Western Times News

Gujarati News

ડેરી પનીરના નામે એનાલોગ પધરાવતા ખાદ્ય એકમો સામે કાર્યવાહી

પ્રતિકાત્મક

૭૦૩ કિલો જથ્થાનો નાશ કરી ૨.૮૩ લાખનો દંડ કરાયો

એનાલોગ પનીરનો ઉપયોગ કરાયો હોય તો હોટલ-રેસ્ટોરન્ટના નોટીસ બોર્ડ ઉપર તેની ગ્રાહકોને જાણકારી આપવી ફરજીયાત

ગાંધીનગર, રાજ્યમાં ડેરી પનીરના નામે હોટલ-રેસ્ટોરન્ટ સહિત કેટલાક ખાદ્ય એકમો દ્વારા એનાલોગ પનીરની ખાદ્ય ચીજ વસ્તુ ગ્રાહકોને પધરાવી દેવામાં આવે છે તેની સામે સમગ્ર રાજ્યમાં ઝુંબેશ ચલાવી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સ્થળ ઉપર જ કુલ ૭૦૩ કિલો જથ્થાનો નાશ કરી દેવાયો હતો. તે સાથે કુલ ૨.૮૩ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારાયો હતો. એનાલોગ પનીરનો ઉપયોગ કરાયો હોય તો હોટલ-રેસ્ટોરન્ટના નોટીસ બોર્ડ ઉપર તેની ગ્રાહકોને જાણકારી આપવી ફરજીયાત છે. તેમ છતાં હજુ અનેક ખાદ્ય એકમો તેનું પાલન કરી રહ્યા નથી.

તેને ધ્યાનમાં લઇને પનીર અને ચીઝની ગુણવત્તા અને સાચી ઓળખ માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ૪ થી ૯ એપ્રિલ દરમિયાન ખાસ ઝુંબેશ ચલાવાઇ હતી. જેમાં ફૂડ સેફ્ટી અધિકારીઓએ પનીર અને એનાલોગની સમજણ આપી તેના ઉપયોગના બોર્ડ ગ્રાહકો જોઇ શકે તે રીતે લગાવવા સૂચના આપી હતી. ઝુંબેશ દરમિયાન કુલ ૨૫૨૭ ઉત્પાદક, હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા જેવા એકમોમાં તપાસ કરી ૨૭૦ એકમોને નોટિસો આપવામાં આવી હતી. તો નિયમભંગ કરતા ૧૮ એકમો-પેઢીઓને સીલ મારી દેવામાં આવ્યા હતા.

૯૫ જેટલા નમૂના લઇને એનાલોગ પનીર છે કે ડેરી પનીર તેની ચકાસણી લેબોરેટરીમાં કરવામાં આવશે. ફૂડ સેફ્ટી વાન દ્વારા ૬૫૯ એકમો પર તપાસ કરીને લેવાયેલા ૬૭૯ નમૂનાની તપાસ કરીને સ્થળ પર જ કાર્યવાહી કરાઇ હતી. ભવિષ્યમાં પણ તંત્ર દ્વારા ઉત્પાદકો અને વિક્રેતાઓ પર પનીર અને એનાલોગના વેચાણ અંગે તપાસ ચાલુ રાખવામાં આવશે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.