Western Times News

Gujarati News

ચીનના વુહાનમાં બાઇદુની સૌથી વધારે રોબોટેક્સીઓ રસ્તા વચ્ચે બંધ પડી ગઇ

બિજિંગ, ચીનના વુહાન શહેરમાં ભરચક ટ્રાફિકમાં રસ્તાની વચ્ચોવચ્ચ બાઇદુ કંપની સંચાલિત સોથી વધારે રોબોટેક્સીઓ બગડી જઇ અટકી જતાં ઘણાં પેસેન્જર્સ આ ટેક્સીઓમાં જ ફસાઇ ગયા હતા.

ચીનની પોલીસે નિવેદન બહાર પાડી જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ અનુસાર સિસ્ટમ માલફંકશનને કારણે સોથી વધારે રોબોટેક્સીઓ વુહાન શહેરમાં દોડતી અટકી ગઇ હતી. ચીનમાં આવું પહેલીવાર જ બન્યું છે પણ સાનળાન્સિસ્કોમાં ડિસેમ્બરમાં વીજ જતાં વાયમોની સ્વચાલિત ટેક્સીઓ અટકી ગઇ હતી. વુહાનમાં ટેક્સીઓનું સંચાલન ચીની ઇન્ટરનેટ અને એઆઇ કંપની બેઇદુ દ્વારા કરવામાં આવે છે.

બાઇદુ દ્વારા તેનો એપોલો ગો રોબોટેક્સી બિઝનેસ યુરોપ અને મધ્યપૂર્વના દેશોમાં પણ વિસ્તારવામાં આવી રહ્યો છે. આ ઘટના બાબતે બાઇદુ કંપનીએ કોઇ ટિપ્પણી કરી નથી. પોલીસે જણાવ્યું હતું કે રાત્રે નવ વાગ્યાના સુમારે ટેક્સીઓ અચાનક બંધ પડવા માંડી હતી. આ ટેક્સીઓમાં ફસાયેલાં ઘણાં પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા. થોડાં પ્રવાસીઓ જાતે ટેક્સીઓમાંથી બહાર આવી શક્યા હતા.

જ્યારે રિંગ રોડ પર વચ્ચેની લેનમાંં ફસાઇ ગયેલાં પ્રવાસીઓને બહાર આવવામાં તકલીફ પડી હતી. રિંગ રોડમાં વચ્ચેની લેનની બંને તરફ પૂરઝડપે વાહનો પસાર થતાં હોઇ પ્રવાસીઓ આ બંધ પડેલી રોબોટેક્સીની બહાર નીકળતાં ગભરાયા હતા.

ચીનમાં રિંગ રોડ પર વાહનો પૂરઝડપે પસાર થઇ શકે તે માટે તેની પર ટ્રાફિક લાઇટ્‌સ હોતી નથી. એક પ્રવાસીએ જણાવ્યું હતું કે તેની રોબોટેક્સી એક રોડના વળાંક પર બંધ પડી ગઇ હતી. તેની સ્ક્રિન પર સૂચના ઝબકવા માંડી હતી કે ડ્રાઇવિંગ સિસ્ટમ બગડી ગઇ છે. બચાવ કર્મચારીઓ પાંચ મિનિટમાં આવી પહોંચશે.

પણ અડધાં કલાકે પણ કોઇ ન ફરકતાં પ્રવાસીએ એસઓએસ બટન દબાવ્યું હતું. તો તેમાં પણ એમ જણાવાયું કે સ્ટાફ રસ્તામાં જ છે. પ્રવાસીના સદનસીબે કારનો દરવાજો ખૂલી શકતો હતો એટલે પ્રવાસીએ જાતે દરવાજો ખોલી બહાર આવી જવાનું મુનાસિબ માન્યું હતું. ચીનમાં બાઇદુ કંપની ૧૦૦૦ કરતાં વધારે રોબોટેક્સીઓનું સંચાલન કરે છે. બાઇદુએ આ વર્ષે અબુધાબી અને દુબઇમાં પણ તેની સર્વિસ શરૂ કરી હતી. બ્રિટન અને સ્વિત્ઝર્લેન્ડમાં રોબોટેક્સી શરૂ કરવા બાઇદુ પાર્ટનર્સ સાથે કામ કરી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.