Western Times News

Gujarati News

સાળંગપુરમાં હનુમાન દાદાએ ધારણ કર્યા ૮ કિલો સોનાના વાઘા

સાળંગપુરમાં હનુમાન જયંતી નિમિત્તે કૃતજ્ઞતા મહામહોત્સવની ઉજવણી

(એજન્સી)સારંગપુર, શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે આજે (બીજી એપ્રિલ) હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની અત્યંત દબદબાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આજે વહેલી સવારથી જ કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્‌યું છે.

હનુમાન જયંતીના પાવન પર્વ પર વિશેષ દિવસે દાદાના જન્મોત્સવને યાદગાર બનાવવા માટે વહેલી સવારે ૫ઃ૦૦ કલાકે મંગળા આરતી અને ત્યારબાદ ૭ઃ૦૦ કલાકે શણગાર આરતી યોજાઈ હતી. દાદાને ૮ કિલો શુદ્ધ સોનામાંથી તૈયાર કરવામાં આવેલા અત્યંત કલાત્મક ‘નૂતન સુવર્ણ વાઘા’ અર્પણ કરવામાં આવ્યા છે. સોનાના આભૂષણો અને વસ્ત્રોમાં સજ્જ દાદાના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.

જન્મોત્સવની ઉજવણીમાં આધુનિકતા અને ભક્તિનો સંગમ જોવા મળ્યો હતો. આકાશમાંથી ૧ લાખથી વધુ બલૂન નીચે પાડીને દાદાના જન્મોત્સવને વધાવવામાં આવ્યો હતો. હનુમાન જયંતી જન્મોત્સવ નિમિત્તે ૧૫૧ કિલોની વિશાળ કેક કાપીને ભક્તોમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સમગ્ર પરિસર ડી.જે.ના તાલે અને હનુમાન ચાલીસાના પાઠથી ગુંજી ઉઠ્‌યું હતું.

વિશ્વ શાંતિ મારુતિ યજ્ઞઃ સવારે ૭ઃ૦૦ વાગ્યાથી ૧૦૦૦થી વધુ ભક્તોની હાજરીમાં સામૂહિક વૈદિક યજ્ઞનો પ્રારંભ.

અન્નકૂટ દર્શનઃ સવારે ૧૧ઃ૦૦ કલાકે દાદાને વિવિધ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવશે.

મહા સંધ્યા આરતીઃ સાંજે ૭ઃ૦૦ કલાકે નાસિક ઢોલ-તાસા અને ભવ્ય આતશબાજી સાથે સામૂહિક આરતીનું આયોજન.

ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન દ્વારા ભોજનશાળા, ગેસ્ટ હાઉસ (લાઈટ હાઉસ અને કષ્ટભંજન ભવન) તેમજ ર્પાકિંગની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. લાખોની સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓ શાંતિપૂર્વક દર્શન કરી શકે તે માટે સ્વયંસેવકો અને પોલીસ કાફલો ખડેપગે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.