UNમાં સુધારા લાવવા વીટો પાવર ધરાવતા દેશોની સંખ્યા વધારવી જરૂરીઃ ભારત
યુનાઈટેડ નેશન્સ, યુનાઈટેડ નેશન્સના માળખામાં સમય પ્રમાણે બદલાવ લાવવાની જરૂરિયાત સંદર્ભે ભારતે સ્પષ્ટ કર્યું હતું કે, યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં સુધારા લાવવા હોય તો કાયમી સભ્યપદની શ્રેણીનું વિસ્તરણ અનિવાર્ય છે. વીટો પાવર ધરાવતા દેશોની સંખ્યા વધારવામાં આવશે તો પ્રવર્તમાન સમયમાં સર્જાયેલા અસંતુલન અને અસમાનતાને દૂર કરી શકાશે.
સિક્યુરિટી કાઉન્સિલમાં સુધારા વિષય અન્વયે યોજાયેલી ઈન્ટર-ગવર્નમેન્ટલ નેગોશિએશન બેઠક દરમિયાન ભારતના UN રાજદૂત પાર્વથાનેની હરીશે કહ્યું હતું કે, વીટો સાથે અથવા તેના વગર નવી શ્રેણીની વિચારણા ખૂબ જટિલ બનશે, કારણકે આ અંગે ઘણી વ્યાપક ચર્ચાઓ થઈ રહી છે. બે મહત્ત્વના પરિબળ છે, જેના કારણે UNના માળખામાં અસંતુલન આવે છે અને કાયદેસરતાનો અભાવ વર્તાય છે.
આ બંને પાસામાં સભ્ય પદ અને વીટોનો સમાવેશ થાય છે. UN સિક્યુરિટી કાઉન્સિલમાં સુધારા લાવવાની જરૂરિયાત અંગે કોઈ બેમત નથી. ૮૦ વર્ષ પહેલા બનાવાયેલું માળખું વર્તમાન સમયની જરૂરિયાતોને પૂરી કરી શકતું નથી અને જીઓ-પોલિટિકલ સ્થિતિને સમજી શકતું નથી. ૧૯૬૦ના દસકા દરમિયાન કાઉન્સિલમાં એક માત્ર સુધારો થયો હતો અને તેના કારણે વીટો પાવર ધરાવતા દેશોની સંખ્યા વધી છે.
વીટો ધરાવતા કાયમી સભ્ય અને વીટો રહિત બિન-કાયમી સભ્યનું પ્રમાણ ૫ઃ૬ હતું, જેને વધારીને ૫ઃ૧૦ કરવામાં આવ્યું હતું. વીટો પાવર સાથે કાયમી સભ્યપદની શ્રેણીનું વિસ્તરણ કરવામાં ન આવે તો આ પ્રમાણ વધુ કથળશે અને તેના કારણે અસંલુન અને અસમાનતાની વર્તમાન વ્યવસ્થાને બળ મળશે. તેથી કાયમી સભ્યપદ અને વીટો શ્રેણીનું વિસ્તરણ કર્યા વગર સિક્યુરિટી કાઉન્સિલમાં સુધારો લાવી શકાય તેમ નથી.
ઉલ્લેખનીય છે કે, ભારત દાયકાઓથી સિક્યુરિટી કાઉન્સિલમાં સુધારા માટે પ્રયત્નશી છે. ૧૯૪૫ના વર્ષમાં સ્થપાયેલી ૧૫ દેશોની કાઉન્સિલના હેતુ સાથે ૨૧મી સદીમાં તાલમેલ સાધવો હોય તો વર્તમાન સમયની જીઓ-પોલિટિકલ સ્થિતિને સમજવી પડશે.SS1MS
