કોંગ્રેસના ખડગેના કયા નિવેદન પર ગુજરાતના લોકો ભડક્યા?
ખડગેના નિવેદનને મુખ્યમંત્રીએ વખોડ્યું -આવા નિવેદન કોંગ્રેસ પાર્ટીની સંકુચિત માનસિકતા દર્શાવે છે ઃ મુખ્યમંત્રી
ગાંધીનગર, પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને લઈ હવે રાજકીય પક્ષો વચ્ચે આરોપ પ્રત્યારોપની રાજનીતિ ચરમસીમા પર પહોંચી છે. કેરલમમાં પ્રચાર દરમિયાન કાંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા ગુજરાતીઓનું અપમાન કરી દીધું હતું.
સભાને સંબોધતા મલ્લિકાર્જૂન ખડગેએ ગુજરાતીઓને કથિત રીતે અભણ ગણાવ્યા હતા. સાથે જ પીએમ મોદી પર શાબ્દિક પ્રહાર કર્યા કે કેરલમની જનતાને તમે મૂર્ખ નહીં બનાવી શકો.
તો ખડગેના વિવાદાસ્પદ નિવેદન બાદ ભાજપ લાલઘૂમ થયું છે. ગુજરાતના લોકો અંગે ખડગેએ આપેલા નિવેદનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અત્યંત આપત્તિજનક અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. મુખ્યમંત્રીએ લખ્યું કે આ પ્રકારની ટિપ્પણી માત્ર છ કરોડ ગુજરાતીઓનું જ અપમાન નહીં પરંતુ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવી મહાન વ્યક્તિઓની પવિત્ર ધરતીની ગૌરવને પણ ઠેસ પહોંચાડે છે. આવા નિવેદનો કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે. તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ખડગેના નિવેદનને વખોડ્યું હતું.
ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે મલ્લિકાર્જુન ખડગે ભાન ભૂલ્યા છે. વિશ્વકર્માએ જબરજસ્ત પલટવાર કરતા કહ્યું કે ખડગેના આવા નિવેદનથી કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતા બહાર આવી છે. ખડગેનું આ નિવેદન માત્ર ગુજરાતીઓ જ નહી મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલનું પણ અપમાન છે. જો ખડગે અને ગુજરાત કોંગ્રેસ માફી નહી માંગે તો જનતા જવાબ આપશે.
કેરળમાં એક જનસભાને સંબોધતા કોંગ્રેસ અધ્યક્ષ મÂલ્લકાર્જુન ખડગેએ સીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં તેમણે ગુજરાતની પ્રજાનું અપમાન કરી દીધું. ખડગેએ પોતાના ભાષણમાં કહ્યું કે, કેરળના લોકોને ગેરમાર્ગે દોરવાનું કે ભટકાવવાનું કામ ન કરશો. અહીંના લોકો ખૂબ જ હોંશિયાર અને ભણેલા ગણેલા છે.
મોદીજી અને વિજયન (કેરળના મુખ્યમંત્રી), તમે બંને એવા લોકોને મૂર્ખ બનાવી શકો છો જેઓ ગુજરાતમાં કે અન્ય સ્થળોએ અભણ છે પરંતુ તમે કેરળના લોકોને મૂર્ખ બનાવી શકતા નથી. તેમણે આગળ કહ્યું કે, કેરળના લોકો માત્ર કેરળમાં જ સીમિત નથી, તેઓ આખી દુનિયામાં ફેલાયેલા છે, કામ કરી રહ્યા છે અને ભારતને પૈસા પણ મોકલી રહ્યા છે.
