યુવા ઉદ્યોગપતિ ડો. સંજય મુંજપરા પોતાની જન્મભૂમિ એવા કૃષ્ણગઢ ગામની કાયાપલટ કરશે
તા.૧૪મી નવેમ્બરે ગામની આંતરમાળખાકિય સુવિધાઓનું રાજય પાલના હસ્તે ભૂમિપૂજન કરાશે
રૂ.રપ કરોડના ખર્ચે ગામની કાયાપલટ કરનાર ડો. સંજય મુંજપરા અને તેમના પરિવારનું ક્યાંય નામ કે તકતી મુકવામાં આવશે નહીં
નોંધનીય બાબત એ છે કે ઉપરોક્ત તમામ સુવિધાઓ પાછળ અંદાજે પચ્ચીસ કરોડ જેટલી મોટી રકમનો ખર્ચ થનાર છે પરંતુ કોઇપણ જગ્યાએ પોતાનું કે પોતાના પરિવારનું નામ લખવાના નથી. ડો. સંજય વલ્લભભાઈ મુંજપરા તેમના ધર્મ પત્ની રૂપલ સંજયભાઈ મુંજપરા, મોટાભાઈ જગદીશ વલ્લભભાઈ મુંજપરા તથા તેમના પત્ની મનીષા જગદીશભાઈ મુંજપરા, ભાઈ વિપુલ વલ્લભભાઈ મુંજપરા અને તેમના ધર્મ પત્ની કિરણ વિપુલભાઈ મુંજપરા તથા તેમના ત્રણેય ભાઈઓના સંતાનો વિરંચિ, હેતિક, પ્રિયાંશી, સાર્થ, શ્લોક અને પ્રિશા ગામની કાયાપલટ તથા યોજાનારા સમારંભને લઈને ભારે ઉત્સાહીત છે.
૧૪મી નવેમ્બરે યોજાનાર આ ભવ્ય સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તથા સમાજના અગ્રણી પરષોત્તમભાઈ ગેવરિયા અતિથિ વિશેષ તરીકે શિક્ષણવિદ્ મહેશભાઈ ગઢવી અને ગોવિંદભાઈ નસીત, હિતેશભાઈ નિમ્બાર્ક, સંજયભાઈ કામળિયા તથા પ્રિÂન્સપાલ ડો. શૈલેષભાઈ રવિયા, સરપંચ હર્ષદભાઈ મુંજપરા અને ઉપ સરપંચ ચંપુભાઈ ધાંધલ ઉપસ્થિત રહેવાના છે.
ભારત દેશ સ્વતંત્ર થયો ત્યારે ગામડાઓ ઉપર નિર્ભર હતો અને ભારત કૃષિ પ્રધાન દેશ તરીકે આજે પણ ઓળખાય છે. પરંતુ સમય જતાં શહેરોમાં ઉદ્યોગો સ્થપાતા યુવા વર્ગ શહેર તરફ દોટ લગાવવા લાગ્યો છે. સમય જતાં હવે આ જ યુવાનો ગ્રામ્ય વિસ્તારોના જનજીવનથી પ્રભાવિત થવા લાગ્યા છે અને પોતાના ગામોમાં જીવન જરૂરી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે પ્રયાસો કરી રહયા છે.
આ માટે બિનનિવાસી ભારતીયોનો પણ મોટો ફાળો છે આ પરિસ્થિતિમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના કૃષ્ણગઢ ગામની એક યુવાન સ્થાનિક ઉદ્યોગપતિએ કાયાપલટ કરી છે. ગામ પ્રત્યેનું ઋણ અદા કરવા માટે યુવાન સંજય વલ્લભભાઈ મુંજપરાએ પોતાના ગામને શહેર જેવી સવલતો પુરી પાડી છે.

આજે ગામ શહેર બનવા લાગ્યું છે. આંતરમાળખાકીય સુવિધાઓથી સજ્જ બનેલા કૃષ્ણગઢ ગામમાં રાજયપાલના હસ્તે વિવિધ સુવિધાઓનું તા.૧૪ નવેમ્બર ર૦રપ શુક્રવારના રોજ ભૂમિપૂજન રાખવામાં આવ્યું છે અને આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને રાજકીય નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. સંજય મુંજપરાની પોતાના ગામ પ્રત્યેની લાગણી અન્ય યુવાનો માટે પ્રેરણારૂપ બનશે અને આગામી દિવસોમાં તેનું પરિણામ ચોક્કસ જોવા મળશે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું ગીર કાંઠાનું કૃષ્ણગઢ ગામ કે જેની સ્થાપના મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીએ કરી છે. આ ગામની વસતિ આશરે બે હજાર જેટલી છે. જેમાંથી અડધા ભાગની વસતિ રોજગારી અર્થે સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં સ્થાઇ થયેલી છે. આ તમામ લોકોમાં હાલ પોતાના વતન કૃષ્ણગઢ નવા રૂપરંગ સાથે આધુનિક સુવિધાઓથી સજ્જ બની રહયા નો અનેરો રોમાંચક જોવા મળી રહયો છે. આ તમામ લોકો સમારંભમાં ઉપસ્થિત રહેવા માટે અત્યારથી જ પોતાના ગામ પહોંચવા લાગ્યા છે.
દેશમાં ગામડાઓ ભાંગી શહેરો બનવા લાગ્યા છે ત્યારે હવે પરિસ્થિતિ બદલાવા લાગી છે. શહેરોમાં ઉદ્યોગોમાં આવેલી મંદીની સાથે સાથે યુવાનો ગામડાઓની જીવનશૈલીથી આકર્ષિત થવા લાગ્યા છે. અમરેલી સહિતના જિલ્લાઓના અનેક યુવાનો શહેરોમાં જઈને વસવાટ કરે છે અને હવે તેઓ પોતાના ગામને હરિયાળુ અને સુવિધાયુક્ત બનાવવા માટે તત્પર બન્યા છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના કૃષ્ણગઢ ગામમાં અગાઉ પ્રાથમિક સુવિધાઓનો અભાવ હતો. આ પરિસ્થિતિમાં ગામના યુવા ઉદ્યોગપતિ સંજય મુંજપરા છેલ્લા ઘણા સમયથી પોતાના ગામની મુલાકાત લઈ જરૂરી સુવિધાઓ અંગેની માહિતી મેળવતા હતાં. કૃષ્ણગઢ ગામ અને તેની આસપાસનો વિસ્તાર કુદરતી રીતે સોળેકળાયે ખીલી ઉઠેલો છે.
લગભગ બાવન હજાર એકર જેટલો જંગલ વિસ્તાર તેમજ નયનરમ્ય ડેમ (તળાવ) આ ગામ અને તેની આસપાસના વિસ્તારની શોભા છે. એટલુ જ નહિ રાત પડે એટલે ગીરના સિંહો આ ગામમાં અને તેની આસપાસના વિસ્તારોમાં પેટ્રોલીંગ કરતા જોવા મળે છે. અમરેલી જિલ્લાના છેવાડાના ગામોમાં અવારનવાર સિંહના આંટાફેરા થતાં હોય છે અને કૃષ્ણગઢ ગામમાં પણ અવારનવાર સિંહોની દહાડ સંભળાતી હોય છે.
ઘણી વખત ગામમાં પણ સિંહોને જોવાનો લ્હાવો લોકોને મળતો હોય છે. કૃષ્ણગઢ ગામની ચારેબાજુ કુદરતી સૌંદર્ય અખૂટ હોવાથી હવે આ ગામ સમગ્ર જિલ્લામાં પ્રવાસન ધામ તરીકે પણ ઉભરી આવશે. વર્ષ ૨૦૦૧-૦૨માં મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસની સાથે સાથે ગ્રામીણ વિકાસ અંગે ઊંડી સમજ પ્રાપ્ત કરનાર ડો.સંજય મુંજપરાના મનમાં વિચાર આવ્યો કે મારે મારા વતનમાં ગ્રામીણ વિકાસ માટે જરૂરી પાયાની સુવિધાઓ ઊભી કરવી છે. એટલુ જ નહિ સુવિધાઓની સાથે સાથે તેની કાયમી જાળવણી અને ખેતી ક્ષેત્રમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો સહારો લઇ પ્રાકૃત્તિક ખેતી અને તેની સાથે સંલગ્ન ઉદ્યોગોનો વિકાસ થાય તેવો સંકલ્પ લીધો છે.
સંજય મુંજપરાએ કૃષ્ણગઢ ગામને શહેર જેવી સુવિધાઓ આપવા માટે સંકલ્પ કર્યો હતો અને એક પછી એક આ સુવિધાઓ ગામમાં ઉપલબ્ધ થવા લાગી હતી. સૌ પ્રથમ ગામમાં ડ્રેનેજ અને પીવાના પાણી માટેની મહત્વ પૂર્ણ ૩૮૦૦ મીટરની પાઈપલાઈન નાંખવામાં આવતા આજે ગામ ગંદકી મુક્ત બની ગયું છે અને ગામવાસીઓને ઘરે બેઠા પીવાનું શુધ્ધ પાણી મળવા લાગશે. આ ઉપરાંત ગામમાં ખોડિયાર માતા તથા ભગવાન અન્ય બે મંદિરો પણ બનાવવામાં આવનાર છે જેનાથી ગામવાસીઓને પૂજા-અર્ચના કરવા એક જ સ્થળે એકત્ર થવું પડે.
ગામડાંમાં સૌથી મહત્વપૂર્ણ રોડનો પ્રશ્ન હોય છે. સંજયભાઈએ ગામમાં ૩ લાખ સ્કવેર ફુટનો આર.સી.સી. રોડ બનાવવાની કામગીરી શરૂ કરી દીધી છે જેનાથી નાગરિકોને રાહત મળશે. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે ગામમાં માર્ગદર્શન કેન્દ્ર બનાવવાનું પણ આયોજન છે સાથે સાથે તા.૧૪મી નવેમ્બરે રાજયપાલના હસ્તે પ્રગતિશીલ ખેડૂતોને ઈનામ પણ આપવામાં આવનાર છે.
ગામમાં સાંસ્કૃતિક પ્રવૃતિ માટે સમાજ ભવન પણ બનાવવામાં આવનાર છે સાથે સાથે ગામની અંદર રાત્રે સુરક્ષા જળવાઈ રહે તે માટે ૩પ૦ જેટલા વીજળીના થાંભલા નાંખવામાં આવનાર છે અને સમગ્ર ગામ સીસીટીવી કેમેરાના સર્વેક્ષણમાં આવરી લેવાશે.
આ સીસીટીવી કેમેરાનું સંચાલન નવા બનનાર પંચાયત ભવનના મકાનમાંથી થશે. વર્ષ ૨૦૦૬માં ગુજરાતમા સૌથી નાની વયે અર્થશાસ્ત્ર વિષયમાં પીએચડીની પદવી ગ્રહણ કરીને અધ્યાપન કાર્યને પસંદ ન કરતાં ઉદ્યોગસાહસિક બનવાનું સ્વપ્ન સેવ્યુ હતુ. આ ક્ષેત્રમાં અસાધારણ દેખાવ કર્યા બાદ રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન શું હોય શકે? તેનો અવારનવાર વિચાર આવ્યા કરતો હતો.
સાથે સાથે સમગ્ર રાષ્ટ્રનો છેલ્લા બે દાયકાનો વિકાસ શહેરો તરફ થયેલો હોવાથી ગામડાંઓ ભાંગવા લાગ્યા છે તેવું સ્પષ્ટ પણે દેખાવા લાગ્યું હતુ. પરિણામે ખેત પેદાશોનું ઉત્પાદન અને તેની ગુણવત્તા પણ ઘટવા લાગી છે તેવા આંકડાઓ સામે આવવા લાગ્યા હતા. તો બીજી બાજુ વસતિ સતત વધતી રહેલી છે.
એટલે એક યુવા અર્થશાસ્ત્રી તરીકે એવુ લાગ્યું કે આવનારા સમયમાં દેશ સામે એક મોટો પ્રશ્ન ઉદ્ભભવશે તે બાબત ઉપર ખૂબજ ઉંડાણ પૂર્વક મંથન કરીને એક નવો વિચાર આવ્યો કે જો ગામડાંઓને મજબૂત બનાવવા હોય તો ગ્રામીણક્ષેત્રમાં આંતર માળખાકીય સુવિધાઓ અને ખેતીક્ષેત્ર તથા તેની સાથે જોડાયેલા ઉદ્યોગોનો વિકાસ થાય તેવુ ગ્રામીણ વિકચિતતાનું એક આધુનિક મોડેલ રાષ્ટ્રને અર્પણ કરવાના છે.
દેશની ભાવિ પેઢી બાળકોને યોગ્ય શિક્ષણ મળી રહે તે માટે ગામમાં અત્યંત આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળાનું ભવન બનાવવામાં આવશે અને સાથે સાથે ગામમાં જ છેવાડાના ભાગમાં સુવિધાયુક્ત અંતિમધામ પણ બનાવવામાં આવનાર છે.
હાલ ગામમાં પ્રવેશદ્વાર બનાવવામાં આવી રહયા છે ત્યારે કૃષ્ણગઢ ગામમાં સરદાર પટેલ તથા કષ્ણકુમાર સિંહજીના નામથી બે પ્રવેશદ્વાર બનાવવામાં આવશે. ગામના યુવાન ઉદ્યોગપતિ સંજય વલ્લભભાઈ મુંજપરા અને તેમના પરિવારજનો આ સમગ્ર પ્રસંગ માટે ખૂબ જ ઉત્સાહિત છે. અંદાજે રૂ.રપ કરોડથી વધુનો ખર્ચ થવાનો છે અને તેના થકી સમગ્ર કૃષ્ણગઢ ગામમાં શહેર જેવી જ સુવિધાઓ ઉપલબ્ધ થશે.
સંજયભાઈ આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે જેનાથી યુવાનો પુનઃ ગામ તરફ પ્રેરાય તેવું ચિત્ર ઉપસી રહયું છે. હાલમાં સમગ્ર તાલુકા સહિત જિલ્લામાં કૃષ્ણગઢ ગામ ચર્ચાનો વિષય છે. સંજય મુંજપરાની ગામ પ્રત્યેની લાગણીથી અન્ય ગામના યુવા અને ઉદ્યોગપતિઓ પ્રેરાય રહયા છે.
