ઈઝરાયેલે ટ્રાફિક સીસીટીવી હેક કરી ખામેનેઈ પર નિશાન સાધ્યું હતું
નવી દિલ્હી, ઈઝરાયેલે કરેલા ઈરાન પર હુમલામાં તેમના સર્વાેચ્ચ લીડર આયાતુલ્લા અલી ખામેનેઇનું મોત થયું હતું. હવે ખામેનેઈના મોતના લઈને હવે મહત્વપૂર્ણ ખુલાસા થઈ રહ્યા છે.
ઈઝરાયેલે ઘણા વર્ષાેથી આ હુમલાની તૈયારી કરી હતી. તેમની ગુપ્તચર સંસ્થા મોસાદ અને યુનિટ ૮૨૦૦ એ તેહરાનના લગભગ તમામ ટ્રાફિક કેમેરા હેક કરી લીધા હતા. આ કેમેરાની તસવીરો એન્ક્રિપ્ટ કરીને તેલ અવીવ અને દક્ષિણ ઈઝરાયેલના સર્વર પર મોકલવામાં આવતી હતી.અમેરિકાની ગુપ્તચર સંસ્થા સીઆઈએએ પણ આ ઓપરેશનમાં મદદ કરી હતી.
તેમાં એક ખાસ કેમેરો હતો, જેનાથી ખબર પડતી હતી કે વરિષ્ઠ અધિકારીઓના બોડીગાર્ડ અને ડ્રાઈવરો તેમના ખાનગી વાહનો ક્યાં પાર્ક કરે છે. આ કેમેરાઓ દ્વારા ઈઝરાયેલને ઈરાનના અધિકારીઓ વિશે ઘણી માહિતી મળી, જેમ કે તેમનું ઘર ક્યાં છે, તેઓ ક્યારે ફરજ પર આવે છે, કયો રસ્તો લે છે અને સૌથી મહત્વની વાત એ છે કે તેઓ કયા નેતાની સુરક્ષા કરે છે.
ઇન્ટેલિજન્સની ભાષામાં તેને ‘પેટર્ન ઓફ લાઈફ’ કહેવામાં આવે છે. આ માહિતી ઈઝરાયેલને ખામેનેઈની હત્યા માટે ખૂબ કામ લાગી. ઈઝરાયેલ અને સીઆઈએ એ અન્ય ઘણી રીતે પણ ગુપ્ત માહિતી એકઠી કરી હતી. ઈઝરાયેલે પાશ્ચર સ્ટ્રીટની આસપાસના મોબાઈલ ટાવર પણ હેક કર્યા હતા, જેથી હુમલા સમયે ફોન વ્યસ્ત દેખાય અને સુરક્ષા ટીમને કોઈ ચેતવણી ન મળે.
મીડિયા અહેવાલ અનુસાર, ૨૮ ફેબ્રુઆરીને શનિવારની સવારે જ્યારે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈ તેહરાનમાં તેમના કાર્યાલયમાં ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરી રહ્યા હતા, ત્યારે અમેરિકા અને ઈઝરાયેલે મળીને હુમલો કર્યાે હતો. આ હુમલો તેહરાનની પાશ્ચર સ્ટ્રીટ પાસેના તેમના કાર્યાલય પર થયો હતો. હુમલો એટલો સચોટ હતો કે ખામેનેઈ પાસે બચવાનો કોઈ રસ્તો નહોતો. આ હુમલામાં ઈરાની સેનાના અનેક ઉચ્ચ અધિકારીઓ માર્યા ગયા હતા.
એટલું જ નહીં, ખામેનેઈના આખા પરિવારનું નામનિશાન મટી ગયું. ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુના બે દિવસ બાદ તેમની પત્ની મન્સૂરેહ ખોઝસ્તેહ બઘેરઝાદેહનું પણ નિધન થયું છે.ઈઝરાયેલના એક ઇન્ટેલિજન્સ ઓફિસરે કહ્યું કે તેઓ તેહરાનને તેટલી જ સારી રીતે જાણે છે જેટલી સારી રીતે જેરૂસલેમને જાણે છે. જ્યારે તમે કોઈ જગ્યાને આટલી નજીકથી જાણતા હોવ, ત્યારે ત્યાંની નાની ગરબડ પણ નજરે પડી જાય છે.
આ બધું ઈઝરાયેલની યુનિટ-૮૨૦૦(સિગ્નલ ઇન્ટેલિજન્સ), મોસાદના હ્યુમન સોર્સ અને મિલિટરી ઇન્ટેલિજન્સના ડેટા દ્વારા શક્ય બન્યું. તેમણે ‘સોશિયલ નેટવર્ક એનાલિસિસ’ નામની ગાણિતિક પદ્ધતિથી અબજો ડેટા પોઈન્ટ્સને ફિલ્ટર કર્યા અને નવા ટાર્ગેટ શોધ્યા. ઈઝરાયેલમાં ‘ટાર્ગેટિંગ ઇન્ટેલિજન્સ’ ખૂબ મહત્વનું છે; જો કોઈને ખતમ કરવાનો નિર્ણય લેવામાં આવે, તો ઇન્ટેલિજન્સ તેને પૂર્ણ કરવા માટે તૈયાર થઈ જાય છે.SS1MS
