Western Times News

Gujarati News

નિવૃત્ત શિક્ષિકાના ખાતામાંથી ભાણિયાએ જ ગેમ રમવા 10 લાખ ટ્રાન્સફર કરી લીધા

મેઘરજના રાંજેડીમાં નિવૃત્ત શિક્ષિકા સાથે રૂ.૧૦ લાખથી વધુની છેતરપિંડી-ભાણિયાએ યુપીઆઈ મારફતે રૂપિયા ટ્રાન્સફર કર્યા

મેઘરજ, અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રાંજેડી ગામે નિવૃત્ત શિક્ષિકા સાથે વિશ્વાસઘાત અને ઓનલાઈન છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ ગેમ રમવાના બહાને મોબાઈલ લઈ ભાણિયાએ યુપીઆઈ મારફતે આશરે રૂ.૧૦.૧૮ લાખ રૂપિયા પોતાના તથા ઓળખીતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે.

રાંજેડી ગામે રહેતી નિવૃત્ત શિક્ષિકા મધુબેન અરવિંદભાઈ ભગોરા દ્વારા મેઘરજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની બહેન કિરણબેન એ જ ગામમાં રહે છે. બહેનનો દિકરો નિખિલ હિમાંશુભાઈ ભગોરા અવારનવાર તેમના ઘરે ટીવી જોવા આવતો હતો અને મોબાઈલમાં ગેમ રમવાની વાત કરી મોબાઈલ માંગતો હતો.

આ દરમિયાન ગેમ રમવાના બહાને નિખિલે મોબાઈલમાં ગૂગલ પે અને ફોન પે જેવી યુપીઆઈ સેવાઓ ચાલુ કરી દીધી હતી. ત્યારબાદ ફરિયાદીની જાણ બહાર અલગ-અલગ તારીખે તેમના સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, મેઘરજ શાખાના ખાતામાંથી રૂ.૯,પપ,૩૯૯ અને એક્સિસ બેન્ક, મેઘરજ શાખામાંથી રૂ.૬૩,૧૩પ મળી કુલ રૂ.૧૦,૧૮,પ૩૪ રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી ઉપાડી લીધા હતા.

પછી નિવૃત્ત શિક્ષિકા બેન્કમાં બેલેન્સ ચેક કરવા ગયા ત્યારે તેમના ખાતામાંથી મોટી રકમ ટ્રાન્સફર થયાની માહિતી મળતા મામલો સામે આવ્યો હતો ત્યારબાદ તેમણે આ અંગે પરિવારજનો સાથે વાતચીત કરી હતી.

પરંતુ યોગ્ય જવાબ ન મળતાં અંતે મેઘરજ પોલીસ સ્ટેશનમાં આરોપી નિખિલ હિમાંશુભાઈ ભગોરા (રહે.રાંજેડી, તા.મેઘરજ) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી સામે ઈન્ફોર્મેશન ટેકનોલોજી (સંશોધન) અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.