Western Times News

Gujarati News

અમદાવાદના સરખેજમાં અંગત અદાવતમાં જૂથ અથડામણઃ ૧નું મોત

AI Image

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના સરખેજમાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના સરખેજ વિસ્તારમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે ફોનમાં સ્ટેટ્‌સ મુકવા બાબતે બબાલ થઈ હતી જેમાં ખૂની ખેલ ખેલાયો હતો.

જેમાં એક જૂથના લોકોએ અન્ય જૂથ પર છરી વડે હુમલો કરતા ચાર વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી એક યુવકનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સરખેજમાં આવેલા ઠાકોરવાસમાં ગત મોડી રાતે એક એક્ટિવા પર કેટલાક લોકો આવ્યા હતા, જેમણે ત્યાંના લોકો સાથે ઝઘડો કર્યો હતો. જે બાદ એક જ પરિવારના સભ્યો પર હથિયારથી હુમલો કરાયો હતો. આ હુમલામાં કુલ ચાર લોકોને ઇજા પહોંચી હતી. જેમાં ગણેશ ઠાકોર નામના યુવકને પેટમાં છરી મારતા ગંભીર ઇજાના કારણે સ્થળ પર જ મોત થયું હતું. આશિષ ઠાકોર અને મહેશ ભાભર વચ્ચે ઝઘડો થયો હતો. મહેશ ભાભર ઉર્ફે રાજુના માણસોએ હુમલો કર્યાનો આરોપ લાગ્યો છે.

આશિષ ઠાકોરને બચાવવા વચ્ચે પડેલા ગણેશ નામના યુવકનું મોત થયું છે. બે જૂથની અથડામણમાં ૩ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા. દોઢ મહિના પહેલા પણ આશિષ ઠાકોર હુમલો થયો હતો. ઘટનાની જાણ થતાં જ સરખેજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્ત ત્રણ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બનાવ બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. સરખેજ પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે. પોલીસ હાલ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા આરોપીઓને પકડવા તપાસ કરી રહી છે, બીજી તરફ મૃતકના પરિવારે પોલીસની કામગીરી સામે રોષ વ્યક્ત કરી કડક સજાની માંગ કરી છે.

મૃતકના પરિવારજનોએ કહ્યું હતું કે જ્યારે અમે બધા ઘરની બહાર વાત કરવા નીકળ્યા ત્યારે તેમણે અચાનક જ અમારા પર હુમલો કરી દીધો. તેઓ બીજા લોકોને પણ પાછળથી બોલાવીને લાવ્યા હતા અને અચાનક અમને મારીને ભાગી ગયા. અમારા છોકરાના મોત માટે અમને ન્યાય જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.