Western Times News

Gujarati News

વાહન રસ્તા પર ગમે ત્યાં પાર્ક કરશો, તો ટ્રાફિક પોલીસ કાયદેસર ગુનો નોંધી શકે છે

Files Photo

ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવતા તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી-ચીમનચોક મધ્યે અડચણ ઉભી કરનાર કાર ચાલક સામે ગુનો દાખલ

(પ્રતિનિધિ) ભરૂચ, જાહેર માર્ગોને પોતાની જાગીર સમજી બેદરકારીપૂર્વક વાહન પાર્ક કરી ટ્રાફિકજામ સર્જતા તત્વો સામે વાગરા પોલીસે લાલ આંખ કરી છે.વાગરાના વ્યસ્ત ગણાતા ચીમનચોક પાસે પોતાની લક્ઝરી કાર રસ્તાની વચ્ચે ઉભી રાખી અન્ય વાહનચાલકો અને રાહદારીઓ માટે મુશ્કેલી ઉભી કરનાર સુરતના એક શખ્સ વિરુદ્ધ પોલીસે કાયદેસરનો ગુનો નોંધી શિખામણરૂપ કાર્યવાહી કરી છે.

ઘટનાની વિગતો મુજબ, ગત ૧૮ માર્ચ ૨૦૨૬ના રોજ સવારે વાગરાના મુખ્ય એવા ચીમનચોક પાસે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ હતી.સુરતના મોટા વરાછા વિસ્તારનો રહેવાસી નિલેશ બાબુભાઈ સુતરીયાએ પોતાની ટોયોટા કાર નંબર જીજે ૦૫ સીએચ ૮૮૭૩ જાહેર માર્ગ પર ગમે તેમ પાર્ક કરી, બાજુમાં ઉભો રહી તમાશો જોઈ રહ્યો હતો. આ શખ્સની ઘોર બેદરકારીના કારણે અડધો કલાક સુધી ટ્રાફિકના પૈડાં થંભી ગયા હતા અને લોકો ભારે હાલાકીમાં મુકાયા હતા.

એક જવાબદાર નાગરિકે આ અરાજકતા જોઈ તાત્કાલિક ૧૧૨ પર કોલ કરી પોલીસને જાણ કરી હતી. ભરૂચ કંટ્રોલ રૂમ દ્વારા મેસેજ મળતા જ વાગરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મહાવીરસિંહ અભજી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

પોલીસે ત્વરિત પગલાં ભરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો અને ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરનાર નિલેશ સુતરીયા વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધી તેની અટકાયત કરી હતી.

હાલમાં આ કેસની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સુરેશજી ઠાકોર ચલાવી રહ્યા છે.વાગરા પોલીસની આ આક્રમક કાર્યવાહીથી રોડ પર મનસ્વી રીતે વાહનો થોભાવી દેતા લેભાગુ તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જાહેર જનતાની સુખાકારીમાં ખલેલ પહોંચાડનાર કોઈપણ હોય તેને છોડવામાં આવશે નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.