Western Times News

Gujarati News

ઈસ્લામાબાદમાં ઈરાન-અમેરીકાની બેઠકના પગલે હજારો નાગરિકો ઘરોમાં કેદ

અમેરિકા- ઈરાનના પ્રતિનિધિ મંડળ વચ્ચે આજે મહત્વપૂર્ણ બેઠક

ઈસ્લામાબાદ, મીડલ ઈસ્ટમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા યુધ્ધના કારણે વિશ્વભરના દેશો પર તેની અસર જોવા મળી રહી છે. અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુધ્ધથી વ્યાપક નુકશાન થયું છે. આખરે બંને દેશો વચ્ચે બે સપ્તાહનો યુધ્ધ વિરામ જાહેર કરી ચર્ચા કરવા માટે સહમતિ સંધાઈ હતી

જેના પગલે શનિવારે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે જેના પર વિશ્વભરના દેશોની નજર મંડાયેલી છે. અમેરિકાનું પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન જવા રવાના થઈ રહયું છે જયારે ઈરાનના પ્રતિનિધિ મંડળ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ મીટીંગના કારણે પાકિસ્તાનમાં અને ખાસ કરીને ઈસ્લામાબાદમાં કફર્યુ જેવી સ્થિતિ સર્જાઈ છે.

વિશ્વ સ્તરે પોતાની છબી સુધારવા મથી રહેલા પાકિસ્તાને અમેરિકા અને ઈરાન વચ્ચેની મહત્વપૂર્ણ બેઠક પહેલા ઇસ્લામાબાદના હજારો નાગરિકોને તેમના જ ઘરોમાં ‘બંધ’ કરી દીધા છે. શનિવાર, ૧૧ એપ્રિલના રોજ ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ (સીઝફાયર) અંગેની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ અને ઈરાનના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબફ હાજર રહેવાના છે, જેમની સુરક્ષાના નામે સમગ્ર ઇસ્લામાબાદને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે.

મીડિયા રિપોટ્‌ર્સ અને સ્થાનિક અખબાર ‘ડોન’ મુજબ, કડક નાકેબંધીને કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે. પોલીસ દ્વારા ગલી-મહોલ્લા અને નાકાઓ પર જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. રસ્તાઓ પર આવેલી તમામ દુકાનો બળજબરીથી બંધ કરાવી દેવામાં આવી છે. શહેરની શાહ ખાલિદ કોલોની, એરપોર્ટ હાઉસિંગ સોસાયટી અને ફૈઝલ કોલોની જેવા વિસ્તારોમાં રહેતા લોકોનું કહેવું છે કે, તેઓ પોતાના જ ઘરમાં કેદી જેવી જિંદગી જીવી રહ્યા છે.

ઇસ્લામાબાદના રહેવાસીઓ પાયાની જરૂરિયાતો માટે પણ વલખા મારી રહ્યા છે. શાહ ખાલિદ કોલોનીના રહેવાસી મોહમ્મદ ઝફરે જણાવ્યું હતું કે, “અમારા વિસ્તારમાં પાણીના ટેન્કર આવવા દેવામાં આવતા નથી, જેના કારણે પીવાના પાણીની તીવ્ર અછત સર્જાઈ છે.”

બીજી તરફ, હોસ્પિટલો અને દવાની દુકાનો પણ બંધ કરાવી દેવામાં આવતા દર્દીઓની હાલત કફોડી બની છે. ગુલઝાર-એ-કાયદના રહેવાસી મોહમ્મદ રિઝવાનના જણાવ્યા અનુસાર, “દવાઓની દુકાનો બંધ હોવાથી ગંભીર દર્દીઓ માટે જીવન-મરણનો પ્રશ્ન ઊભો થયો છે.”

પાકિસ્તાન સરકારે સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે ઇસ્લામાબાદમાં ૧૧,૦૦૦ થી વધુ જવાનોને તૈનાત કર્યા છે. જે સેરેના હોટલમાં બેઠક યોજાવાની છે તેની આસપાસના ૩ કિલોમીટરના વિસ્તારને સંપૂર્ણપણે ‘નો-ગો ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે. વહીવટીતંત્રે સમગ્ર વિસ્તારમાં કલમ ૧૪૪ લાગુ કરી દીધી છે. પાકિસ્તાન પોલીસની સાથે પંજાબ અને સિંધ પોલીસ તેમજ સેનાના જવાનોને પણ વીઆઈપી સુરક્ષામાં લગાડવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.