Western Times News

Gujarati News

કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી કેસરિયો ધારણ કરી લેતાં બેઠક બિનહરીફ જાહેર થઈ

ખેડા જિલ્લા પંચાયતમાં સત્તાના વારસદાર સમાન ‘મહિજ’ બેઠક ભાજપે બિનહરીફ કરી

(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખપદની બેઠક એસ.ટી. (અનુસૂચિત જનજાતિ) માટે અનામત જાહેર થતા જ જિલ્લાના રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. આખા જિલ્લામાં માત્ર ‘મહિજ’ બેઠક જ એસ.ટી. માટે અનામત છે. આ પરિસ્થિતિ ને લઈ મહિજ બેઠકને સમગ્ર જિલ્લાના રાજકારણનું એપીસેન્ટર બની ગઈ હતી પરંતુ ભાજપે કોંગ્રેસના ઉમેદવારને કેસરિયો પહેરાવી ફોર્મ પરત ખેચાવતા આ બેઠક ભાજપના ફાળે આવી ગઈ છે.

સામાન્ય રીતે જિલ્લા પંચાયતમાં બહુમતી મેળવનાર પક્ષ શાસન કરતો હોય છે, પરંતુ આ વખતે સ્થિતિ અલગ હતી. ખેડા જિલ્લા પંચાયત ની ચૂંટણીમાં પ્રમુખ બનવા માટે એસ.ટી. કેટેગરીનો સભ્ય હોવો અનિવાર્ય હતું. ખેડા જિલ્લામાં માત્ર માહિજ બેઠક જ આ કેટેગરીમાં આવતી હોવાથી,

જે પક્ષ આ બેઠક જીતશે તે જ પ્રમુખપદ માટે હકદાર ઉમેદવાર આપી શકશે. આવી સ્થિતિમાં ભાજપ માટે ગમે તે ભોગે આ બેઠક હાસલ કરવી અનિવાર્ય હતી આ ચૂંટણી માટે ફોર્મ ભરાવાની પ્રક્રિયામાં ભાજપ તરફથી હિતેશ ગુલાબસિંહ તડવી અને કોંગ્રેસ તરફથીરમણભાઈ એન. તડવીએ ઉમેદવારી કરી હતી.

જોકે જિલ્લા પંચાયતની ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસને મોટો ઝટકો પડ્‌યો છે. મહીજ બેઠક પરથી કોંગ્રેસના જાહેર થયેલા ઉમેદવારે છેલ્લી ઘડીએ પોતાની ઉમેદવારી પરત ખેંચી ભાજપનો પલ્લું પકડતા રાજકીય સમીકરણો બદલાઈ ગયા છે.

મહીજ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રમણભાઈ એન. તડવીએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે કોંગ્રેસના ઉમેદવારના આ પગલા બાદ ભાજપના ઉમેદવાર હિતેશ ગુલાબસિંહ તડવી બિનહરીફ વિજેતા જાહેર થયા છે. રમણભાઈ તડવીએ ભાજપના મોવડી મંડળની હાજરીમાં વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો.
આ પ્રસંગે ભાજપના પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ, ખેડા જિલ્લાના પ્રભારી રમેશભાઈ દેસાઈ અને જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પક્ષના અગ્રણીઓએ રમણભાઈને કેસરિયો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા.
કોંગ્રેસના મજબૂત ગણાતા ઉમેદવારના પક્ષપલટાથી જિલ્લા કોંગ્રેસને મોટો ફટકો પડ્‌યો છે. ચૂંટણી પંચના રોસ્ટર મુજબ, આ વખતે ખેડા જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ શિડ્‌યુલ ટ્રાઈબલ માટે અનામત રાખવામાં આવ્યું છે. કોંગ્રેસના એકમાત્ર જી્‌ ઉમેદવારે પક્ષ છોડી દેતા હવે વિરોધ પક્ષ પાસે પ્રમુખ પદ માટે કોઈ દાવેદાર બાકી રહ્યો નથી. નિયમ અનુસાર, જિલ્લા પંચાયતની કુલ ૪૨ બેઠકોમાંથી માત્ર આ એક જ બેઠક જી્‌ કેટેગરી માટે જાહેર કરાઈ હતી. આ રોટેશન મુજબ, આ બેઠક પરથી જીતનાર ઉમેદવાર જ જિલ્લા પંચાયતના પ્રમુખ બની શકે તેમ હતું, જેના કારણે સમગ્ર જિલ્લાની નજર મહીજ બેઠક પર હતી.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.