Western Times News

Gujarati News

‘સફળતા નહીં, જીવનનો હેતુ શોધવો જરૂરી’ : દિયા મિર્ઝા

દિયાએ કરુણા અને ભુતકાળના ડર વિશે વાત કરી

બાળકો જ્યારે કુદરતથી નજીક સમય વિતાવે છે, પ્રકૃતિનું અવલોકન કરે છે અને દરેક જીવ સૃષ્ટિ સાથેનાં સંબંધને સમજે છે ઃ દિયા મિર્ઝા

મુંબઈ,દિયા મિર્ઝા હંમેશા પર્યાવરણ અને સસ્ટેનિબિલિટી વિશે કામ કરતી રહી છે અને તેની જાગૃતિ વિશે વાત કરતી રહી છે. તાજેતરમાં તેણે એક કાર્યક્રમમાં પોતાનાં જીવનનાં અનુભવો, ડર, સસ્ટેનેબિલિટી અને સહાનુભૂતિ અંગે વાત કરી હતી. અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે જોડાયેલી દિયાએ જણાવ્યું કે તેનાં માટે પ્રસિદ્ધિ કરતાં જીવનનો હેતુ વધુ મહત્વનો રહ્યો છે.દિયાએ જણાવ્યું કે જ્યારે તે માત્ર નવ વર્ષની હતી ત્યારે તેનાં પિતાનું અવસાન થયું હતું.

આ ઘટનાએ તેને જીવનથી ડરાવી નહીં, પરંતુ જીવન મર્યાદિત છે તેની ઊંડી સમજ આપી. તેનાં મતે, જીવનનો આ અનુભવ જ અત્યાર સુધી લીધેલા દરેક નિર્ણય પાછળનું સૌથી મોટું માર્ગદર્શન બન્યો છે. તેણે ક્યારેય માત્ર સફળતા પાછળ દોડવાનું પસંદ કર્યું નહીં, પરંતુ જીવનનો અર્થ શોધવાનો પ્રયત્ન કર્યાે.દિયાએ મહિલાઓ પર સમાજ દ્વારા લાદવામાં આવતા ડર વિશે પણ વાત કરી. તેણે કહ્યું કે ઘણી મહિલાઓમાં તેઓ કંઈ પણ કરે તો પણ સંપુર્ણ ન હોવાનો ભય, ઉંમર વધવાનો ભય, તક ગુમાવવાનો ભય, પોતાની વાત કહેવાનો ડર અને જીવનમાં વિરામ લેવાનો ડર હોય છે.

તેણે સ્વીકાર્યું કે કારકિર્દીની શરૂઆતમાં તેનાં ઘણા નિર્ણયો પણ આવા ડરના આધારે લેવાયા હતા, પરંતુ તેને જ્યારે સમજાયું કે તે અલગ રીતે પણ પસંદગી કરી શકે છે, ત્યારે જીવનમાં સૌથી મોટું પરિવર્તન આવ્યું.સહાનુભૂતિ વિશે વાત કરતાં દિયાએ કહ્યું કે સહાનુભૂતિ જન્મથી મળતી નથી, પરંતુ તેને વિકસાવવી પડે છે. બાળકો જ્યારે કુદરતથી નજીક સમય વિતાવે છે, પ્રકૃતિનું અવલોકન કરે છે અને દરેક જીવ સૃષ્ટિ સાથેનાં સંબંધને સમજે છે ત્યારે તેમનામાં સહાનુભૂતિનો વિકાસ થાય છે. આજના સમયમાં જ્યારે બાળકોનો મોટાભાગનો સમય સ્ક્રીન સામે પસાર થાય છે, ત્યારે પ્રકૃતિ સાથેનો સંપર્ક વધુ જરૂરી બની ગયો છે.

સસ્ટેનેબિલિટી અંગે દિયાએ સરળ શબ્દોમાં કહ્યું કે “ઓછું વાપરો અને ઓછો બગાડ કરો. બાકી બધું તેમાંથી જ શરૂ થાય છે.” તેનાં મતે, પર્યાવરણની જવાબદારી માત્ર સરકારો કે મોટી કંપનીઓની નથી, પરંતુ દરેક વ્યક્તિનાં રોજિંદા નિર્ણયોમાં પણ તેનો મોટો ફાળો છે.વાતચીત દરમિયાન દિયાએ આશાની પોતાની વ્યાખ્યા પણ રજૂ કરી. તેણે કહ્યું, “આશા એક ક્રિયા છે.” તેનાં મતે આશા માત્ર સકારાત્મક વિચાર કે ઇચ્છા નથી, પરંતુ આપણે શું પગલાં લઈએ છીએ તેમાં જ તેની સાચી અભિવ્યક્તિ છે.”SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.