Western Times News

Gujarati News

ભાજપના ગઢમાં ગાબડું -૨૦૦ થી વધુ કચ્છી પાટીદાર યુવાનો અને મહિલાઓ કોંગ્રેસમાં જોડાયા

મોડાસાના ગણેશપુરકંપા સહિત સાત કંપાઓના કચ્છી પાટીદાર સમાજના યુવાનો અને મહિલાઓએ ભાજપને તિલાંજલિ

(પ્રતિનિધિ) મોડાસા, અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો પડ્‌યો છે. ભાજપની ખેડૂત વિરોધી નીતિઓ અને વિકાસની માત્ર પોકળ વાતોથી કંટાળીને ગણેશપુરકંપા સહિત આસપાસના સાત કંપાઓના કચ્છી પાટીદાર સમાજના ૨૦૦ થી વધુ સક્રિય યુવાનો અને મહિલાઓએ ભાજપને તિલાંજલિ આપી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.

જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આયોજિત એક કાર્યક્રમમાં તમામ નવયુવાનો અને મહિલાઓ ને કોંગ્રેસનો ખેસ પહેરાવીને વિધિવત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કોંગ્રેસમાં જોડાયેલા યુવાનોએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, ભાજપ સરકારના શાસનમાં ખેડૂતોની હાલત દયનીય બની છે. મોંઘાદાટ બિયારણો અને ખાતરના ભાવમાં બેફામ વધારો થયો છે, પરંતુ ખેતી પાકોના પોષણક્ષમ ભાવ આપવામાં સરકાર સદંતર નિષ્ફળ રહી છે.

વધુમાં, જમીન રી-સર્વેની કામગીરીમાં થયેલી અસંખ્ય ભૂલોને કારણે ખેડૂતો કચેરીઓના ધક્કા ખાઈને પાયમાલ થઈ રહ્યા છે. માત્ર જાહેરાતોમાં થતો વિકાસ જમીની હકીકત પર ક્યાંય દેખાતો નથી, જેના કારણે કચ્છી પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને ભાજપે અમારા સમાજ સહિત બધાનો માત્ર મતો માટે જ ઉપયોગ કર્યો છે. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ મંત્રી અંબાલાલ પટેલ અને મોડાસા શહેર કોંગ્રેસ પ્રમુખ રાહુલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલે નવયુવાનો અને મહિલાઓને પક્ષમાં આવકારતા જણાવ્યું હતું કે, ગણેશપુરકંપા અને આસપાસના કંપાઓના યુવાનોએ આજે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે.

કચ્છી પાટીદાર સમાજ હંમેશા મહેનતકશ અને પ્રામાણિક રહ્યો છે, પરંતુ ભાજપે તેમની લાગણીઓ સાથે રમત કરી છે. ૨૦૦ થી વધુ યુવાનો અને મહિલાઓ નો આ આક્રોશ એ સાબિતી છે કે હવે જનતા પરિવર્તન ઝંખી રહી છે. કોંગ્રેસ પક્ષ આ તમામ યુવાનો અને ખેડૂતોના પડખે અડીખમ ઉભો રહેશે અને તેમના હક માટે આક્રમક લડત લડશે

મોટી સંખ્યામાં મહિલાઓની ઉપસ્થિતિએ પણ આ કાર્યક્રમમાં આકર્ષણ જમાવ્યું હતું. મોંઘવારીથી ત્રસ્ત ગૃહિણીઓએ પણ ભાજપની નીતિઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ સામુહિક પક્ષ પલટાને પગલે અરવલ્લી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને આગામી સમયમાં ભાજપ ને ભારે નુકશાનીની શરૂઆત ગણેશપુરકંપાથી થઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્‌યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.