ઇરાન બદલો લેશે, હુમલા ચાલુ રાખશેઃ મોજતબા
દુબઈ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાન સાથેનું યુદ્ધ સમેટી લેવાની અધીરાઈ આવી રહી છે ત્યારે ઈરાનમાં યુદ્ધનો ઉન્માદ વધી રહ્યો છે. ઈરાનના નવા સર્વાેચ્ચ નેતા બન્યા પછી મોજતબા ખામેનેઈએ પ્રથમ જાહેર નિવેદન આપ્યું છે.
જેમાં મોજતબાએ પડોશી ખાડી દેશો પર હુમલા ચાલુ રાખવાનું અને યુએસ-ઈઝરાયેલનું નાક દબાવવાની અસરકારક રણનીતિ અંતર્ગત હોર્મુઝ ખાડીને બંધ રાખવાનું એલાન કર્યું છે.
૫૬ વર્ષીય મોજતબા ઈઝરાયેલે કરેલા હુમલામાં ઘાયલ થયા હોવાનું મનાય છે અને તેના કારણે કેમેરા સમક્ષ હાજર થવાના બદલે ટીવી એન્કરે તેમનું નિવેદન વાંચી સંભળાવ્યુ હતું. આ નિવેદનમાં તેમણે યુદ્ધમાં માર્યા ગયેલા લોકોના મોતનો બદલો લેવાનો નિર્ધાર વ્યક્ત કર્યાે હતો અને સ્કૂલ પર થયેલા હુમલામાં ૧૬૫ લોકોનાં મોતનો ઉલ્લેખ કર્યાે હતો. યુદ્ધની સ્થિતિના કારણે સમગ્ર વિશ્વમાં ઈંધણ-ઊર્જાની અછત સર્જાઈ છે ત્યારે હાલાકીમાં વધારો કરવાનો સંકેત મોજતબાએ આપ્યો છે.
ખાડી દેશોમાં મુક્ત રીતે થઈ રહેલા ઈન્ટરનેશનલ ટ્રાવેલને પ્રભાવિત કરવાનો અને ઈરાનના મિસાઈલ પ્રોગ્રામને આગળ વધારવાનો નિર્ધાર ખામેનેઈએ વ્યક્ત કર્યાે છે.
યુદ્ધ શરૂ થયા પછી તેઓ જાહેરમાં એક પણ વાર દેખાયા નથી, પરંતુ ઈરાનના લડાયક જુસ્સાને તેમણે ટકાવી રાખ્યો છે. ઈરાને ખાડી દેશોમાં શિપિંગ ટ્રાફિક અને ઓઈલના કૂવા, સ્ટોરેજ પર હુમલા કરવામાં કોઈ કચાશ રાખી નથી. સામા પક્ષે યુએસ-ઈઝરાયેલ દ્વારા યુદ્ધ જીતાઈ ગયું હોવાના દાવાઓ કરી હુમલાઓની આક્રમકતા વધારવામાં આવી છે. ટ્રમ્પે આ યુદ્ધમાં ધાર્યું ન થાય તો ઈરાનને બરબાદ કરી દેવાની ચીમકી વધુ એક વખત આપી છે.
ઈરાને વૈશ્વિક અર્થતંત્રમાં તણાવ ઊભો કરવાની વ્યૂહરચના અપનાવી છે અને શરતો મૂકવા માંડી છે. ઈરાનને સલામતીની તથા ભવિષ્યમાં હુમલા નહીં કરવાની ખાતરી મળે તો જ યુદ્ધ અટકાવવાનો હુંકાર કરી મોજતબાએ અમેરિકાની હાલત કફોડી કરી છે. અમેરિકા પોતાનો વિજય થયો હોવાનું જાહેર કરી યુદ્ધ રોકવા માગે તો પણ હવે ઈરાન અટકવાનું નથી.SS1MS
