Western Times News

Gujarati News

ગુજરાતના શહેરોમાં પેટ્રોલ પંપ મોડી રાતથી જ લાંબી કતારો

સરકારની અપીલની અસર નહીં!

અનેક ઈ-કોમર્સ પ્લેટફોર્મની ડિલિવરી સેવાઓને માઠી અસર પડી છે અને કેટલીક જગ્યાએ સેવાઓ સંપૂર્ણ બંધ કરાઈ

મુંબઈ,ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચેના યુદ્ધની માઠી અસર હવે ગુજરાતના રસ્તાઓ પર દેખાઈ રહી છે. રાંધણ ગેસની તંગી બાદ હવે પેટ્રોલ-ડીઝલ પણ નહીં મળે તેવી અફવા વાયુવેગે આખા રાજ્યમાં પ્રસરતા જનજીવન ખોરવાયું છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના પેટ્રોલ પંપો પર વાહનચાલકોની અડધો કિલોમીટર લાંબી કતારો લાગી છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે ભીડને કાબૂમાં લેવા અને બોલાચાલી રોકવા માટે અનેક સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી છે. ગઇકાલ બપોરથી અફવા બાદ સરકારે વારંવાર પેટ્રોલનો પૂરતો જથ્થો હોવાની અપીલ કરી.

તેમ છતાં મોડી રાત સુધી પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી હતી. આજે પણ વહેલી સવારથી જ લોકો વાહનોમાં પેટ્રોલ નંખાવવા માટે કતારમાં લાગી ગયા છે. અફવાને કારણે અમદાવાદમાં જ દરરોજના સરેરાશ ૩૦ લાખ લિટર પેટ્રોલ અને ૬૦ લાખ લિટર ડીઝલના વપરાશ સામે ગઇકાલે જ બમણો ઉપાડ નોંધાયો હોવાનો અંદાજ છે.સરકારે રાજ્યમાં ઈંધણનો પૂરતો બફર સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાવાની જરૂર નથી.

જોકે, જનતાને આ આશ્વાસન પર ભરોસો બેસતો નથી. લોકોને કોરોનાકાળનો એ સમય યાદ આવી રહ્યો છે જ્યારે રેમડેસિવિર ઈન્જેક્શન અને હોસ્પિટલના ખાટલા માટે સરકારી વાયદાઓ વચ્ચે રઝળપાટ કરવો પડ્યો હતો.અછતની ફરિયાદો વચ્ચે ઓલા, ઉબેર અને રેપિડો જેવી કંપનીઓએ ટેક્સી ભાડામાં વધારો કરી દીધો છે. અનેક ઈ-કોમર્સ પ્લેટફોર્મની ડિલિવરી સેવાઓને માઠી અસર પડી છે અને કેટલીક જગ્યાએ સેવાઓ સંપૂર્ણ બંધ કરી દેવાઈ છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.