Western Times News

Gujarati News

મહીસાગર નદીમાં ઝેરી દવા નાખી ઝીંગા-માછલી મારવાનો આક્ષેપ

વડોદરા, વડોદરા જિલ્લામાં વહેતી પવિત્ર મહીસાગર નદીમાં કેટલાક અજાણ્યા લોકો દ્વારા ઝેરી પ્રવાહી/દવા નાખીને જળચર પ્રાણીઓને મારી તેમનો વ્યાપાર કરવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો થયા છે. નદી કિનારે મોટી સંખ્યામાં માછલી-ઝીંગા મૃત હાલતમાં જોવા મળ્યા છે.

સામાજિક કાર્યકરના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે કેટલાક લોકો નદીમાં ઝેરી દવા નાખીને ઝીંગા અને માછલીઓ મારતા હોવાનો સંદેહ છે. દાવા મુજબ રાત્રે લગભગ ૯ થી ૧૦ વાગ્યાના સમય દરમિયાન ઝેરી દવા નદીમાં નાખવામાં આવે છે અને ત્યારબાદ રાત્રે ૧૨ થી ૨ વાગ્યાની વચ્ચે તે લોકો નદીમાંથી મૃત અથવા બેભાન થયેલા ઝીંગા અને માછલીઓ એકત્ર કરી લઈ જાય છે. આ જ ઝીંગા-માછલીઓ બાદમાં બજારમાં વેચવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

કેટલાક લોકો આ મૃત ઝીંગા-માછલીઓ એકત્ર કરીને ખોરાક તરીકે ઉપયોગ કરતા હોવાની માહિતી પણ સામે આવી છે, જે આરોગ્ય માટે જોખમી બની શકે છે. મહત્વની બાબત એ છે કે, મહીસાગર નદીનું પાણી વડોદરા અને આણંદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણી તરીકે પણ પહોંચે છે.

આવી સ્થિતિમાં નદીમાં ઝેરી દવા નાખવામાં આવે તો તે પાણી પીવાથી નાગરિકોના આરોગ્ય પર ગંભીર અસર થવાની શક્્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સામાજિક કાર્યકરોનો દાવો છે કે, છેલ્લા એક મહિનામાં ત્રણથી ચાર વખત આવી ઘટનાઓ બની હોવાની માહિતી મળી રહી છે.

તેઓએ વડોદરા અને આણંદના જિલ્લા કલેક્ટરને આ મામલે તાત્કાલિક તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની તેમજ નદીના પાણીના સેમ્પલ લઈને પરીક્ષણ કરાવવાની માગ કરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.