ભારત અને કેનેડા વચ્ચે ૨.૬ અબજ ડોલરનો ઐતિહાસિક યુરેનિયમ સોદો
નવી દિલ્હી, કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીની ચાર દિવસની ભારત યાત્રાને પગલે બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોનો નવો અધ્યાય શરૂ થયો છે. ભારત અને કેનેડાએ એક ઐતિહાસિક સમજૂતી અંતર્ગત ૨.૬ અબજ ડોલરના યુરેનિયમ તથા દુર્લભ ખનીજોના કરાર પર હસ્તાક્ષર કર્યાં હતાં.
ભારતની ચાર દિવસની યાત્રાએ આવેલા કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને દેશો વચ્ચેના આર્થિક ભાગીદારી કરારને ચાલુ વર્ષે મંજૂરી આપવા ઉપરાંત ૨૦૩૦ સુધીમાં દ્વિપક્ષીય વેપાર વધારીને ૫૦ અબજ ડોલરે પહોંચાડવાની જાહેરાત કરી હતી.
યુરેનિયમ અને દુર્લભ ખનીજો ઉપરાંત બંને દેશો વચ્ચે ઈન્ડિયા-કેનેડા કોમ્પ્રીહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (સીઈપીએ)ની શરતો સહિત છ અન્ય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાયાં હતાં. બંને દેશોના વડાઓ વચ્ચે સંરક્ષણ, મહત્વની ટેન્કોલોજીસ, નાના અને મોડ્યુલર ન્યૂક્લિયર રિએક્ટર્સ, શિક્ષણ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ તથા રિન્યુએબલ એનર્જી સહિતના વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારીને વધુ મજબૂત અને વ્યાપક બનાવવાનો પણ નિર્ધાર વ્યક્ત કરાયો હતો.
આ ઉપરાંત બંને દેશોએ ઉર્જા ક્ષેત્રે નવી ભાગીદારીની જાહેરાત કરી એલએનજી, પીએનજી, યુરેનિયમ, સોલાર તથા હાઈડ્રોજન ઉર્જા ક્ષેત્રે સાથે મળીને કામ કરવા સહમતિ દાખવી હતી. આ ભાગીદારી અંતર્ગત ભારત સરકાર અને સાસ્કાટૂન સ્થિત કેમેકો વચ્ચે ૨.૬ અબજ ડોલરનો કરાર કરાયો હતો.આ કરાર હેઠળ ભારતને ૨૦૨૭-૨૦૩૫ દરમિયાન ઉર્જા ઉત્પાદન માટે ૨૨ મિલિયન પાઉન્ડ યુરેનિયમનો જથ્થો પૂરો પાડશે.
આર્થિક બાબતોમાં સહયોગ સાધવાની સાથે જ બંને દેશોએ ત્રાસવાદ, કટ્ટરવાદ તથા ઉગ્રવાદને સમગ્ર માનવ જાત માટે પડકાર ગણાવી વૈશ્વિક શાંતિ માટેના ઉપાયો હાથ ધરવા નિર્ધાર વ્યક્ત કર્યાે હતો. બંને વડાઓએ મધ્ય-પૂર્વમાં ચાલી રહેલી લડાઈ અંગે પણ ચર્ચા કરી રાજદ્વારી સંવાદ દ્વારા શક્ય તેટલી ઝડપથી શાંતિ બહાલ કરવાની અપીલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમારું લક્ષ્ય ૨૦૩૦ સુધીમાં દ્વિપક્ષીય વેપારને ૫૦ અબજ ડોલર સુધી પહોંચાડવાનું છે.
બંને દેશોના આર્થિક સહયોગની ક્ષમતાનો સંપૂર્ણ લાભ લેવાને સર્વાેચ્ચ પ્રાથમિકતા અપાશે. હાલમાં બંને દેશો વચ્ચે આશરે ૧૩ અબજ ડોલરનો વેપાર થાય છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેનેડાના પીએમ માર્ક કાર્નીએ સોમવારે ઈન્ડિયા-કેનેડા સીઈઓ ફોરમમાં ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ બંને દેશોના સંબંધોને ક્રિકેટ સાથે સાંકળ્યાં હતાં. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, હાલમાં ભારતમાં રમાઈ રહેલાં ટી૨૦ વર્લ્ડ કપમાં કેનેડાની ટીમને રમતાં જોઈ આનંદ થયો હતો.SS1MS
