Western Times News

Gujarati News

રાજકોટમાં ડ્રીમ સિટી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ભીષણ આગ લાગી

નવી દિલ્હી, રાજકોટ શહેરના મવડી-કણકોટ મેઇન રોડ પર આવેલા ‘ડ્રીમ સિટી’ એપાર્ટમેન્ટમાં ગત મોડી રાત્રે આગની એક ભયાનક ઘટના સામે આવી છે. એપાર્ટમેન્ટના પાર્કિંગમાં શોર્ટ સર્કિટના કારણે ફાટી નીકળેલી આગમાં અંદાજે ૩૦ જેટલા ટુ-વ્હીલર વાહનો બળીને ખાખ થઈ ગયા હતા.

જોકે, ફાયર બ્રિગેડની સતર્કતાને કારણે બિલ્ડિંગમાં ફસાયેલા બે વ્યક્તિઓના જીવ બચાવી લેવાયા હતા અને મોટી જાનહાનિ ટળી હતી.ઘટનાની વિગત મુજબ, ૨ માર્ચની મોડી રાત્રે અંદાજે ૧૨ઃ૪૦ વાગ્યે ડ્રીમ સિટી એપાર્ટમેન્ટની ‘ઈ’ વિંગના પાર્કિંગમાં અચાનક આગ લાગી હતી. રહેવાસીઓ જ્યારે નિદ્રાધીન હતા ત્યારે અચાનક ધુમાડાના ગોટા અને ફટાકડા જેવા અવાજો આવતા લોકોમાં ફાળ પડી હતી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પાર્કિંગમાં આવેલા ઇલેક્ટ્રિક મીટરમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આ આગ લાગી હતી, જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.આગની જાણ થતા જ મવડી ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઇટરોએ સતત ૪૦ મિનિટ સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

આગમાં ૨૫ થી ૩૦ ટુ-વ્હીલર અને ૫ થી ૭ સાયકલો સંપૂર્ણપણે બળી ગઈ હતી. ફાયર બ્રિગેડની સમયસૂચકતાને કારણે પાર્કિંગમાં રહેલી ૪૦ જેટલી કાર અને અન્ય ૧૦ ટુ-વ્હીલરને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા હતા.આગને પગલે બિલ્ડિંગનો પાવર સપ્લાય કાપી નાખવામાં આવ્યો હતો, જેના કારણે લિફ્ટ બંધ થઈ ગઈ હતી.

આ દરમિયાન નવમા માળે રહેતા બીમાર વૃદ્ધા શોભનાબેન અને આઠમા માળે રહેતા દિવ્યાંગ યુવાન પિન્ટુભાઈ કાલરીયા ફસાઈ ગયા હતા. ધુમાડાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમની હાલત કટોકટીભરી બની હતી.

જોકે, ફાયર વિભાગના જવાનોએ સ્ટ્રેચરની મદદથી સીડીઓ મારફતે બંનેને સુરક્ષિત નીચે ઉતાર્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.રાજકોટના ભરચક રહેણાંક વિસ્તારમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર ઇલેક્ટ્રિક વાયરિંગ અને ફાયર સેફ્ટીના મહત્વને ઉજાગર કર્યું છે. સદનસીબે, ફાયર બ્રિગેડના સ્ટાફની ત્વરિત કામગીરીને કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ વાહન માલિકોને આર્થિક રીતે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.