Western Times News

Gujarati News

નસવાડીના કુપ્પા ગામની વાસ્તવિકતા -હોસ્પિટલ પહોંચે તે પહેલા જ કાચા રસ્તે જન્મ્યું બાળક

પ્રતિકાત્મક

૧૦૮ એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી જ ન શકી -૧૦૮ એમ્બ્યુલન્સ છોટીઉંમર ગામના સીમાડે પાકા રોડ ઉપર ઊભી રહી હતી.

નસવાડી,  ટેકનોલોજી અને વિકાસના આ યુગમાં પણ ગુજરાતના અંતરિયાળ ગામડાઓની સ્થિતિ કેટલી દયનીય છે તેનો પુરાવો નસવાડી તાલુકાના કુપ્પા ગામે પૂરો પાડ્યો છે.

પાકા રસ્તાના અભાવે એક સગર્ભા મહિલાને ગ્રામજનોએ એક કિલોમીટર સુધી ઝોળીમાં ઊંચકીને ચાલવું પડ્યું હતું. કમનસીબી તો એ રહી કે હોસ્પિટલ પહોંચતા પહેલા જ કાચા રસ્તે ડર અને પીડા વચ્ચે બાળકનો જન્મ થયો હતો.

મળતી મહિતી અનુસાર, કુપ્પા ગામની એક સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. પરંતુ ગામને જોડતો પાકો રસ્તો ન હોવાથી એમ્બ્યુલન્સ ગામના પાદર સુધી આવી શકી નહોતી. જોકે, ૧૦૮ એમ્બ્યુલન્સ છેક છોટીઉંમર ગામના સીમાડે પાકા રોડ ઉપર ઊભી રહી હતી.

ગામથી ૧૦૮ સુધી પહોંચવા માટે કોઈ સાધન જઈ શકે તેમ ન હોવાથી ગ્રામજનોએ સગર્ભાને ઝોળીમાં નાખીને એક કિલોમીટર સુધી કાચા રસ્તે પગપાળા લઈ જવાની ફરજ પડી હતી. સગર્ભાની કમનસીબી એટલી હદે હતી કે તે એમ્બ્યુલન્સ સુધી પહોંચે તે પહેલા જ રસ્તામાં પ્રસૂતિ થઈ ગઈ હતી.

પ્રસૂતિ બાદ માતા અને નવજાત બાળકને છોટીઉંમર ગામના સીમાડે ઉભેલી ૧૦૮ એમ્બ્યુલન્સમાં સોંપવામાં આવ્યા હતા. હાલમાં માતા અને બાળક બંને સારવાર હેઠળ છે.

કુપ્પા ગામના ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ગામ અને શાળાને જોડતો આ રસ્તો છેલ્લા એક વર્ષથી બનાવવામાં આવ્યો નથી.

જો કુપ્પા ગામ સુધી પાકો રસ્તો હોત, તો એમ્બ્યુલન્સ સીધી ઘર સુધી પહોંચી હોત અને આવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ ન થયું હોત.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.