Western Times News

Gujarati News

કોંગ્રેસ ઓફિસે ટિકિટ વાંચ્છુઓના આંટાફેરા: નેતાઓ, અગ્રણીઓ ગેરહાજર 

વિવાદનો વંટોળ, ઘર્ષણ ખાળવા યાદી જાહેર કરવાનું ટાળ્યું -કોંગ્રેસે ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરીને મેન્ડેટ આપ્યા : 

(પ્રતિનિધિ) અમદાવાદ,  ગુજરાતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ વિવાદ ટાળવા માટે કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કરવાનું ટાળ્યું છે અને ટેલિફોનિક સૂચનાઓ આપી સીધા જ મેન્ડેટ પહોંચાડવાનું શરૂ કર્યું છે.

કોંગ્રેસ દ્વારા AMCના 93 જેટલા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવ્યા પછી હવે બીજી યાદી જાહેર કરવાને બદલે નક્કી કરાયેલા ઉમેદવારોને ટેલિફોનિક સૂચના દ્વારા મેન્ડેટ આપવામાં આવી રહ્યા છે. AMCની ચૂંટણી માટે તા. 11 એપ્રિલ, 2026 આવતીકાલે ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લો દિવસ હોવાથી તા. 10 એપ્રિલ, શુક્રવારે ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ છે.

AMC, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતોની ચૂંટણીમાં જે તે ઉમેદવારોને મેન્ડેટ પહોંચાડવા માટે પ્રભારી સહિતના આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગત ચૂંટણી વખતે કોંગ્રેસમાં મેન્ડેટકાંડ સર્જાયો હતો, સંખ્યાબંધ ઉમેદવારોને મેન્ડેટ મળ્યા નહોતા, જે ઉમેદવારોને મેન્ડેટ મળ્યા તો તેમાં સહી-સિક્કા મારેલા નહોતા અને તેના કારણે ૨૩૭ જેટલી બેઠકો કોંગ્રેસે ગુમાવવી પડી હતી.

આમ, ગત ચૂંટણીમાં ભાજપને 237 જેટલી બેઠકો વિજયની તાસક પર ભેટ ધરી દેવાઈ હતી. કોંગ્રેસના મિસ- મેનેજમેન્ટને કારણે ગત ચૂંટણી પરિણામોનું પુનરાવર્તન થાય તેવી શક્યતા હોવાનું અને આ વખતે પણ કોંગ્રેસ બેઠકો ગુમાવે તેવી શક્યતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અમદાવાદમાં પાલડી સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે અમદાવાદ શહેરના કેટલાક ટિકિટ દાવેદારોના આંટાફેરા ચાલુ રહ્યા છે, જોકે જવાબ આપી શકે તેવા આગેવાનો હાજર નથી, ઘર્ષણ જેવી સ્થિતિને પહોંચી વળવા માટે નેતાઓ જવાબ આપી શકે તેવી સ્થિતિમાં ના હોવાથી બાઉન્સરોને તૈનાત કરવામાં આવ્યા છે.

બબાલ થવાના ડરે કોંગ્રેસે ઉમેદવારોનાં નામો જાહેર કરવાને બદલે સીધા જ મેન્ડેટ પહોંચાડવાની કામગીરી શરૂ કરી દીધી છે. તાજેતરમાં અમદાવાદમાં નામ જાહેર થયા ન હોવા છતાં કેટલાક ઉમેદવારોએ સરઘસ કાઢી શક્તિપ્રદર્શન કર્યું હોવાનું સામે આવ્યું છે.

સૂત્રોના જણાવ્યાનુસાર,  જો પ્રભારી જાતે મેન્ડેટ પહોંચાડવા માટે ના જઈ શકે તો તેઓ તેમના ખાસ ટેકેદારને મોકલીને મેન્ડેટ પહોંચાડી રહ્યા છે. મેન્ડેટમાં કોઈ જાતની ભૂલ ન થાય તેની તકેદારી લીગલ ટીમ દ્વારા લેવાઈ રહી હોવાનું જાણવા મળ છે. કોંગ્રેસ પક્ષની ભૂલના કારણે કોઈપણ બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરવાનું રહી ના જાય તે માટેની કાળજી રાખવા જિલ્લા, શહેર પ્રમુખ સહિતના આગેવાનોને પણ સૂચના આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.