લેબેનાનમાં આખું ગામ કાટમાળમાં ફેરવાયું!
મિડલ ઈસ્ટમાં સીઝફાયરનો ફિયાસ્કો! -જવાબમાં હિઝબુલ્લાહે કર્યો મિસાઇલ હુમલો
ઈઝરાયેલ લેબેનાનમાં સક્રિય આતંકી સંગઠન હિઝબુલ્લાહના લોન્ચીંગ સાઇટ્સ અને ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે
લેબેનાન, દક્ષિણ લેબેનાનના ચૌકિન શહેરમાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા ભીષણ હુમલાને કારણે આખું ગામ કાટમાળમાં ફેરવાઈ ગયું છે. ઈઝરાયલી વાયુસેનાએ સોશિયલ મીડિયા પર આ હુમલાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, તેઓ લેબેનાનમાં સક્રિય આતંકી સંગઠન હિઝબુલ્લાહના લોન્ચિંગ સાઇટ્સ અને ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યા છે.
લેબેનાનના સરકારી મીડિયા અનુસાર, ઈઝરાયલી ફાઇટર જેટ્સે અન્ય ઘણા શહેરો પર પણ બોમ્બમારો કર્યો છે, જેમાં અનેક સામાન્ય નાગરિકો ઘાયલ થયા છે અને રહેણાંક મકાનો જમીનદોસ્ત થઈ ગયા છે. ઈઝરાયલી હુમલાના જવાબમાં હિઝબુલ્લાહ દ્વારા પણ વળતો પ્રહાર કરવામાં આવ્યો છે. હિઝબુલ્લાહ તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, તેમણે ઉત્તરી ઈઝરાયલના હાઇફા શહેર પર ‘ઍડ્વાન્સ્ડ મિસાઇલો’ વડે હુમલો કર્યો છે.
હિઝબુલ્લાહે દાવો કર્યો હતો કે તેઓ સીઝફાયરનું પાલન કરી રહ્યા હતા, પરંતુ દુશ્મન દેશે નિયમો તોડતા તેમણે આ કાર્યવાહી કરી છે. આ ઉપરાંત લેબેનાનના બિંત જબૈલ શહેરમાં પણ ઈઝરાયલી સૈનિકો પર રોકેટ દાગવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે.
બીજી તરફ, હિઝબુલ્લાહના આ મિસાઇલ હુમલા બાદ ઈઝરાયલના હાઇફા અને તેલ અવીવ જેવા મોટા શહેરોમાં એર રેડ સાયરન વાગ્યા હતા, જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
ઈઝરાયલની ઇમરજન્સી સેવાઓએ જણાવ્યું છે કે તેઓ ઉત્તરી ઈઝરાયલ પર થયેલા આ હુમલાનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. બંને પક્ષો વચ્ચે વધતાં તણાવને કારણે લેબેનાન અને ઈઝરાયલની સરહદ પર સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે અને સંઘર્ષ અટકવાનું નામ નથી લઈ રહ્યો.
