અજિત પવારના વિમાન અકસ્માત મુદ્દે ડીજીસીએની મોટી કાર્યવાહી
નવી દિલ્હી, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન અકસ્માત મુદ્દે ડીજીસીએ મોટી કાર્યવાહી કરી છે. ડીજીસીએ જાન્યુઆરી માસમાં બારામતી થયેલા વિમાન દુર્ઘટનાની તપાસ બાદ વીએસઆરના ચાર વિમાન ગ્રાઉન્ડેડ કરવાનો આદેશ આપ્યો છે.
હવે આ વિમાન આગામી સુચના સુધી ઉડાન નહી ભરી શકે. ડીજીસીએ લિયરજેટ ૪૫ વિમાન દુર્ઘટના બાદ હાથ ધરવામાં આવેલા વિશેષ સલામતી ઓડિટમાં અનેક ઉલ્લંઘનો બહાર આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ત્રણ વર્ષમાં વીએસઆર એવિએશન અને લિયરજેટ ૪૫ મોડેલ સાથે જોડાયેલી આ બીજી ગંભીર દુર્ઘટના છે.આ અંગે ડીજીસીએ પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે, ૨૮.૦૧.૨૦૨૬ ના રોજ બારામતી ખાતે મેસર્સ વીએસઆર વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડના લિયરજેટ ૪૫ એરક્રાફ્ટના અકસ્માત બાદ વિશેષ સલામતી ઓડિટનો આદેશ આપ્યો હતો.
વિવિધ શાખાઓના નિષ્ણાત ટીમે સંસ્થામાં ઉડાન યોગ્યતા, હવાઈ સલામતી અને ફ્લાઇટ કામગીરી સંબંધિત મંજૂર પ્રક્રિયાઓમાં ઘણી ગેરરીતિઓ શોધી કાઢી હતી.આ ઉપરાંત મેન્ટેનન્સ પ્રક્રિયાઓમાં ખામીઓના પગલે તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જેના લીધે વીટી-વીઆરએ, વીટી-વીઆરએસ, અને વીટી-વીઆરઆઈ રજીસ્ટ્રેશન નંબરો ધરાવતા લીયરજેટ ૪૦/૪૫ વિમાનોને સતત ઉડાન યોગ્યતા ધોરણો પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રના બારામતી અકસ્માત બાદ ડીજીસીએ દ્વારા ચાર્ટર ઓપરેટરો પર દેખરેખ વધારવામાં આવી છે. ડીજીસીએ હાલમાં દેશના તમામ બિન-શિડ્યુલ્ડ ઓપરેટરોનું તબક્કાવાર ઓડિટ કરી રહ્યું છે. જેમાં ખાસ કરીને મેન્ટેનન્સ અને સલામતી પ્રક્રિયાઓના પાલન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.SS1MS
