Western Times News

Gujarati News

ઓરેકલે ભારત સહિત વિશ્વમાંથી ૩૦,૦૦૦ જેટલાં કર્મચારીઓની છટણી કરી

ટેક્સાસ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના આગમનને પગલે આઈટી ક્ષેત્રે છટણીઓનો દોર વધુ ઝડપી બની રહ્યો છે. અમેરિકા સ્થિત વિશ્વની જાણીતી સોફ્ટવેર કંપની ઓરેકલે ભારત સહિત વિશ્વભરમાં કાર્યરત તેના કર્મચારીઓની સંખ્યામાં મોટા પાયે ઘટાડાનો વધુ એક રાઉન્ડ શરૂ કર્યાે છે.

મળતાં અહેવાલો અનુસાર, સોફ્ટવેર જાયન્ટ ઓરેકલે એક જ ઝાટકે આશરે ૨૦થી ૩૦,૦૦૦ જેટલાં કર્મચારીઓની કોઈ પણ પ્રકારની પૂર્વ સૂચના આપ્યા વગર હકાલપટ્ટી કરી છે. ઓરેકલના વૈશ્વિક કર્મચારીઓની સંખ્યા આશરે ૧.૬૨ લાખ જેટલી છે.

સોશિયલ મીડિયા પર વિવિધ કર્મચારીઓએ આ અંગે આકરા પ્રત્યાઘાત આપ્યાં હતાં. એક કર્મચારીએ પોતાનો અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે, મને વહેલી સવારે છ વાગ્યે એક ઈમેલ આવ્યો હતો જેમાં જણાવાયું હતું કે, તમે જે પદ પર કામ કરતાં હતાં તે તાત્કાલિક અસરથી રદ કરાયું છે. કોઈ પણ પ્રકારની નોટિસ, એચઆર સાથે ચર્ચા કે મેનેજરના ફોન વગર એક સાથે આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણીથી ઓરેકલના કર્મચારીઓમાં આઘાતની લાગણી પ્રસરી જવા પામી છે.

કર્મચારીઓના જણાવ્યાં અનુસાર, છટણીનો ઈમેલ કંપનીની ટોચની લીડરશિપ તરફથી કરાયો હતો. અન્ય એક યુઝરે રેડિટ પર પોતાનો અનુભવ વર્ણવતાં લખ્યું હતું કે, આજે સવારે પાંચ વાગે ૨૦ વર્ષની નોકરીનો એક જ ઈમેલથી અંત આવી ગયો.

જોકે ઓરેકલે સત્તાવાર રીતે આ છટણીની પુષ્ટિ નથી કરી પરંતુ મળતાં અહેવાલો અનુસાર, કંપનીએ અમેરિકા અને ભારત સહિત વિશ્વના વિવિધ દેશોમાં કામ કરતાં તેના કર્મચારીઓને છૂટાં કર્યાં છે. છૂટાં કરાયેલાં આ કર્મચારીઓ પૈકીના ઘણાં ખરા કંપનીના ક્લાઉડ અને એન્જિનિયરિંગ વિભાગ સાથે સંકળાયેલાં હતાં.

ઉલ્લેખનીય છે કે, વિશ્વની અન્ય સોફ્ટવેર કંપનીઓની જેમ ઓરેકલે પણ છેલ્લાં કેટલાંક સમયથી એઆઈ અને ડેટા સેન્ટરની સુવિધાઓમાં મોટાપાયે રોકાણ કરવાની શરૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરીમાં એમેઝોને પણ દુનિયાભરમાંથી તેના હજારો કર્મચારીઓની છટણી કરી હતી. કંપની કર્મચારીઓ પાછળનો ખર્ચ બચાવી એઆઈ ક્ષેત્રે માતબર રોકાણ કરવાની યોજના ધરાવે છે. અન્ય ટેક કંપનીઓ પણ આ જ દિશામાં આગળ વધી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.