Western Times News

Gujarati News

યુદ્ધની અસર : કંડલા-મુન્દ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ ભાડામાં ૨૦%નો વધારો

પ્રતિકાત્મક

ટાયર અને સ્પેરપાટ્‌ર્સના ભાવમાં પણ ૩થી ૪ ટકાનો વધારો થયો

ડીઝલની અછત અને વધતા ભાવને કારણે ટ્રાન્સપોર્ટ એસોસિએશને ૨૪ માર્ચથી નવા દર અમલી બનાવ્યા

ભૂજ,મિડલ ઈસ્ટના દેશોમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિના કારણે વૈશ્વિક સ્તરે ઉભી થયેલી કટોકટીની સીધી અસર હવે કચ્છના પરિવહન ક્ષેત્ર પર જોવા મળી રહી છે. કંડલા મુન્દ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશન દ્વારા એક સત્તાવાર ‘ટ્રેડ નોટિસ’ જાહેર કરીને ટ્રાન્સપોર્ટેશનના દરોમાં ૨૦%નો ધરખમ વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય પાછળ ડીઝલની અછત અને સતત વધી રહેલા ભાવ મુખ્ય કારણ હોવાનું જણાવાયું છે.

એસોસિએશનના પ્રમુખ ભગીરથસિંહ જી. જાડેજાએ મીડિયાને જણાવ્યું હતું કે, મિડલ ઈસ્ટમાં યુદ્ધને કારણે રિટેલ પંપો પર ડીઝલનો પુરવઠો મર્યાદિત થઈ ગયો છે. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રિયલ ડીઝલના ભાવ વધીને ૧૧૨ રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગયા છે. ટાયર અને સ્પેરપાટ્‌ર્સના ભાવમાં પણ ૩થી ૪ ટકાનો વધારો થયો છે. નિકાસના જહાજો સમયસર મળે અને આયાતી સામાન પર વિલંબ શુલ્ક ન લાગે તે માટે ટ્રાન્સપોર્ટરોએ મોંઘા ભાવે ઇંધણ ખરીદવું પડી રહ્યું છે, જેના કારણે ભાડા વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી.

મળતી વિગત મુજબ, આ નવો વધારો ૨૪ માર્ચ ૨૦૨૬, મંગળવારથી અમલમાં આવશે. એસોસિએશને એવું પણ સ્પષ્ટ કર્યું છે કે, તમામ પેમેન્ટ ૨૪ કલાકની અંદર એડવાન્સ ધોરણે કરવાના રહેશે, કારણ કે અન્ય આનુષંગિક સેવાઓ પણ અત્યારે રોકડમાં જ વ્યવહાર કરી રહી છે. જોકે, એસોસિએશન દ્વારા એવી ખાતરી આપવામાં આવી છે કે જેવી મિડલ ઈસ્ટની પરિસ્થિતિ સામાન્ય થશે, આ ભાવ વધારો પાછો ખેંચી લેવામાં આવશે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.