Western Times News

Gujarati News

ગુજરાતના પત્રકારત્વ જગતના જાણીતા પીઢ પત્રકાર આર.કે. મિશ્રાનું નિધન

એન્જિનિયર બનવાના બદલે પત્રકાર બન્યા અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા મિશ્રાજી દેવાનંદના મોટા ચાહક હતા.

૧૯૬૭-૬૮માં તેમને ‘ગુજરાત હેરાલ્ડ’માં આસિસ્ટન્ટ પ્રૂફ રીડર તરીકે પહેલી નોકરી મળી. અહીંથી શરૂ થયેલી તેમની સફર ‘વેસ્ટર્ન ટાઈમ્સ’ અને ત્યારબાદ ૧૯૭૩માં ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ સુધી પહોંચી હતી.

અમદાવાદ: ગુજરાતના પત્રકારત્વ જગતમાં છેલ્લા છ દાયકાથી પોતાની શાનદાર અંગ્રેજી લેખની અને નિર્ભીક રિપોર્ટિંગ માટે જાણીતા પીઢ પત્રકાર આર.કે. મિશ્રાનું આજે વહેલી સવારે નિધન થયું છે. ૭૬ વર્ષના આર.કે. મિશ્રા છેલ્લા કેટલાક સમયથી પ્રોસ્ટેટ કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડી રહ્યા હતા.

પત્રકારત્વના વ્યવસાયમાં ‘મિશ્રા સર’ તરીકે આદર પામેલા આ દિગ્ગજ પત્રકારના અવસાનથી મીડિયા જગતમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. તેઓ પોતાના પાછળ પત્ની મીનાક્ષી, પુત્રી રાશિ અને પુત્ર શિખર સહિતનો પરિવાર છોડી ગયા છે. જન્મભૂમિ ઉત્તર પ્રદેશ પણ કર્મભૂમિ ગુજરાત રહી ૫ ફેબ્રુઆરી ૧૯૫૦ના રોજ જન્મેલા આર.કે. મિશ્રા મૂળ ઉત્તર પ્રદેશના ક્રાંતિકારી ગામ બદરખાના વતની હતા.

તેમના પૂર્વજો ગ્વાલિયર સ્ટેટમાં સૈન્યમાં ફરજ બજાવતા હતા, પરંતુ બાદમાં તેઓ જામનગર સ્ટેટમાં સ્થાયી થયા હતા. મિશ્રાજીનું નામકરણ દેશના પ્રથમ સેનાધ્યક્ષ જનરલ રાજેન્દ્રસિંહજીએ કર્યું હતું. મિશ્રાજી પોતે પણ લશ્કરમાં જોડાવા માંગતા હતા, પરંતુ કૌટુંબિક કારણોસર તેઓ પત્રકારત્વમાં આવ્યા. એન્જિનિયર બનવાના બદલે પત્રકાર બન્યા અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા મિશ્રાજી દેવાનંદના મોટા ચાહક હતા.

ફિલ્મી જ્ઞાનના કારણે તેમની ઓળખ પત્રકાર રાજેન્દ્ર સેઠ સાથે થઈ અને ૧૯૬૭-૬૮માં તેમને ‘ગુજરાત હેરાલ્ડ’માં આસિસ્ટન્ટ પ્રૂફ રીડર તરીકે પહેલી નોકરી મળી. અહીંથી શરૂ થયેલી તેમની સફર ‘વેસ્ટર્ન ટાઈમ્સ’ અને ત્યારબાદ ૧૯૭૩માં ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ સુધી પહોંચી હતી.

રાજકોટ અને સુરતમાં ધાકડ રિપોર્ટિંગ મિશ્રાજીએ ૧૯૭૯ થી ૧૯૮૪ દરમિયાન રાજકોટમાં રહીને સૌરાષ્ટ્ર-કચ્છના સ્મગલરો, મટકા કિંગ્સ અને ૧૯૭૯ની મચ્છુ ડેમ હોનારતનું યાદગાર કવરેજ કર્યું હતું. તેઓ કહેતા કે “મને આંખે પાટા બાંધીને સૌરાષ્ટ્રમાં ગમે ત્યાં છોડી દો, હું બે કલાકમાં પેજ-૧ ની સ્ટોરી શોધી લાવીશ.” ત્યારબાદ તેઓ સુરત સર્કિટ હાઉસના રૂમ નંબર ૨૫ માં ત્રણ વર્ષ સુધી રહીને દક્ષિણ ગુજરાતના સમાચારો આપતા રહ્યા.

કટોકટીના સમયે પંજાબ અને કાશ્મીરમાં જોખમી કવરેજ ૧૯૮૭માં તેઓ દિલ્હી ગયા અને ‘પ્રોબ ઇન્ડિયા’ તથા ‘માયા’ મેગેઝિન માટે આતંકવાદના સમયમાં પંજાબ અને કાશ્મીરમાં ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું. ૧૯૯૧માં તેઓ ‘પાયોનિયર’ના સ્પેશિયલ કોરેસ્પોન્ડન્ટ તરીકે અમદાવાદ પરત ફર્યા હતા.

મિશ્રાજીના અમર કિસ્સા અને ‘વર્ડસ્મિત’ની ઓળખ પોતાની જાતને ‘વર્ડસ્મિત’ (શબ્દોના ઘડવૈયા) કહેવાનું પસંદ કરતા મિશ્રાજી કિસ્સાના રસિયા હતા. ૧૯૮૩માં પ્રિન્સ ફિલિપના ગીર પ્રવાસ સમયે વન વિભાગે પત્રકારોને રોકવા કરેલા પ્રયાસોને નિષ્ફળ બનાવીને મિશ્રાજીએ જે અહેવાલ આપ્યો હતો તે આજે પણ પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે ઉદાહરણરૂપ છે. તેમની અણીદાર મુંછો અને ફૌજી જેવી ચાલ-ઢાલ તેમની આગવી ઓળખ હતી.

તેમણે ગુજરાત મીડિયા ક્લબ (GMC) ની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને તેઓ તેના સ્થાપક પ્રમુખ રહ્યા હતા. આ ઉપરાંત તેમણે ગાંધીનગરમાં ‘જેવેલ’ (JEWEL) ટ્રસ્ટ દ્વારા પત્રકારો માટે સંદર્ભ સામગ્રીનું મોટું ભંડાર પણ ઉભું કર્યું હતું.

અફસોસ એ વાતનો રહ્યો કે તેઓ પોતાની આત્મકથાના ૬૫,૦૦૦ શબ્દો લખ્યા બાદ તેને પૂર્ણ કરી શક્યા નહીં. આર.કે. મિશ્રાએ ઈન્ટરનેશનલ મીડિયા જેમ કે ગલ્ફ ન્યૂઝ, અરબ ન્યૂઝ અને એપી (Associated Press) માટે પણ કામ કર્યું હતું. તેમના અવસાનથી ગુજરાતના પત્રકારત્વના એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.