સ્વર બદલી નાખે છે.તે જ રીતે ગુલ્લક મધ્યવર્ગીય નાનાં શહેરના પરિવારમાંની હળવી-હૃદયસ્પર્શી ક્ષણોને જીવંત કરે છે.
ત્રણ વખત રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સ્વાનંદ કિર્કિરે, જેમની તાજેતરની સિરીઝ બેન્ડવાલા પણ હાર્ટલૅન્ડ કથાઓને સ્પર્શે છે. મિર્ઝાપુરથી લઈને પંચાયત સુધી, અલગ અલગ પ્રકારની આ સિરીઝ ભારતના નોન-મેટ્રો આત્માના ઊંડાણને સ્પર્શે છે – ક્યાંક કર્કશ ગુનાખોરી, ક્યાંક માટીની સુગંધવાળું હાસ્ય અને ક્યાંક ગૂંચવાયેલા કુટુંબ સંબંધો. આ સિરીઝ આપણને યાદ અપાવે છે કે હાર્ટલૅન્ડ ફક્ત અંધકાર નથી; તેમાં હુંફ, સંઘર્ષશક્તિ અને સમૂહજીવનની મીઠાશ પણ છે.SS1MS
